News Updates
SURAT

FBમાં જીવતા મળ્યા 17 વર્ષે મૃત પિતા :પોતે મૃત્યુ પામ્યાની અફવા ફેલાવી ચાર સંતાન-પત્નીને તરછોડી ડાકોરમાં બીજો સંસાર માંડ્યો,સુરતથી નોકરીની શોધમાં ગયા બાદ આવ્યા જ નહીં

Spread the love

તમને માનવામાં ન આવે એવો ગજબનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડીંડોલીમાં રહેતાં 23 વર્ષીય યુવકે 17 વર્ષે પોતાના મૃત પિતાને ફેસબુક ઉપરથી જીવિત શોધી કાઢ્યા હતા. 2005માં પોતાનાં મૃત્યુની અફવા ફેલાવી પત્ની અને ચાર સંતાનોને નોંધારા છોડી ડાકોરમાં બીજી યુવતી સાથે સંસાર માંડી રહેતા હોવાનું બહાર આવતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ફિલ્મને પણ ટક્કર મારે તેવી પોલીસ ચોપડે ચડેલી આ ઘટનામાં 17 વર્ષે મૃત વ્યક્તિ જીવિત મળ્યો છે. હાલ તો પોલીસે આ આખા કેસમાં ડીએનએ ટેસ્ટ સુધીની કામગીરી કરી હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે સણિયા-કણદે ગાંજરીયા ટેકરો વિસ્તારમાં રહેતાં 23 વર્ષીય મહાવીર નાના ભાઈ-બહેન કંચનબેન (ઉં.વ.21), ગાયત્રીબેન (ઉં.વ. 19) અને ભૂમિકા (ઉં.વ. 17) તથા માતા રમીલાબેન સાથે રહે છે. તે જ્યારે પાંચ વર્ષનો હતો અને તેઓ ડીંડોલી શ્રધ્ધા સોસાયટીમાં રહેતા હતા ત્યારે જ પિતા મહેન્દ્રસિંહ ઉર્ફે રોહિત હરૂભા ચુડાસમા (મૂળ રહે. ડાકોર, ગામ પોલારપુર, તા. બરવાળા, જિ. બોટાદ) કામધંધો શોધવા બહારગામ ગયા બાદ ક્યારેય પરત ફર્યા ન હતા.

પરિવારજનો અને મિત્ર વર્તુળે મૃત્યુ પામ્યાનું જણાવ્યું હતું. આઠેક મહિના પહેલાં તે ફેસબુક સર્ફિંગ કરતો હતો. ત્યારે અમસ્તા જ પિતા મહેન્દ્રસિંહ ચુડાસમા નાખીને સર્ચ કરતાં આશ્ચર્યના આઘાતથી ચીસ પાડી ઉઠ્યો હતો. પિતાના નામથી ફેસબુક પ્રોફાઇલ બની હતી અને તેમાં એક ફોટો પણ હતો. માતા રમીલાબેનને બતાવતાં તે પણ ઉછળી પડી હતી. ફેસબુકમાં તેમનો પતિ જીવિત અને સાજોસમો હતો.

ફેસબુકમાં નંબર પણ આપવામાં આવ્યો હોવાથી માતા-પુત્રએ ફોન કરતાં સામી વ્યક્તિએ પહેલાં પોતે જુઠ્ઠાણું ચલાવ્યું હતું, પરંતુ બાદમાં પોતે મહેન્દ્રસિંહ હોવાનું સ્વીકારી લીધું હતું. 17 વર્ષથી પોતાને નિરાધાર માનતો આ પરિવાર મહેન્દ્રસિંહને જોતાં દ્રવી ઉઠ્યું હતું. પરિવારનો ભેટો થતાં તમામ વ્યક્તિઓ ચોધાર આંસુએ રડ્યા હતા. મહેન્દ્રસિંહ બધા માટે અવનવી ગિફ્ટ લાવ્યો હતો.

સુરતમાં પણ પત્ની અને સંતાનોને નાની મોટી ગિફ્ટ અને દાગીના અપાવ્યા અને બાદમાં પરત જતો રહ્યો હતો. દર ત્રીજા ચોથા દિવસે અવરજવરનો સિલસિલો થોડાક મહિના સુધી ચાલ્યો હતો. પોતે અમદાવાદ રહેતો હોવાનું જણાવતો મહેન્દ્રસિંહ પત્ની અને સંતાનોને હરવા ફરવા પણ લઇ જતો હતો, પરંતુ મામલો ત્યારે બગડ્યો જ્યારે પરિવારે સાથે લઈ જવાની જીદ કરી હતી. પોતે બીજા લગ્ન કરી લીધા હોવાનું જણાવી ભાગી ગયો.

રમીલાબેન 1999માં માતા મંજુબેન સાથે રાજીવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. માતા ઘરે જમવાનું બનાવતી હોવાથી મહેન્દ્રસિંહ જમવા આવતો ત્યારે રમીલા સાથે આંખો મળી જતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પિતાને લગ્ન મંજુર ન હોવાથી તે ઘરે રહેતો ન હતો. 2001માં કોઇ ગુનામાં પોલીસે પકડતા સસરા સુરત આવ્યા હતા. કહ્યું હતું કે, પુત્રવધુ રમીલા સાથે રહેશે તો જ જેલમાંથી મુક્ત કરાવીશ. તેણે હા પાડતા જેલમાંથી મુક્ત કરાવ્યા બાદ બંને ડિંડોલીમાં મકાન રાખી સાથે રહેવા લાગ્યા હતા અને ચાર સંતાનો પણ થયા હતા.

17 વર્ષે ફેસબુકથી મળેલા પતિએ બીજા લગ્નની વાત છુપાવી હતી, પરંતુ રમીલાબેન અને પરિવારે સાથે લઇ જવાની જીદ કરતાં બીજા લગ્ન કરી લીધા હોવાનું અને બીજા લગ્ન થકી જન્મેલી પુત્રીના નામે ન્યુ રિદ્ધિ સિધ્ધિ જીન્સ ક્લોથના નામે દુકાન ચલાવતો હોવાનું જણાવ્યું હતું. અચાનક મળવાનું બંધ કરી દેતાં આ પરિવારે ફરીથી ન્યુ રિદ્ધિ સિદ્ધિ ક્લોથના નામે ઓનલાઇન સર્ચ કરતાં તે ડાકોરમાં હોવાનું અને તેમાં પિતાનો જ મોબાઇલ નંબર લખ્યો હોઇ પરિવાર ત્યાં પહોંચી ગયું હતું. તે વખતે તેની બીજી પત્ની જયશ્રીબેનને મળ્યા હતા. પોતાનો ભાંડો ફૂટી જતાં પરિવારને ત્યાંથી ધક્કા મારી કાઢી નાંખવાની સાથે ડાકોર પોલીસ મથકે બ્લેકમેઇલિંગની અરજી કરતાં પત્ની રમીલાબેને પણ ડીંડોલી પોલીસ મથકનું શરણું લીધું હતું.

રમીલાબેને ડીંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ડાકોર રહેતાં 45 વર્ષીય મહેન્દ્રસિંહ હરૂભા ચુડાસમાની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ આરોપીએ પોતે રમીલાબેન સાથે માત્ર પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું. તેની સાથે લગ્ન નહિ કર્યા હોવાનું અને બે સંતાનો પણ પોતાના નહિ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ડી.એન.એ. ટેસ્ટનો સહારો લીધો હતો. પોલીસે આરોપીના ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ લીધા હોવાનું પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ચુડાસમાએ જણાવ્યું હતું. હાલ આરોપી કોર્ટમાંથી જામીન લઈને રવાના થઈ ગયેલો છે.


Spread the love

Related posts

SURAT:દોઢ વર્ષની બાળકી મેગ્નેટિક માળા ગળી ગઈ સુરતના ડીંડોલીમાં,ઓપરેશન કરી બાળકીને બચાવાઈ

Team News Updates

ઉદ્યોગનો અનુભવ મળશેવિદ્યાર્થીઓને અભ્યાસ સાથે :MSU અને ISGJ દ્વારા સંયુક્તરૂપે જ્વેલરી ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં ઉદ્યોગ-કેન્દ્રિત MBA-BBA કોર્સિસની શરૂઆત

Team News Updates

સુરતમાં 20 વર્ષીય રાજસ્થાની યુવકે છઠ્ઠા માળેથી કૂદીને કર્યો આપઘાત, રોજગારી માટે આવ્યો ને પ્રેમમાં જીવ ગુમાવ્યો

Team News Updates