ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રીય અગ્રણી જયરાજસિંહ જાડેજા આયોજિત સંમેલનમાં અમુકનું સમર્થન, અમુકની ગેરહાજરી તો અમુકની અટકાયતની વહેતી વાતો!!
ક્ષત્રિય અગ્રણીઓમાં ભાગલા?: જયરાજસિંહે કહ્યું-‘વિવાદ પૂર્ણ’, તો પદ્મિનીબાએ કહ્યું- ‘રાજકીય રોટલા શેકવાના બંધ કરો’
રાજકોટ,તા.૩૦: લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા (Parasottam Rupala)ના કથિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને ઠારવા માટે ગતરોજ ક્ષત્રિય અગ્રણી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja)ના અધ્યક્ષ સ્થાને ગોંડલ (Gondal)ના શેમળા ગામે ક્ષત્રિય સમાજ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, વિવિધ સંગઠનોના આગેવાનો સહિત મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ ફરી એકવાર જાહેર મંચ પરથી તમામની માફી માંગી હતી. સંમેલન પૂર્ણ થયા બાદ જયરાજસિંહ જાડેજાએ સર્વસંમતિથી સમાધાન થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે, કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ હજુ સમાધાન ન થયું હોવાનું જણાવ્યું છે. તેઓએ કહ્યું છે કે, તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે આ બધુ બંધ કરો. જીત તો અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે. જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી સમાધાન નહીં થાય.
ભાજપના મહિલા આગેવાન અને કરણી સેનાના મહિલા મોરચાના પ્રમુખ પદ્મિનીબા વાળા ગોંડલ ખાતેના ક્ષત્રિય સંમેલન અને જયરાજસિંહથી નારાજ જોવા મળી રહ્યા છે. પદ્મિનીબા વાળાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઈ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ.
રૂપાલાએ માફી માગી લીધી એટલે આ વિવાદનો અંત આવી ગયો એમ સમજો : જયરાજસિંહ જાડેજા
રાજકોટના ગોંડલના શેમાળા ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના ફાર્મ હાઉસ ‘ગણેશગઢ’ ખાતે એક મોટી બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, રાજકારણીઓ, કરણી સેના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે હાથ જોડીને માફી માગી હતી. તેમણે કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. મારા માટે અફસોસની વાત છે કે આવી ભૂલ થઈ, મારા જીવનમાં આવું ક્યારેય નથી બન્યું. હું જયરાજસિંહજીનો આભારી છું કે તમે આ આગેવાની લીધી અને આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં પ્રયાસ કર્યો છે. મારા કારણે પાર્ટીને નુકશાન થયું તે માટે હું સૌની માફી માંગુ છું. હું કાર્યક્રમમાં જતો હોવ તેમ મારું સ્વાગત કરાયું છે. મારી જીભથી નીકળેલા શબ્દોનો મને રંજ છે. મારી જીભથી ક્યારે આવું થયું નથી. મારા નિવેદનના કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. મેં તેની માફી પણ માગી છે. મેં બે હાથ જોડીને માફી માગી છે. મારા માટે નહીં પરંતુ મારી પાર્ટી માટે મને માફ કરી દો. મારા માટે નહીં પણ મારી પાર્ટી માટે સમાજની માફી માગુ છું. આ ક્ષતિ સંપૂર્ણ મારી ક્ષતિ છે,જવાબદાર હું છું. મારા કારણે ક્ષત્રિય સમાજને સહન કરવું પડશે તેની જવાબદારી મારી. હું સમગ્ર દેશના ક્ષત્રિય સમાજને વિનંતી અને અપીલ કરૂ છું અને માફી માગુ છું.’ આ સાથે રૂપાલાએ જયરાજસિંહનો પણ આભાર માન્યો હતો.
ગઈકાલે મળેલા આ ક્ષત્રીય સમાજના આ મહત્વપૂર્ણ સંમેલન બાદ મોડી રાત્રી સુધી સમાધાન થઇ ચુક્યાની વાતો બજારમાં વહેતી થઇ હતી પરંતુ આજે સવારે કરણી સેનાનાં મહિલા મોરચાનાં પ્રમુખ પદ્મિનીબા વાળાએ મીડિયા સમક્ષ આવીને રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા દ્વારા થયેલ વિવાદાસ્પદ નિવેદન બાબતે કોઈપણ પ્રકારનું સમાધાન થયું નથી અને થશે નહિ તેવી વાત કરી હતી ઉપરાંત માધ્યમોને તેવું પણ જણાવ્યું હતું કે, અમને રાજસ્થાન સહીત અન્ય રાજ્યોમાંથી પણ સમર્થન મળી રહ્યું છે અને સમગ્ર સમાજની એક જ માંગ છે કે, રાજકોટ લોકસભાનાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને હટાવીને અન્ય કોઈપણ જ્ઞાતિનાં કોઈપણ સારા વ્યક્તિને ટીકીટ આપવામાં આવે તો અમને કોઈ વાંધો નથી.અને અમે ક્ષત્રીય સમાજ વતી આ બાબતે છેલ્લે સુધી લડી લેવાના મુડમાં મેદાને ઉતર્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, આ વિવાદ જેમના કારણે ઉપજ્યો છે તે રાજકોટ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા ત્યારે તેઓએ ક્ષત્રીય સમાજ પર કરેલ એક ટીપ્પણીને લઈને સમગ્ર ભારતના ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે ભાજપ ધારે તો પોતાની ખાસ ટીમ દ્વારા પણ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી હતી. પરંતુ આ જવાબદારી ભાજપ દ્વારા ક્ષત્રીય સમાજનાં અગ્રણી મનાતા પોતાના જ પક્ષના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને સોંપવામાં આવી હતી. જો કે, સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આ જવાબદારી સોંપવામાં આવી હતી કે જયરાજસિંહ દ્વારા પોતે સ્વીકારેલ હતી તેની કોઈ સ્પષ્ટ વિગતો મળી રહી નથી.
પરંતુ ગઈકાલે રાજકોટની આ વિવાદિત લોકસભા બેઠકના મતક્ષેત્રની બહાર આવેલા ગોંડલનાં પૂર્વ ધારાસભ્યનાં શેમળા ગામના ફાર્મ હાઉસ પર આ બેઠક કામ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં અનેક ક્ષત્રીય અગ્રણીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાંથી મોટા ભાગના અગ્રણીઓ હાજર રહ્યા હતા પરંતુ સુત્રોનું માનીએ તો, કેટલાક અગ્રણીઓ આંતરિક નારાજગીનાં લીધે આ સંમેલનમાં હાજર રહ્યા નહોતા ઉપરાંત અમુક ખાસ લોકો કે જે, આ સંમેલનમાં વિક્ષેપ કરે તેવી શક્યતાઓ હતી તેમને આ સંમેલનમાં હાજરી આપવાથી દુર રાખવામાં આવ્યા હતા.આ સંમેલન બાદ જયરાજસિંહ જાડેજાએ ક્ષત્રીય સમાજના જ સામાપક્ષનાં અગ્રણીઓને પોતાની સાથે ચર્ચા કરવા અંગે ખુલ્લો પડકાર પણ ફેંક્યો હતો.તથા સંમેલનમાં હાજર તમામ લોકોને સમાજનાં લોકોને ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાને સમર્થન આપવા માટે વચન પણ લીધું હતું.
આ પરથી સ્પષ્ટ તારણ બની શકે છે કે,ગોંડલનાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા પોતાનો હોલ્ટ હાઈ-કમાંડ સામે વધારવા માટે આ જવાબદારી સ્વીકારવામાં આવેલ હોવાનું મનાઈ છે પરંતુ ભાજપનાં હાઈકમાન્ડને આ સંમેલન બાદ કોઈ ખાસ પ્રકારનું ડેમેજ કંટ્રોલ ન દેખાતા હાલ આ સંમેલન ફ્લોપ સાબિત થઇ ચુક્યું છે તેવી વાત બજારમાં વહેતી થઇ છે.