સુરતના હીરાબાગ મેઇન રોડ પર પીવાની લાઈનમાં લીકેજ થતા હજારો લિટર પાણી રોડ પર વેડફાયું રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાની અનેક જગ્યાએ ઘોર બેદરકારીના કારણે સ્થાનિક લોકોને ભોગ બનવું પડી રહ્યું છે. ત્યારે હીરાબાગ સર્કલ પાસે મેઇન રોડ પર પીવાના પાણીની મેઇન લાઈનમાં લીકેજ થતા રોડ પર ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. છેલ્લા બે દિવસથી પીવાના પાણીની મેન લાઇનમાં લીકેજ હોવા છતાં પણ પાલિકાના કોઈપણ કર્મચારીઓએ કામગીરી કરવાની તસ્દી પણ લીધી નથી.
થોડા દિવસ પહેલા સીમાડા સરથાણા વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઈનમાં લીકેજ હોવાથી પાણીની લાઈનને રિપેરિંગ કરવામાં આવી હતી. ત્યારે ફરીથી હીરાબાગ વિસ્તારમાં પીવાના પાણીની મેન લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મહત્વનું છે કે હાલ ઉનાળો ચાલી રહ્યો છે અને આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ ખૂબ જ ચિંતાનો વિષય છે.
ઉલ્લેખનીય છે કે, સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે આ પ્રકારે પીવાના પાણીનો વેડફાટ થતાં પાલિકાના અધિકારીઓની કામગીરી સામે અનેક સવાલો થઈ રહ્યા છે. બે દિવસથી સતત પાણી વેડફાઈ રહ્યું છે ત્યારે મેઇન લાઇનનું રિપેરિંગ ક્યારે થાય તે જોવું રહ્યું.