દાહોદ જિલ્લાના લીમખેડા ગામના શાસ્ત્રી ચોક પર દાહોદ તરફથી આવતી કારે રોંગ સાઈડમાં ઘુસી જઈ સામેથી આવતી રીક્ષાને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર 50 વર્ષીય આધેડ સહિત 4 શખ્સોને ગંભીર ઈજાઓ પહોચી હતી, ઈજાગ્રસ્તો પૈકી 50 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયુ હતુ.
દાહોદ જિલ્લાના લીમખેડા ગામે એક ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની થાર ગાડી લીમખેડા ગામે હાઇવે પર રોંગ સાઈડમાં પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી સામેથી આવતી પેસેન્જર ભરેલી રીક્ષાને ટક્કર મારી તેના કબજાની થાર ફોરવીલ ગાડી સ્થળ પર મૂકી નાસી જતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા દાભડા ગામના સુથાર ફળિયામાં રહેતા 50 વર્ષીય ભયલાભાઈ ભીખાભાઈ બારીયાને બંને પગે તથા શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થઈ હતી. તેમજ રિક્ષામાં બેઠેલ દાભડા ગામના પ્રકાશભાઈ ભયલાભાઈ બારીયા, અરવિંદભાઈ તથા પિન્કીબેનને શરીરે નાની મોટી ઇજાઓ થવા પામી હતી. જેથી ઉપરોક્ત ચારે ઇજાગ્રસ્તોને સારવાર માટે તાબડતોબ 108 મારફતે લીમખેડા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં દાભડા ગામના 50 વર્ષીય ભયલાભાઇ ભીખાભાઈ બારીયાનુ સારવાર દરમિયાન મોત થયું હતું.
આ સંબંધે દાભડા ગામના મરણ જનાર ભયલાભાઈ ભીખાભાઈ બારીયાના પુત્ર પ્રકાશભાઈ ભયલાભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે લીમખેડા પોલીસે થાર ગાડીના ચાલક વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.