ઉમરપાડા પોલીસની હદમાં ઉમરપાડા-માલ્ધા રોડ પર ગત સાંજના સમયે સુરત સુમુલ ડેરીનું ટેન્કર રસ્તા પર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન ટેન્કરચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેન્કર રસ્તાની નીચે ઉતરી ગયું હતું અને પલટી મારી ગયું હતું. જેને પગલે દૂધ બધું ઢોળાઇ જતાં સ્થાનિકો દૂધ ભરવા તપેલા, માટલા, પાણીનો જગ લઈ દોડ્યા હતા. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
ભેંસ વચ્ચે આવી જતા અકસ્માત સર્જાયો
દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીનું દૂધનું ટેન્કર ગત સાંજના સમયે ઉમરપાડા તાલુકાના અલગ અલગ વિસ્તારોમાંથી દૂધ એકત્ર કરી પરત સુમુલ ડેરી સુરત પર જઈ રહ્યું હતું. તે દરમિયાન રસ્તામાં એક ભેંસ વચ્ચે આવી જતા ટેન્કરચાલકે અચાનક બ્રેક મારી હતી. જેને પગલે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો.
લોકો ઘરેથી પાત્રો લાવી દૂધ ભરવા લાગ્યા
ટેન્કરચાલકે અચાનક બ્રેક મારતા દૂધ ભરેલું ટેન્કર સીધું રસ્તાની નીચે ઉતરી ગયું હતું અને પલટી મારી ગયું હતું. જેને પગલે ટેન્કરમાં રહેલું હજારો લીટર દૂધ ઢોળાઇ ગયું હતું. જંગલ વિસ્તારમાં જાણે દૂધની નદીઓ વહેતી હોય એવા દૃશ્યો જોવા મળ્યા હતા. સ્થાનિકોની નજર આ અકસ્માત પર પડતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને બાદમાં ઘરેથી તપેલા, પાણીના જગ, કેન સહિતના પાત્રો લાવી દૂધ ભરવા લાગ્યા હતા. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઇને ઈજાઓ નહીં
અકસ્માતની ઘટનાને પગલે કોઈને પણ ઈજાઓ થયાના સમાચાર મળ્યા ન હતા. જેને લઇને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે હાલતો હજારો લીટર દૂધ જંગલ વિસ્તારમાં ઢોળાઇ જતાં સુરત સુમુલ ડેરીને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.