ડોશિઆમ વિસ્તાર તેમજ કૃતિ હોટલ પાસેની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટર મારફતે સલામત સ્થળે ખસેડાયા
હાઈવેના ડિવાઈડર તોડીને કરવામાં આવી રહ્યો છે ભરાયેલા પાણીનો નિકાલ
વેરાવળ-સોમનાથ હાઈવે પર ટ્રાફિક ક્લિયર કરી રસ્તો ખુલ્લો કરાવતું પોલીસતંત્ર
૯૦થી વધુ દર્શનાર્થીઓને પણ સલામત રેલવે સ્ટેશન પહોંચાડાયા
ગીર સોમનાથમાં બે દિવસથી પડી રહેલા સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે ત્યારે વેરાવળ સોમનાથ બાયપાસ પણ બંધ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલિસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પ્રભાસ પાટણના ડોશિઆમ વિસ્તાર તેમજ વેરાવળ-સોમનાથ બાયપાસ પર કૃતિ હોટલ પાસેની સોસાયટીઓમાં ફસાયેલા લોકોને પોલીસતંત્ર દ્વારા ટ્રેક્ટર મારફતે બચાવ કામગીરી કરી અને ઘાંચીવાડા, પ્રભાસપાટણ તરફ સલામત સ્થળે ખસેડાયા છે. તેમજ ૯૦થી વધુ દર્શનાર્થીઓને પણ સલામત રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતાં.
પીઆઈ શ્રી એ.એમ.મકવાણા, પીએસઆઈ શ્રી એસ.એચ.ભૂવા, પી.એસ.આઈ શ્રી ડી.એમ.કાગડા સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા વેરાવળ-સોમનાથ બાયપાસ પર પાણી ભરાવાના કારણે થયેલા ટ્રાફિકને પણ ક્લિઅર કરવામાં આવી રહ્યો છે અને સોમનાથ તરફ આવતા યાત્રિકોને પણ યોગ્ય માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત નેશનલ હાઈવે ઓથોરિટીના સંકલનમાં રહી પોલીસતંત્ર દ્વારા બાયપાસ પર હાઈવેના ડિવાઈડર તોડીને ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
અહેવાલ : પરાગ સંગતાણી (ગીર-સોમનાથ)