ભારતીય કેપ્ટન રોહિત શર્માના જણાવ્યા અનુસાર, શ્રેયસ અય્યર 99% ફિટ છે અને તેની ઈજા વર્લ્ડ કપ માટે ચિંતાનો વિષય નથી. પીઠની ઈજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યા બાદ અય્યર એશિયા કપમાંથી પરત ફર્યો હતો.
કોલંબોમાં ફાઈનલ મેચ બાદ મીડિયા સાથે વાત કરતા રોહિતે શ્રેયસ અય્યર અને અક્ષર પટેલની ઇજાઓ અંગે અપડેટ આપી હતી.
શ્રેયસ લગભગ 99% ફિટ
શ્રેયસ લગભગ 99 ટકા ફિટ છે. આ માટે તેણે ઘણી મહેનત કરી છે. તે કલાકો સુધી ફિલ્ડીંગ કરી રહ્યો છે અને હાલમાં તે સંપૂર્ણ રીતે મેચ ફીટ બનવાની અણી પર છે. મને નથી લાગતું કે ચિંતા કરવા જેવું કંઈ છે.
શ્રેયસ અય્યર એશિયા કપની પ્રથમ બે મેચ રમ્યો હતો. તેણે પાકિસ્તાન સામેની પ્રથમ મેચમાં 14 રનની ઇનિંગ રમી હતી. નેપાળ સામે તેને બેટિંગ કરવાની તક મળી ન હતી. આ પછી તેની પીઠનો દુખાવો ફરી ઉભો થયો અને તે પછીની ત્રણ મેચમાં રમ્યો નહીં. પાકિસ્તાન સામેની સુપર-4 મેચમાં, ટોસની પાંચ મિનિટ પહેલા તેને કમરમાં ખેંચાણ આવી હતી અને તેણે બાકીની ભારતની મેચમાં ભાગ લીધો ન હતો.
રોહિતના નિવેદન બાદ એવી આશા રાખવામાં આવી રહી છે કે અય્યર વર્લ્ડ કપની ટીમમાં રહેશે અને તે પહેલા તે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સિરીઝનો પણ ભાગ બનશે.
અક્ષર ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે
એવું લાગે છે કે તે (અક્ષર પટેલ) એક અઠવાડિયા કે 10 દિવસ સુધી ઉપલબ્ધ નહીં હોય. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેની રિકવરી કેવી થાય છે. જોકે, મને ખાતરી નથી, પરંતુ મને લાગે છે કે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ બે વન-ડે માટે ઉપલબ્ધ નહીં હોય.
બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન અક્ષરને તેના ડાબા કાંડામાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેના સ્થાને વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા માટે ઘણા લોકો લાઇનમાં
વર્લ્ડ કપ માટે સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા માટે ઘણા લોકો લાઇનમાં છે, જેમાં આર અશ્વિન પણ સામેલ છે. હું તેની સાથે ફોન પર પણ સતત વાત કરું છું. વોશિંગ્ટન સુંદરનું પણ એવું જ છે. અમને એવો ખેલાડી જોઈએ છે જે બોલની સાથે સાથે બેટથી પણ પોતાની ભૂમિકા ભજવી શકે.