દ્વારકાના જગતમંદિર પર 13 જુલાઈ 2021ને મંગળવારે કડાકાભડાકા સાથે પડેલા વરસાદમાં આકાશી વીજળી પડી હતી, જેમાં મંદિરની ધ્વજા અને દંડની પાટલીને નુકસાન પહોંચ્યું હતું. ત્યારે આ ઘટનાના બે વર્ષ બાદ આજરોજ 29 જુલાઈ 2023, એટલે કે બે વર્ષમાં બીજીવાર ધ્વજાદંડને નુકસાન પહોંચ્યું છે. એને કારણે વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું છે. જ્યારે આ પહેલાં તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડા વખતે પણ ધ્વજારોહણ થઈ શક્યું નહોતું અને ભગવાનનાં ચરણોમાં ધ્વજાજીને અર્પણ કરવામાં આવી હતી.
વૈકલ્પિક જગ્યાએ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું
આશરે બે વર્ષ પહેલાં ચોમાસામાં દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતાં જગતમંદિરના શિખર પર ધ્વજદંડ ક્ષતિગ્રસ્ત થયા બાદ રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. જ્યારે આજરોજ પણ તેવી જ એક ઘટના બની હતી. ધ્વજદંડનો ઉપરનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ધ્વજદંડ પર ઉપરના ભાગે ધ્વજારોહણ શકય ન બનતાં હાલમાં રિપેરિંગ કામ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક જગ્યાએ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું છે.
દ્વારકાધીશ ત્રિવેદી પરિવારના યુવાનોને સુરક્ષાકવચ પ્રદાન કરે છે
દ્વારકા જગતમંદિરમાં શિખર ઉપર ધ્વજારોહણ કરવાનો મહિમા છે. દરરોજ માટે 6 ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે, જેનું બુકિંગ આશરે 2024 સુધી કરવામાં આવેલું છે. શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું, કોઈપણ ઋતુ હોય, ધ્વજારોહણ કરનાર ભક્તોની શ્રદ્ધાને માન આપતા અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરિવારના યુવાનો મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરે છે. ભગવાન દ્વારકાધીશ પણ ધ્વજારોહણ કરતા આ ત્રિવેદી પરિવારના યુવાનોને સુરક્ષાકવચ પ્રદાન કરે છે, કારણ કે એટલે ઊંચે ધ્વજારોહણ કરવું પણ એક ચેલેન્જ છે, પરંતુ ભગવાન દ્વારકાધીશના શુભ આશિષ હોવાથી આ ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજારોહણ કરવામાં સક્ષમ છે. 150 ફૂટ જગતમંદિરના શીખરની ઊંચાઇ બાર-પંદર ફૂટના ધ્વજદંડ પર ચડીને ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજારોહણ કરે છે.
છ ધ્વજાજી ચઢાવવાના નિર્ણયનો વિવાદ
પંદર દિવસ પહેલાં જ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા જગતમંદિર પર છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે દ્વારકાધીશ જગતમંદિરમાં ધ્વજાજીનું આરોહણ કરતા અબોટી બ્રાહ્મણ સમુદાયના ત્રિવેદી પરિવારે મંદિરે છઠ્ઠી ધ્વજાજીના આરોહણનો નિર્ણય એકતરફી લેવાયો હોવાનું જણાવી વિરોધ નોંધાવ્યો છે. તેમણે દેવસ્થાન સમિતિને નોટિસ ફટાકરી તેમની માગણી સંતોષવા તથા 3 દિવસમાં ખુલાસો કરવા જણાવાયું છે. તેમણે સલામતીની માગ પૂરી નહિ કરાય તો કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અન્વયે ન્યાયાલયના દ્વાર ખખડાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
નિર્ણય લેતી વખતે કોઈ જ સંમતિ લેવાઈ નહોતી
ત્રિવેદી પરિવાર અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની નોટિસમાં જણાવ્યાનુસાર, છઠ્ઠી ધ્વજાના આરોહણ કરવા અંગે અગાઉ ત્રિવેદી પરિવારના સભ્યોને પ્રથમ મિટિંગમાં બોલાવાયા હતા. ત્યારે છઠ્ઠી ધ્વજાજીના આરોહણ અંગે તેમનો અભિપ્રાય લેતી વખતે ત્રિવેદી પરિવારે ધ્વજારોહણ કરનારની સેફટી બાબતે તેમજ સન્માનજનક લોગો આપવા અંગે જણાવ્યું હતું. તેમ છતાં છઠ્ઠી ધ્વજાજીના આરોહણના નિર્ણય લેતી વખતે ત્રિવેદી પરિવારની કોઈ જ સંમતિ લેવાઈ ન હોવાનું જણાવી તેમણે માગણી અંગે દેવસ્થાન સમિતિ દ્વારા હાલ સુધી કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. એને લઈ ત્રિવેદી પરિવારે નોટિસ ફટકારી ત્રણ દિવસમાં જવાબ આપવા માગ કરી છે.
કોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી
ત્રિવેદી પરિવારે સલામતીની માગણી પૂરી નહિ કરાયે તો નાછૂટકે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંગે ન્યાયાલયની દાદ માગવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અબોટી બ્રાહ્મણોએ ધ્વજાજીનો અધિકાર મળ્યો હોવા છતાં તેમને વિશ્વાસમાં લીધાં વિના છઠ્ઠી ધ્વજાજીના નિર્ણય કરાતાં વિવાદ વકર્યો છે.
દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિએ નિર્ણય લીધો હતો
ચારધામ પૈકીના એક ધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરના શિખર પર દરરોજ છ ધ્વજાજીનું આરોહણ કરવાનો નિર્ણય મંદિર વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં લેવાયો હતો. દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર દરરોજ છ ધ્વજાજી ચઢાવવાનો નિર્ણય જિલ્લા કલેક્ટર તેમજ દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના ચેરમેન અશોક શર્માના અધ્યક્ષસથાને મળેલી બેઠકમાં લેવાયો હતો, જેમાં પ્રાત અધિકારી અને મંદિર વહીવટદાર પાર્થ તલસાણિયા તેમજ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન પાંચમી ઉપરાંત છઠ્ઠી ધ્વજાજી માસિક ડ્રો દ્વારા ફાળવાશે
હાલમાં ચડાવવામાં આવતી પાંચમી ધ્વજા અને મંજૂર થયેલી છઠ્ઠી ધ્વજા માસિક ડ્રો દ્વારા ફાળવવામાં આવશે. આ ડ્રો દર મહિનાની 20મી તારીખના દ્વારકાધીશ મંદિર વ્યવસ્થાપક સમિતિના સભ્ય રમેશભાઈ હેરમા અને મુરલીભાઈ ઠાકર તેમજ કમલેશભાઈ શાહની હાજરીમાં ગૂગળી બ્રાહ્મણ સમાજ દ્વારા કરવામાં આવે એમ નક્કી કરાયું છે. આ વ્યવસ્થા ઓનલાઈન પોર્ટલ કાર્યરત થવા સુધી ચાલુ રહેશે. જ્યારે આગામી 1લી નવેમ્બરથી ઓનલાઈન પોર્ટલ શરૂ થાય એવી વિચારણા પણ બેઠકમાં કરાઈ હતી.
મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા
દ્વારકાધીશ મંદિર પર આકાશી વીજળી પડી ત્યારથી દિવસમાં પાંચ વખત ધ્વજા ફરકાવવામાં આવે છે. મંદિરના શિખર પર 52 ગજની ધજા ફરકાવવાની પરંપરા છે, જેને શ્રદ્ધાળુઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે. ધજા ફરકાવવા માટે વર્ષ 2023 સુધીનું એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે. નવું બુકિંગ અત્યારે બંધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાધીશ મંદિર તથા ધજાને લગતી કેટલીક રસપ્રદ બાબતો જોડાયેલી છે, જેમાં દિવસમાં પાંચ વખત ધજા ફરકાવવાનો સમય, 52 ગજની ધજા પાછળની કહાની, ચંદ્રમા અને સૂર્યના પ્રતીકનું મહત્ત્વ, ધજા ફરકાવવાની જવાબદારી કોની છે તથા તેના બુકિંગની પદ્ધતિ વગેરેનો સમાવેશ થાય છે.
અબોટી બ્રાહ્મણોનો ધ્વજારોહણ પર એકાધિકાર
દ્વારકાધીશની મંગલા આરતી સવારે 7.30 વાગે, શ્રૃંગાર સવારે 10.30 વાગે, ત્યાર બાદ સવારે 11.30 વાગે, તથા સાંજની આરતી 7.45 વાગે તેમ જ શયન આરતી 8.30 વાગે થાય છે. આ સમય દરમિયાન ધ્વજા ચડાવવામાં આવે છે. મંદિરની પૂજા આરતી ગૂગળી બ્રાહ્મણ કરાવે છે. પૂજા બાદ દ્વારકાના અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે. ધ્વજા બદલવા માટે એક મોટો કાર્યક્રમ યોજાય છે, જે પરિવાર ધ્વજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે. તેમના હાથમાં ધ્વજા હોય છે. એ ભગવાનને સમર્પિત કરવામાં આવે છે. ત્યાંથી અબોટી બ્રાહ્મણ એને લઈ ઉપર જાય છે અને ધ્વજા બદલે છે. નવી ધ્વજા ચડાવ્યા બાદ જૂની ધ્વજા પર અબોટી બ્રાહ્મણોનો હક હોય છે. તેનાં કપડાંથી ભગવાનનાં વસ્ત્રો વગેરે તૈયાર કરવામાં આવે છે.
દ્વારકાધીશ મંદિર પર 52 ગજની ધ્વજા જ શા માટે?
દ્વારકાધીશ મંદિર પર ફરકાવવામાં આવતી ધ્વજા અનેક કિલોમીટર દૂરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે, કારણ કે આ ધ્વજા 52 ગજની હોય છે. 52 ગજની આ ધ્વજા પાછળ અનેક લોકમાન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે દ્વારકાનગરી પર 56 પ્રકારના યાદવોનું શાસન હતું. એ સમયે તમામના પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લાગતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ, બલરામ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન આ ચાર ભગવાનોનાં મંદિર હજુ પણ બનેલા છે, જ્યારે અન્ય 52 પ્રકારના યાદવોનાં પ્રતીક સ્વરૂપમાં ભગવાન દ્વારકાધીશના મંદિર પર 52 ગજની ધ્વજા ફરકાવવામાં આવે છે. અન્ય એક લોકમાન્યતા છે કે 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા, સૂર્ય, ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે. ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે 52 દ્વાર હતાં. એ પણ પ્રતીક છે. મંદિરની આ ધજા ખાસ દરજી જ દ્વારા તૈયાર કરવામાં આવે છે. જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય છે એ સમયે એને જોવા પર પ્રતિબંધ હોય છે.
ધ્જાવ પર ચંદ્રમા અને સૂર્યનું પ્રતીક
દ્વારાકાધીશ મંદિરની ઉપર ફરકાવવામાં આવેલી ધ્વજામાં સૂર્ય અને ચંદ્રમાનું પ્રતીક છે. માન્યતા છે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રમા રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે. દ્વારકાધીશ હિન્દુઓનાં મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે. દ્વારકા હિંદુ ધર્મમાં ચારધામની તીર્થયાત્રા પૈકી એક છે. દ્વારકામાં દ્વારકાધીશ કૃષ્ણના મંદિરમાં દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર એ જગ્યા પર છે, જ્યાં હજારો વર્ષ અગાઉ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. આ ધ્વજાની વિશેષતા એ છે કે હવાની દિશા જે પણ હોય આ ધ્વજા હંમેશાં પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે.
ધ્વજારોહણ માટે એડવાન્સ બુકિંગ
ભક્તો ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ધ્વજા અર્પણ કરે છે અને એવું માનવામાં આવે છે કે ભગવાન તેમની ઉપર આશીર્વાદ વરસાવે છે. આ જ કારણ છે કે અનેક શ્રદ્ધાળુઓ ધ્વજા અર્પિત કરે છે. ધ્વજા અર્પણ કરવા માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવે છે. બુકિંગ ફોન મારફત પણ કરી શકાય છે.
દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ
દ્વારકા મંદિરના અનેક પરચા પણ લોકવાયકા સ્વરૂપે લોકોમાં પ્રસિદ્ધ છે. 1965માં ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને હુમલાનો પ્રયાસ કર્યો ત્યારે દ્વારકામાં એકપણ બોમ્બ ફૂટ્યો નહોતો. ત્યાર બાદ 1998માં કંડલામાં આવેલા વાવાઝોડામાં કંડલા અને જામનગરમાં ભારે નુકસાન થયું હતુ, પરંતુ દ્વારકામાં મોટું નુકસાન આવ્યું નહોતું. 2001માં ધરતીકંપમાં પણ કચ્છમાં ભારે તારાજી સર્જાઇ હતી, પરંતુ દ્વારકામાં એવું મોટું ખાસ નુકસાન નોંધાયું નહોતું. આ માત્ર અને માત્ર દ્વારકાધીશના કારણે જ શક્ય બન્યું હોવાનું સ્થાનિકોની આસ્થા છે.