સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઇ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલ બસના ડ્રાઈવરે અજાણ્યાને અડફેટમાં લીધો હોવાની જાણ થતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સીસીટીવી ફુટેજની તપાસ કરતા યુવકે બસ આગળ પોતે પડતું મુકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલબસ નીચે કચડાયેલા આ યુવકને રસ્તા પર કણસતી અવસ્થામાં જોઈ અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે. હાલ પોલીસે અજાણ્યા યુવકની ઓળખના પ્રયાસો હાથ ધર્યા છે.
યુવક સામેથી આવતી સ્કૂલબસની નીચે સૂઈ ગયો
મળતી માહિતી મુજબ રવિવારે બપોરે એકાદ વાગ્યાના અરસામાં આશરે 25 વર્ષીય અજાણ્યો યુવક વરાછા બોમ્બે માર્કેટ નજીક ઇશ્વરકૃપા સોસાયટી પાસેથી પગપાળા જઈ રહ્યો હતો. ઝેબા ક્રોસિંગ તરફથી આવેલો આ યુવકે અચાનક સામેથી આવી રહેલી સ્કૂલબસની નીચે પડતું મૂકી દીધું હતું. બસચાલક કાંઈ સમજે તે પહેલાં આખી બસ તેના પરથી ફરી વળી હતી.
સારવાર મળે તે પહેલાં મોત થઈ ચૂક્યું હતું
બનાવને પગલે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું અને બસના વ્હીલ નીચે કચડાતા ગંભીર ઇજા પામેલા યુવકને લોકોએ 108ને જાણ કરી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં રવાના કર્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા વરાછા પોલીસ સ્મીમેર હોસ્પિટલ દોડી ગઈ હતી.
મૃતક યુવકની ઓળખની દિશામાં તપાસ
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક યુવકની ઓળખ થઈ નથી. તેણે શરીરે બ્લૂ ટી-શર્ટ અને પેન્ટ પહેરી છે. તેના જમણા હાથ પર વીંછીનું છૂંદણું ત્રોફાવેલું છે. જો કે, યુવકના ખીસ્સામાંથી માત્ર તમાકુની પડીકી મળી આવી હતી. જ્યારે તેની ઓળખ થઈ શકે તેવી કોઈ વસ્તુ મળી ન આવી હતી. પોલીસે હાલ યુવકની ઓળખ કરવા સાથે પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે.
કંપારી છૂટી જાય તેવી ઘટનાનો વીડિયો વાઈરલ
અજાણ્યા યુવકે સ્કૂલબસ નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરવા માટે સ્થાનિક વિસ્તારમાં તપાસ કરવા સાથે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી છે.