સાત મહિના પહેલાં ફોર્બ્સની યાદી જાહેર થઈ તેમાં સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝના માલિક અશ્વિન દેસાઈને પણ સ્થાન મળેલું. ગુજરાતના ટોચના અબજોપતિઓમાં એથરના અશ્વિન દેસાઈની ગણતરી થાય છે. તેમની સંપત્તિ 1.3 બિલિયન ડોલર છે. પણ 28 નવેમ્બરે મંગળવારની રાત્રે સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝના કેમિકલ સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતાં 27 મજૂરો દાઝી ગયા હતા. 27માંથી 7 લાપત્તા હતા અને તેમનાં કંકાલ મળી આવ્યાં છે. મંગળવારે આગ લાગી અને બુધવારે સવારે શેરબજાર ખૂલતાંની સાથે જ કંપનીના શેરમાં 8.50 ટકા સુધી ગાબડું પડતાં 1 હજાર કરોડની માર્કેટ કેપ પણ આ આગમાં સ્વાહા થઈ ગઈ હતી.
વિશ્વના જાણીતા ફોર્બ્સ મેગેઝિને વિશ્વના 2259 બિલિયોનેરની પ્રસિદ્ધ કરેલી યાદીમાં 168 ભારતીય ઉદ્યોગકારને સ્થાન મળ્યું હતું. આ 168 બિલિયોનેરની યાદીમાં પહેલા સુરતી બિઝનેસમેન તરીકે અશ્વિન દેસાઈને સ્થાન આપવામાં આવ્યું હતું. અશ્વિન દેસાઈની સંપત્તિ 1.3 બિલિયન ડોલર છે. અશ્વિન દેસાઈનો પરિવાર એથર કંપની ચલાવે છે.
તેમણે સુરતની સચિન જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરી એથર ઇન્ડસ્ટ્રીની સ્થાપના કરી હતી. આ વર્ષના ફોર્બ્સ મેગેઝિનમાં બિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવનાર પ્રથમ સુરતી એથર ઇન્ડસ્ટ્રીના સીએમડી અશ્વિન દેસાઈ જે ગત વર્ષે 1.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે પ્રથમ જાહેર ઓફર સાથે બહાર આવ્યા હતા અને વિશ્વની 2259 સૌથી ધનિક વ્યક્તિ સાથે તેઓ આ યાદીમાં અન્ય 168 ભારતીય સાથે સ્થાન મેળવવામાં સફળ રહ્યા હતા.
1974માં કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી
એથર ઇન્ડસ્ટ્રીના સ્થાપક પ્રમોટર મેનેજિંગ ડિરેક્ટર એવા 72 વર્ષીય અશ્વિન દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (ICT, અગાઉ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજી, UDCT, મુંબઈ)માંથી વર્ષ-1974માં કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમને 2010માં ભારતીય કેમિકલ ટેક્નોલોજી દ્વારા પ્રતિષ્ઠિત ભૂતપૂર્વ વિદ્યાર્થી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
અશ્વિન દેસાઈ એથર ઇન્ડસ્ટ્રીની સ્થાપના પહેલાં અનુપમ રસાયણ ઈન્ડિયા લિમિટેડના સ્થાપક સભ્ય હતા અને 2013 સુધી તેમાં જ અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રહ્યા. તેમની ઈચ્છા હતી કે કેમિસ્ટ્રી, ટેક્નોલોજી અને સિસ્ટમ્સ માટે સર્જનાત્મક અભિગમ સાથે રસાયણોની દુનિયામાં વિશેષ સ્થાન મેળવવું, સ્પેશિયલાઈઝ કેમિકલના ક્ષેત્રમાં અગ્રેસર અશ્વિન દેસાઈની જ ફેક્ટરીમાં આગ લાગતાં ગુજરાતના જ નહીં, ભારતના ઉદ્યાગક્ષેત્રમાં ચર્ચા થઈ રહી છે.
પત્ની અને બે પુત્રો સાથે કંપની ચલાવે છે
72 વર્ષીય કેમિકલ એન્જિનિયરે 2013માં એથરની શરૂઆત કરી હતી અને તેની પત્ની પૂર્ણિમા અને પુત્રો રોહન તથા અમન સાથે ચલાવે છે. પત્ની પૂર્ણિમા ફાઇનાન્સનું સંચાલન કરે છે, જ્યારે રોહન વેચાણ, સોર્સિંગ અને માનવ સંસાધનોમાં ફેલાયેલા બિઝનેસ ઓપરેશન્સની દેખરેખ રાખે છે. નાનો પુત્ર અમન, જે પીએચ.ડી. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાંથી કાર્બનિક રસાયણશાસ્ત્રમાં, R&D અને નવા પ્રોજેક્ટ્સના વડા છે. સુરતમાં બે ફેક્ટરી સાથે એથર પાસે 25 વિશિષ્ટ રાસાયણિક ઉત્પાદનોનો પોર્ટફોલિયો છે, જે-તે ફાર્માસ્યુટિકલ્સ, એગ્રોકેમિકલ્સ, તેલ અને ગેસ જેવા ઉદ્યોગોની સિરીઝને સપ્લાય કરે છે.
એથરના શેર ગગડી રહ્યા છે
મંગળવારે આગ લાગી અને બુધવારે સવારે શેરબજાર ખૂલતાંની સાથે જ કંપનીના શેરમાં 8.50 ટકા સુધી ગાબડું પડતાં 1 હજાર કરોડની માર્કેટ કેપ પણ આ આગમાં સ્વાહા થઈ ગઈ હતી. આજે ગુરુવારે પણ ખૂલતા બજારે એથરના શેર ગગડ્યા હતા. તેમાંય માનવ કંકાલની વાત સામે આવતાં આગામી દિવસોમાં કંપની સામે અનેક પ્રકારના પડકારો ઊભા છે.