સુરત જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48નું સંચાલન કરતી NHAI વિભાગની ઢીલી કામગીરીને લઈને સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. NHAI વિભાગના માણસોની આળસનો ભોગ સામાન્ય પ્રજા બની રહી છે. ત્યારે આજે કામરેજના ધોરણ પારડી ગામ નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને કારણે ચાર કલાક નેશનલ હાઇવે જામ રહ્યો હતો. 10 કિલોમીટર લાંબા ટ્રાફિકજામને કારણે વાહનોના થપ્પા લાગતા વાહનચાલકો હેરાન પરેશાન થયા હતા.
કામરેજ ટોલ પ્લાઝા ખાતે રોજ લાખો રૂપિયાની ઉઘરાણી કરતા NHAI વિભાગ વાહનચાલકોને સુવિધા પૂરી પાડવામાં ક્યાંક ને ક્યાંક નબળો સાબિત થઈ રહ્યો છે. આજે પણ વધુ એકવાર હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. કામરેજના ધોરણ પારડી ગામ નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે બે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેને લઇને નેશનલ હાઇવે બ્લોક થઇ ગયો હતો. બનાવને પગલે કામરેજ ફાયર વિભાગ, જિલ્લા ટ્રાફિક વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને અકસ્માતગ્રસ્ત વાહનો રોડ પર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રાફિક પોલીસ નેશનલ હાઇવે પરથી અકસ્માતગ્રસ્ત વાહનો હાઈવેની સાઈડમાં ખસેડે એ પહેલાં નેશનલ હાઇવે પર 10 KMથી વધુનો ટ્રાફિકજામ થઈ જતાં વાહનોના થપ્પા લાગી ગયા હતા. જેને લઇને કલાકો સુધી વાહનો ટ્રાફીકમાં ફસાઈ જતા ઘણા ચાલકો વાહનોમાં હેરાન પરેશાન થઈ સૂઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લા પસાર થતા નેશનલ હાઇવેનું સંચાલન કરતા NHAI વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની ઢીલી કામગીરીને લઈને છાશવારે વાહનચાલકોને આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરવાની કામગીરીમાં આળસ કરતા NHAI વિભાગના કારણે ઘણીવાર અન્ય અકસ્માતો પણ થાય છે. ત્યારે NHAI સામે સ્થાનિક નેતા મેદાને ઉતરી લોકોને આ સમસ્યામાંથી છુટકારો અપાવે તે હાલ જરૂરી બન્યું છે.
નેશનલ હાઇવે 48ને અડીને આવેલા ગામડાઓમાં મોટીમોટી જીઆઈડીસીઓ આવેલી છે. આ GIDC સાથે હજારો લોકો જોડાયેલા છે. અવાર નવાર થતા ટ્રાફિક અને આંબોળી ગામ પાસે તાપી નદીના બ્રિજ પર બે બ્રિજના જોઇન્ટ વચ્ચે લોખંડની પ્લેટ મૂકી દેવામાં આવી હતી. જે સમસ્યાઓને લઇને સુરત જિલ્લાના ઉદ્યોગકાર પ્રવીણ દોંગા તેમજ ટ્રાફિક પોલીસના તત્કાલિન PSI P.D ગોંડલિયા સહિતના આગેવાનો NHAI વિભાગમાં મીટીંગ માટે ગયા હતા. તે દરમિયાન કલાકો સુધી ઓફિસની બહાર રાહ જોવડાવ્યા બાદ અધિકારીઓએ સમય ફાળવ્યો ન હતો. જેને લઈને અપમાનનો ઘૂંટડો પી આગેવાનો પરત ફર્યા હતા. જોકે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા એક બે દિવસ બાદ NHAI વિભાગના ઓફિસરો ઉદ્યોગકારોની ઓફીસ દોડી આવ્યા હતા અને તમામ સમસ્યાઓથી લોકોને છુટકારો મળશે તેવું આશ્વાસન આપી નીકળી ગયા હતા.