હવે રેડી ટૂ કુક નહીં રેડી ટૂ ઇટનો જમાનો, 7%ના દરે દેશનો સ્નેક્સ ઉદ્યોગ વધશે
દિવસમાં ત્રણવાર ખાવાની પરંપરાને હવે પડકાર મળી રહ્યો છે કારણ કે દેશમાં ફાસ્ટફૂડની નવી પેઢી (જેન ઝેડ) સામાન્ય ફૂડને બદલે સ્નેક્સનો વિકલ્પ પસંદ કરી રહી છે. એટલે કે લંચને બદલે હેવી બ્રેકફાસ્ટ પર નિર્ભર થઇ રહી છે. તેને સ્નેકિફિકેશન કહેવાય છે, વધુને વધુ યુવાઓ તેને ફૂડના માનક તરીકે જુએ છે. તે પ્રોફેશનલ્સ અને પરિવારો બંનેની આધુનિક વ્યસ્ત જીવનશૈલીમાં વધુ ફિટ બેસે છે.
માર્કેટ ઇન્ટેલિજન્સ એજન્સી મિન્ટેલ રિપોર્ટ્સના સ્ટડીમાં આ ખુલાસો થયો છે. એવું નથી કે જેન ઝેડ (9-24 વર્ષ) સ્વાસ્થ્યવર્ધક ખાવા નથી માંગતી, પરંતુ તેમના ઇરાદા અને ખાનપાન વચ્ચે મોટું અંતર છે, જે તેમને સ્નેક્સ પર નિર્ભર બનાવે છે. સ્ટડી અનુસાર વપરાશની પ્રવૃત્તિ પણ આ જ વયજૂથમાં સૌથી વધુ છે.
આ જ કારણથી દેશનો બ્રેકફાસ્ટ બિઝનેસ બદલાઇ રહ્યો છે. કંપનીઓ પણ આ યુવા ગ્રાહકોની જરૂરિયાત પૂરી કરવા માટે પોતાની પ્રોડક્ટને ફરીથી સ્થાપિત કરવાની હોડમાં છે. મહત્તમ કંપીનીઓ પહેલા જ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ફેરફાર કરી ચૂકી છે, અથવા કરી રહી છે જેથી કરીને તકનો ફાયદો લઇ શકે. સ્ટડીમાં અનુમાન વ્યક્ત કરાયું છે કે દેશનું સ્નેકિંગ સેક્ટર 2022-26ની વચ્ચે 7%થી વધુના દરે વધશે.
આ વાતના પર્યાપ્ત સંકેત છે કે આ વૃદ્ધિનું મહત્વનું ફેક્ટર જેન ઝેડ જ છે. જે કંપનીઓને જેન ઝેડ ખરીદદારો સાથે વધુ જોડાણ ન હતું, તેઓ પણ હવે સુધારો કરવા મજબૂર થઇ છે. ઉદાહરણ માટે 6 દાયકા જૂની બ્રાન્ડ ગિટ્સનું સમગ્ર ફોકસ ‘રેડી ટૂ ઇટ’ પર થયું છે.
કંપનીમાં ડાયરેક્ટર (સેલ્સ એન્ડ માર્કેટિંગ) સાહિલ ગિલાની કહે છે કે, વધતી યુવા પેઢીમાં રાંધણનું કૌશલ્ય ઘટી રહ્યું છે. એટલે જ રેડી ટૂ ઇટ વિકલ્પને પ્રાથમિકતા અપાય છે. બ્રાન્ડ હવે ‘શ્રેષ્ઠ’ ખાણીપીણીને મહત્વ આપે છે જે સ્વાદ અને સ્વાસ્થ્યને સંતુલિત રાખે છે. મિન્ટેલના સીનિયર એનાલિસ્ટ તુલસી જોશીએ કહ્યું કે આગામી દિવસોમાં બ્રેકફાસ્ટ બિઝનેસમાં ફેરફાર થશે, કારણ કે મોટી સંખ્યામાં જેન ઝેડ વર્કફોર્સમાં જોડાશે. કામનું ભારણ અને વ્યસ્ત જીવનશૈલીને કારણે સમય બચાવતા સુવિધાજનક સ્નેક્સ શોધશે, જે તેમને લાંબા સમય સુધી સંતુષ્ટ રાખી શકે.
જેન ઝેડ સલાડ વિશે વિચારે છે, પરંતુ ફાસ્ટ ફૂડ જ પહેલી પસંદ
મિન્ટેલના સ્ટડી અનુસાર ગત એક મહિનામાં ખાન-પાન પર નજર કરીએ તો 60% જેન ઝેડ દિવસમાં એક અથવા તેનાથી વધુ વાર નાસ્તો કર્યો હતો. જ્યારે તેમની ખરીદીની આદતોનું વિશ્લેષણ કરવાથી ખબર પડે છે કે 35% યુવાઓ મોટા ભાગે હેલ્ધી સ્નેક્સ જેવા સલાડ વગેરેને પ્રાથમિકતા આપે છે. જ્યારે 25% ક્યારેક, 18% હંમેશા એવું કરે છે. માત્ર 11% ક્યારેય એવું વિચારતા નથી. આ 35%માં પણ એક તૃતીયાંશનું કહેવું છે કે તેમની શોધ તો સ્વાસ્થ્યવર્ધક સ્નેક્સ વિકલ્પની પસંદગી સાથે શરૂ થાય છે.