રાજકોટમાં દિકરાએ જ પિતાને છરીના ઘા મારી હત્યા કરી (મૃતક રાજુભાઈ મકવાણાની ફાઈલ તસવીર)
- માતાને છરી લઈ મારવા દોડતા પુત્રએ છરી ઝુંટવી પિતાને જ 9 જેટલા ઘા ઝીંકી દીધી હતા
- સોનાના બુટીયા આપવાનું કહેતા પત્નીએ ઈન્કાર કરતા મૃતક રોષે ભરાયા હતા
રાજકોટના ચુનરાવાડ વિસ્તારમાં શિવાજીનગરમાં પુત્ર રોહિતે જ પિતા રાજુભાઈ ઉકાભાઈ મકવાણા (ઉં.વ.45)ને છરીના 9 ઘા ઝીંકી પતાવી દેતા પોલીસ કાફલો દોડી ગયો હતો. પરિવારજનોએ પહેલા તો રાજુભાઈએ પોતાના હાથે જ છરીના ઘા ઝીંકી આપઘાત કરી લીધાની સ્ટોરી ઘડી કાઢી હતી. બાદમાં પોલીસે આકરી પૂરપરછ કરતા બીજા નંબરના દિકરા રોહિતે જ પિતાની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે આરોપી રોહિતની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી પૂછપરછ હાથ ધરી છે.
માતા અને પુત્રએ પોલીસ સમક્ષ આપઘાતનું જ રટણ પકડી રાખ્યું
આજે બપોરે રાજુભાઇને લોહીલૂહાણ હાલતમાં તેના મોટા પુત્ર અજય અને પત્ની ગીતાબેન સહિત પરિવારજનોએ સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કર્યા હતાં. પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછપરછમાં પુત્ર અજય અને તેની માતા ગીતાબેને એવું કહ્યું હતું કે નશાની ટેવને કારણે રાજુભાઇએ પોતાની જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા ઝીંકી દઇ ઇજાઓ કરી હતી. આ મુજબની એન્ટ્રી થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પરંતુ રાજુભાઇના શરીરે હાથ, પગ, છાતી અને પેટમાં નવ જેટલા ઘા જોવા મળતાં શંકા ઉપજી હતી. આથી થોરાળા પોલીસ મથકના PI જી. એમ. હડીયા અને PSI વડાવીયા સહિતની ટીમ સિવિલ હોસ્પિટલે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પ્રારંભે તો અજય અને ગીતાબેને એક જ રટણ પકડી રાખ્યું હતું કે નશાની હાલતમાં રાજુભાઇએ જાતે જ પોતાના શરીરમાં છરીના ઘા મારી લઇ આપઘાત કર્યો છે. પરંતુ શરીર પરના ઘા જોતાં કોઇ જાતે આ રીતે કોઇ જાતે ઇજા ન કરી શકે તે સ્પષ્ટ થયું હતું.

મૃતકને લોહીલૂહાણમાં પરિવાર સિવિલ હોસ્પિટલ લઈને આવ્યો હતો
રાજુભાઈ રોજ નશામાં ભાન ભૂલી ઘરમાં ગમે તેની સાથે માથાકુટ કરતા હતા
દારૂ સહિતના નશાની આદત ધરાવતા રાજુભાઈ રોજ નશામાં ભાન ભૂલી ઘરમાં ગમે તેની સાથે માથાકુટ કરી લેતાં હતા. ગત રાતે પણ પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને આજે સવારે પણ ફરી ખેલ કરતાં રોષે ભરાયેલા પુત્ર રોહિતે ઝનૂનથી છરીના ઘા ઝીંકી દીધા હતાં અને તેનું ઢીમ ઢાળી દીધું હતું. પહેલા તો રાજુભાઈએ જાતે જ છરીના ઘા ખાઈ આપઘાત કર્યાની સ્ટોરી મોટા દિકરા અને તેની પત્નીએ ઉભી કરી હતી. પરંતુ પોલીસ તપાસમાં બીજા નંબરના પુત્ર રોહિતે હત્યા કર્યાનો ભેદ ખુલ્યો હતો. મૃતકનાં પત્ની ગીતાબેને જણાવ્યું હતું કે, તેમના પતિ રાજુભાઇને લાંબા સમયથી દારૂ સહિતનો નશો કરવાની આદત હતી. નશો કરી તેઓ ઘરમાં ઝઘડા કરતાં હતાં. ગતરાત્રે પણ નશાની હાલતમાં તેમની સાથે માથાકુટ અને મારામારી કરી હતી. બાદમાં આજે સવારે પણ ફરીથી ખેલ કર્યા હતા.
સોનાના બુટીયા માગતા પત્નીએ ઈન્કાર કરતા રાજુભાઈ છરી લઈ મારવા દોડ્યા
ગીતાબેન પાસે આજે સવારે સોનાના બુટીયા માંગીને પોતાને બહારગામ જવું હોવાનું રાજુભાઈએ કહ્યું હતું. જો કે ગીતાબેને બુટીયા આપવાની ના પાડતાં તે છરી લઇને મારવા દોડ્યા હતા. દરમિયાન પુત્ર રોહિત ત્યાં પહોંચ્યો હતો અને કોઈ કંઈ પણ સમજે તે પૂર્વે પિતાનાં હાથમાંથી છરી ઝૂંટવી લઈને રાજુભાઈ પર આડેધડ 9 ઘા ઝીંકી દેતા તેઓ લોહીલૂહાણ થઈને નીચે પડી ગયા હતા. બાદમાં માતા અને મોટા પુત્ર અજયે જાતે જ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની સ્ટોરી ઘડી તેમને સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

મૃતક રાજુભાઈનો મોટો દિકરો અજય
મારા પિતા દારૂ અને ગાંજાનું સેવન કરતા હતાઃ મૃતકનો પુત્ર
મૃતકના પુત્ર અજય મકવાણાએ જણાવ્યું હતું કે, અમારા પિતા રાજુ મકવાણા અવારનવાર અમારી માતાને હેરાન-પરેશાન કરતા હતા. દારૂ અને ગાંજા સહિતના નશીલા પદાર્થનું સેવન અમારા પિતા કરતા હતા. ત્યારે આજે વહેલી સવારે પણ અમારા પિતા અમારી માતા સાથે બોલાચાલી તેમજ મારકૂટ કરી રહ્યા હતા. આ સમયે અમારા પિતા છરી લઈ માતાને મારી નાખવા દોડ્યા હતા. આ સમયે મારા ભાઈ રોહિત મકવાણાએ મારા પિતા પાસે રહેલી છરી આંચકી પિતાને જ છરીના ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી હતી. ત્યારે હત્યાના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તેમજ મારા ભાઈની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક અને આરોપી બંને રીક્ષા ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. રાજુ મકવાણા દારૂ અને ગાંજા સહિતના નશાનો ટેવ ધરાવતો હોવાના કારણે અવારનવાર પૈસા બાબતે પોતાની પત્ની સાથે તેમજ પોતાના પુત્રો સાથે માથાકૂટ કરતો હતો. જેથી ઘણા સમયથી ખુદ પરિવારના સભ્યો પણ રાજુ મકવાણાના ત્રાસથી કંટાળી ગયા હતા.