વિભાગીય નાયબ નિયામક-આરોગ્ય કચેરી રાજકોટની કાબિલેદાદ કામગીરી : કોરોનાનો મૃત્યુદર ઘટયાનો પણ દાવો
રાજકોટ કોઈપણ લક્ષ્યને સિધ્ધ કરવા માટે તેના પાયામાં નક્કર આયોજન અને લક્ષ્ય પ્રત્યે સમર્પણની ભાવનાનું વિશેષ મહત્વ રહેલું છે. જેના થકી કોઈ પણ પડકારો અને મુશ્કેલીઓને મક્કમ ગતિ સાથે પાર પાડી શકાય છે. હાલ ગુજરાત સરકાર અને તબીબી જગત કોરોના સામે બાહોશી સાથે લડાઈ લડી રહ્યા છે. ત્યારે આ લડાઈમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને વિભાગીય નાયબ નિયામક, આરોગ્ય કચેરી પણ નિષ્ઠાવાન અને પરિણામલક્ષી કામગીરી કરી રહી છે. જેના કારણે આજે રાજકોટ જિલ્લામાં કોરોનાને કારણે થતાં મૃત્યુ દરમાં ઘટાડો થયો છે તેમજ વયોવૃધ્ધ વ્યક્તિઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘરે પરત ફરી રહ્યા છે.
વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય કચેરી, રાજકોટ ડો. રૂપાલી મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ ઝોન હેઠળ 6 જિલ્લા(રાજકોટ-જામનગર-પોરબંદર-ભુજ-કચ્છ-મોરબી-દેવભુમિ દ્વારકા) અને રાજકોટ-જામનગર એમ બે કોર્પોરેશનનો સમાવેશ થાય છે.
કામગીરી અંગે વિગતો આપતા આરોગ્યના વિભાગીય નાયબ નિયામક ડો.મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટ કલેકટરની સુચના અન્વયે રાજકોટમાં બે ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે.
ફરજ પર નિયુક્ત તબીબી અધિકારી, આયુષ એમ.ઓ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. આ જ પધ્ધતિ અને આયોજન સાથે તાલુકા કક્ષાએ જ દર્દીને સારવાર મળી રહે તેવા હેતુસર સરકારી હોસ્પિટલમાં તમામ ઓક્સિજન બેડ સાથે જસદણમાં 24, ગોંડલમાં 55 અને ધોરાજીમાં 35 બેડ સાથે કોવીડ કેર સેન્ટરો કાર્યરત કરાયા છે.
કુદરતી આફતને એકતાની શક્તિ વડે ખતમ કરવા રાજકોટ અને અન્ય છ જિલ્લાનો મેડીકલ સ્ટાફ પણ તંત્રની પડખે ઉભો રહ્યો છે. જે અન્વયે અન્ય જિલ્લાઓમાંથી એક તબીબી અધિકારી, પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઈવર અને એમ્બ્યુલન્સ વાહન સાથે કુલ 72 ટીમ અને 216 કર્મચારીઓને કોવીડ-19 કામગીરી અર્થે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટેશન કરવામાં આવ્યું હતું. જ્યારે રાજકોટમાં વડી કચેરી ગાંધીનગરના સંકલન સાથે આશરે 100 સ્ટાફ નર્સને પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે ફરજ પર મુકવામાં આવ્યા છે. તેમજ કર્મયોગી બનીને 3 ફિઝિયોથેરાપીસ્ટો સિવિલ ખાતે રોટેશન મુજબ અન્ય આદેશ ન થાય ત્યાં સુધી એનેસ્થેસિયા વિભાગ હેઠળ પ્રતિનિયુક્તિથી ફરજો નિભાવી રહ્યા છે.
કહેવત છે કે ‘પરિશ્રમ એ જ પારસમણિ‘. આ કહેવતને જિલ્લા વહીવટી તંત્ર અને વિભાગીય નાયબ નિયામકશ્રીની આરોગ્ય કચેરીએ સાર્થક કરી બતાવી છે. જેના કારણે રાજકોટ આજે કોરોનાની ભયકંર સ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે એ વાત કહેવામાં કોઈ શંકા નથી રાજકોટ અવશ્ય કોરોના સામે વિજયી થશે, તેવી આશા ડો.રૂપાલી મહેતાએ વ્યક્ત કરી હતી.