શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ,ઉપરવાસના વરસાદને હિરણ – 2 ડેમના તમામ સાતેય દરવાજા ખુલ્લા મુકાયા
ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદની આગાહીના પગલે સતત 24 કલાક મેઘરાજાએ વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને કોડીનારને ઘમરોળ્યું હતું.અનેક ગામો બેટમાં ફેરવાયા હતા.હિરણ – 2 ડેમમાં પણ ભારે પાણીની આવક થતાં તમામ સાતેય દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા હતા.જેના પગલે આસપાસના 14થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યા હતા.વેરાવળ પંથકમાં ભારે વરસાદની આગાહીના પગલે મેઘરાજાએ વેરાવળના સતત 24 કલાક સુધી ધમરોળ્યું હતી.દરમિયાન મંગળવારે સવારે 6 વાગ્યા થી બુધવારે સવારે 6 વાગ્યા સુધી 24 કલાકમાં 23 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.મંગળવારે રાત્રે માત્ર 6 કલાકમાં જ 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.જેના પગલે મંગળવાર મોડી રાત્રિથી જ શહેરના ડાભોર રોડ, બિહારી નગર, આવાસ યોજના, ગંગાનગર, જીવન જ્યોત સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી, જૈન દેરાસર, હરસિદ્ધિ સોસાયટી, ગીતાનગર -2,આઝાદ સોસાયટી, લીલાશાહ નગર, હુડકો સોસાયટી, મોચિનગર, આઝાદ સોસાયટી, તાજ સોસાયટી, સલાટ સોસાયટી, બજરંગ સોસાયટી, 60 ફૂટ રોડ, 80 ફૂટ રોડ, મહિલા કોલેજ રોડ સહિત અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા.જ્યારે વહેલી સવાર સુધી સમગ્ર શહેર પાણી પાણી થઇ ગયું હતું.શહેરની મુખ્ય બજારો વખારિયા બજાર, સટ્ટાબજાર, એસટી રોડ, રાજેન્દ્ર ભુવન રોડ, વખારિયા બજાર, ઘનશ્યામ પ્લોટ અને નવદુર્ગા મંદિર રોડ સહિત તમામ સોસાયટી પાણીમાં ગરકાવ થઈ હતી.જો કે મેઘરાજાએ સવારે 10 વાગ્યા બાદ ખમૈયા કરતા મોટા ભાગના વિસ્તારોમાં પાણી ઓસરવાનું શરૂ થયું હતું પરંતુ ઘણી સોસાયટીઓ એવી છે જ્યાં પાણી ઓસરતાં 24 થી 48 કલાક સુધીનો સમય લાગે છે.શહેરના સાઈ બાબા મંદિર પાસે દેવકા નદીના પાણીની ભરપૂર આવક થવાને પગલે પોલીસ અને પાલીકા તંત્ર દ્વારા ખાનગી કંપનીની દીવાલ તોડીને પાણીનો ઝડપી નિકાલ કરાવાયો હતો.
સૌથી વધુ 5 થી 8 ફૂટ પાણી ડાભોર પર ભરાતા મોટા ભાગની દુકાનો અને મકાનમાં પાણી ઘૂસ્યા હતા.
શહેરના ડાભોર રોડ પર ભારે વરસાદના પગલે સૌથી વધુ પાણી ઘૂસ્યા હતા.હરભોલે ચોકથી જૈન દેરાસર અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં લગભગ 5 થી 8 ફૂટ પાણી ભરાવાને કારણે દિલીપ પ્રોવિઝન, લાલવાણી સુપર માર્કેટ અને તેની આસપાસની તમામ દુકાનો તેમજ મકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓને ભારે નુકસાની થઈ હતી તેમજ લોકોની ઘરવખરિના સામાનને ભારે નુક્સાન થયું હતું.
સોનારિયા ગામે ફાયર ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
સોનારિયા ગામ બેટમાં ફેરવાય જતા ફાયરની ટીમ દ્વારા રેસકયું કરી લોકોનું પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.ઉપરાંત પોલીસ સ્ટાફ દ્વારા પણ ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાની કામગીરી કરાઇ હતી.
વેરાવળ સોમનાથ નેશનલ હાઈ વે પાણીમાં ગરકાવ, ત્રિવેણી સંગમના મુખ્ય માર્ગ પણ પાણીમાં ગરકાવ
વેરાવળ સોમનાથ હાઈ વે પર પાણી ફરી વળ્યા હતા અને એક સાઈડ જાણે નદીનો પટ હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.બહાર ગામથી આવતા યાત્રિકોએ ભારે મુશ્કેલીનો સામનો કર્યો હતો અને પોતાના વાહન સાઇડ માં પાર્ક કરી સુરક્ષિત સ્થળે રોકાણ કર્યું હતું. ભાલપરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ જાણે નદીઓ વહેતી થઈ હતી.ત્રીવેણી સંગમ પાસે પણ મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા.જેના પગલે સ્થાનિક વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)