ચોમાસું જતા જતા પૂર્વ અને મધ્ય ભારતા રાજ્યોને ભીંજવી રહ્યું છે. યુપી, બિહાર, એમપી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ સહિત દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
લખનઉ, કાનપુર, અયોધ્યા, ગોરખપુર સહિત યુપીના 31 જિલ્લામાં વરસાદનું એલર્ટ છે. જ્યારે મધ્ય પ્રદેશમાં ભોપાલ, નર્મદાપુરમ, રીવા સહિત 22 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
કાનપુરમાં પાણી ભરાઈ જવાથી એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું છે. બીજી તરફ મુરાદાબાદમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી. લખનઉમાં આજે સ્કૂલો બંધ છે.
ભારે વરસાદને કારણે ઉત્તર રેલવેએ સોમવારે હરિયાણાના હિસાર-દિલ્હી અને રેવાડી-હિસાર વચ્ચે ચાલતી 4 ટ્રેનો પણ રદ કરી છે.
1 જૂનથી શરૂ થયેલી ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં એકંદરે 10% ઓછો વરસાદ થયો છે. આનો અર્થ એ છે કે આ ચોમાસુ સીઝન (30 સપ્ટેમ્બર સુધી) સામાન્યથી ઓછા વરસાદ સાથે સમાપ્ત થશે.
ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મેઘાલય, આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદ પડશે
અહીં હળવો વરસાદ પડશેઃ ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં 12-13 સપ્ટેમ્બર દરમિયાન બીજી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તે રાજ્યમાં 18 થી 20 સપ્ટેમ્બર સુધી સક્રિય રહેશે. એટલે કે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે. ભોપાલ, નર્મદાપુરમ, રીવા સહિત 22 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
યુપીના લખનઉમાં 12 કલાકથી સતત વરસાદ, રસ્તાઓ તળાવમાં ફેરવાયા, સ્કૂલોમાં રજા
સોમવારે હવામાન વિભાગે લખનઉ, કાનપુર, અયોધ્યા, ગોરખપુર સહિત 31 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. લખનઉમાં 12 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અહીં એટલો વરસાદ પડ્યો છે કે રસ્તાઓ તળાવ બની ગયા છે. મુરાદાબાદમાં 6 કલાકના વરસાદ બાદ રેલવે ટ્રેક પાણીમાં ડૂબી ગયો હતો.
હિમાચલમાં વરસાદનો વિરામ, પર્વતો ગરમ થવા લાગ્યાઃ 11 શહેરોમાં પારો 30 ડિગ્રીને પાર થયો
હિમાચલમાં ભારે વરસાદના વિરામ બાદ પર્વતો ગરમ થવા લાગ્યા છે. રાજ્યના 11 શહેરોમાં તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ઉનામાં સૌથી વધુ 34 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચંબા સિવાય અન્ય તમામ શહેરોનું તાપમાન સામાન્ય કરતા 1 થી 6 ડિગ્રી વધારે છે.