સુરતના ચોકબજાર ખાતે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી હતી. પૂરપાટ જતાં એક ક્રેનના ચાલકે રોડની સાઈડ પર બાઇક લઈને ઊભેલા પિતા-પુત્રને અડફેટે લઈ 20 ફૂટ જેટલા ધસડયા હતા. જેમાં બંનેના પગ પરથી ટાયર ફરી વળતાં બંનેના પગના માસના લોચા બહાર આવી ગયા હતા. અકસ્માતના કારણે આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું અને તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવીને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે અડફેટે લીધા
ચોક બજાર વિસ્તારમાં રહેતા 34 વર્ષીય કાદર રફીક રહેમતવાલા અને તેના 68 વર્ષીય પિતા રફીક રહેમતવાલા ઘરેથી બાઈક પર કોઈ કામ હેતુસર બહાર નીકળ્યા હતા. જ્યારે તેઓ બાઈક પર જઈ રહ્યા હતા ને ચોકબજાર ગાંધીબાગ પાસે પહોંચ્યા તો એકાએક કોલ આવતા પિતા અને પુત્ર બંને રોડની સાઈડ પર ઊભા રહી ગયા હતા અને કોલ પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતા ક્રેનના ચાલકે બંનેને અડફેટે લીધા હતા.
પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ જેટલા ધસડ્યાં
ક્રેન ચાલકની ગતિ એટલી હતી કે, પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ જેટલા ધસડ્યાં હતા. જેમાં બાઇક પણ ક્રેનની નીચે ફસાઈ ગયું હતું. જ્યારે ક્રેનના મહાકાય ટાયર પિતા-પુત્રના પગ પરથી ફળી વળ્યા હતા. જેથી બંનેના પગના માસના લોચા બહાર આવી ગયા હતા. બંનેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. હાલ બંનેની હાલત નાજુક છે.
ક્રેનના ચાલકને પોલીસને સોંપ્યો
ક્રેનના ચાલક દ્વારા અકસ્માત કરતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ ક્રેનના ચાલકને પકડી પાડ્યો હતો. ત્યારબાદ પિતા પુત્રને ક્રેન નીચેથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડયા હતા. આ સાથે જ પોલીસને પણ જાણ કરી દીધી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચતા ક્રેનના ચાલકને પોલીસને સોંપી દીધો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.