રાજકોટ શહેરમાં આજે સવારે રૈયા ચોકડી પાસે BRTS બસના ચાલકે કાબુ ગુમાવતા ધડાકાભેર બસને બસ સ્ટેન્ડ સાથે અથડાવી હતી. જેને લઈ ત્યાં હાજર મુસાફરોમાં દોડધામ મચી ગઇ હતી. સ્પીડમાં બસ સ્ટેન્ડ સાથે અથડાતા બસ એક ભાગનો કડૂસલો બોલી ગયો હતો અને ત્યાં હાજર એક મહિલાને ઇજા પણ પહોંચી હતી. આ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસે સ્થળ ઉપર દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે, ત્યારે વધુમાં વધુ વેરાની વસુલાત થાય તે માટે મનપા કમિશનર આનંદ પટેલનાં આદેશ અનુસાર રવિવાર હોવા છતાં આવતીકાલે વેરા વસુલતની કામગીરી ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન ગઈકાલે પણ ગુડ ફ્રાઇડેની રજા હોવા છતાં વસુલાત કરવામાં આવી હતી. ગઈકાલ અને આજે બે દિવસમાં મળીને વધુ 8 મિલકત સીલ કરી અને 10ને ટાંચ જપ્તીની નોટિસ ફટકારવામાં આવી હતી. તેમજ 3 નળ કનેક્શન કપાત કરી 2.59 કરોડની વસુલાત કરવામાં આવી હતી. આવતીકાલે છેલ્લો દિવસ હોય મોટી રકમની વસુલાત થવાનો અંદાજ છે.