કડી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે નોકરી કરતી મહિલાકર્મીએ પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા પોલીસકર્મી સાથે પ્રેમસંબંધ બાંધ્યો, જેની જાણ મહિલાના પતિને થતાં ઘણીવાર સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા પોલીસકર્મી અને તેના પ્રેમીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બ્લેકમેઇલ કરતાં અંતે મહિલાના પતિએ કંટાળી જાન્યુઆરી 2023માં આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દીધું હતું. પતિ-પત્ની છેલ્લાં ચાર વર્ષથી કડીના સુજાતપુરા રોડ ઉપર આવેલા વીરમાયા સોસાયટીના કોમન પ્લોટમાં આવેલી એક ઓરડીમાં રહેતાં હતાં. યુવકની પત્ની કડી પોલીસ સ્ટેશનમાં GRD તરીકે નોકરી કરતી હતી. જાન્યુઆરી 2023માં મહિલા GRD મહિલાકર્મીના પતિએ ઓરડીમાં જ કંટાળી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી દેતાં મૃતકના ભાઈએ કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.
પત્ની અને તેના પ્રેમીની જાણ પતિને થઈ
કડી તાલુકાના ઇરાણા ગામના વતની ઉપેન્દ્રભાઈ કરણનગર પાટિયા પાસે આવેલા હિટાચી કંપનીમાં નોકરી કરી રહ્યા છે અને તેમનો ભાઈ મુકેશ અને તેની પત્ની પ્રિયંકા બાળકો સાથે સુજાતપુરા રોડ ખાતે આવેલી એક ઓરડીમાં રહેતાં હતાં. મુકેશની પત્ની પ્રિયંકા છેલ્લાં ચાર વર્ષથી કડી પોલીસ સ્ટેશન ખાતે GRD મહિલાકર્મી તરીકે નોકરી કરી રહી હતી. એ દરમિયાન GRD મહિલાકર્મી પ્રિયંકાને નોકરી દરમિયાન કડી પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા ધવલ પ્રજાપતિ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, જેની જાણ પ્રિયંકાના પતિ મુકેશને થતાં અનેકવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હતા.
મુકેશ અને પ્રિયંકા બંનેનાં બીજાં લગ્ન હતાં
મુકેશના ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મુકેશના પ્રથમ લગ્ન કલોલ મુકામે રહેતા બળદેવભાઈની દીકરી ભારતી સાથે થયા હતા, પરંતુ મુકેશ અને ભારતીને મનમેળ ન આવતાં બંનેએ છૂટાછેડા લઈ લીધાં હતાં. ત્યાર બાદ મુકેશનાં બીજા લગ્ન ઈસંડ કલોલ મુકામે રહેતા મણિલાલની દીકરી પ્રિયંકા સાથે થયા હતા. પ્રિયંકાના પણ આ બીજા લગ્ન હોવાથી તેને પહેલા લગ્નથી એક પુત્ર પણ હતો, જેનું નામ રોહન હતું. મુકેશ સાથે લગ્ન થયા બાદ પ્રિયંકા તેના દીકરા રોહનને પણ સાથે લઈને આવી હતી. એ બાદ મુકેશ અને પ્રિયંકાને સંતાનમાં એક દીકરી થઈ હતી.
મુકેશની પત્ની પતિ સામે જ પ્રેમી સાથે વાત કરતી
મુકેશને તેની પત્ની પ્રિયંકાના અન્ય પોલીસકર્મી સાથે આડાસંબંધની જાણ થઈ હતી. એ બાબતે મુકેશે પોતાની માતાને પણ જાણ કરી હતી કે મારી પત્ની પ્રિયંકા મારું કહ્યું માનતી નથી, મનસ્વી રીતે વર્તી રહી છે તેમજ કડી પોલીસ સ્ટેશન ખાતે નોકરી કરતા ધવલ પ્રજાપતિ સાથે તેને આડાસંબંધો છે. મારી પત્નીના વર્તનથી હું કંટાળી ગયો છું. મારી પત્ની પ્રિયંકા ધવલ પ્રજાપતિ સાથે અનેકવાર ટેલિફોનિક અથવા વીડિયો કોલથી વાતો કરે છે. હું તેને ના પાડું તો પણ તેની સાથે વાતો કરે છે. મને જમવા પણ આપતી નથી અને ઘરમાંથી કાઢી મૂકે છે.
31 જાન્યુઆરીના રોજ મુકેશે ગળેફાંસો ખાધો
આ ત્રાસથી કંટાળી પતિએ અનેકવાર પત્નીને સમજાવતાં બંને પ્રેમીપંખીડાંએ મુકેશને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. જે ત્રાસ ખૂબ વધતાં 31 જાન્યુઆરી 2023ની રાત્રિ દરમિયાન મુકેશે તેના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. એ બાદ તેની પત્નીએ કડી પોલીસને જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કડીના કુંડાળ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાશને ખસેડવામાં આવી હતી. એ બાદ પરિવારજનોને જાણ કરાતાં પરિવારજનો પણ કડી સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યાં હતાં.
‘પત્નીના આડાસંબંધના કારણે મારા ભાઈએ આ પગલું ભર્યું’
મૃતકના મોટા ભાઈ ઉપેન્દ્ર ચૌહાણે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે મારા નાના ભાઈએ 31/1/2023ના રોજ આત્મહત્યા કરી છે. પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી મારા નાના ભાઈની પત્નીના પોલીસ સ્ટેશનમાં જ કામ કરતા ધવલ પ્રજાપતિ જોડે આડાસંબંધના કારણે મારા ભાઈએ આ પગલું ભર્યું છે. મારા ભાઈને આ લોકો ત્રાસ આપતા હતા, જેના કારણે મારા ભાઈએ આત્મહત્યા કરી છે. મારી બસ એક જ માગ છે કે મારા ભાઈને ન્યાય મળે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય.
મુકેશને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકી મળતી
મુકેશની પત્ની પ્રિયંકાને કડી પોલીસ સ્ટેશનમાં જ નોકરી કરતા ધવલ પ્રજાપતિ સાથે આડાસંબંધ હતા. પ્રિયંકા અને ધવલ અનેક વખત વીડિયો કોલ, ટેલિફોનિક વાતચીત કરતાં હતાં, જેની જાણ મુકેશને થઈ ગઈ હતી. એ બાબતે મુકેશ ટેન્શનમાં રહેતો હતો. ધવલ પ્રજાપતિ પોલીસકર્મી હોવાથી મુકેશને અનેક વખત ધાકધમકીઓ આપતો હતો અને ખોટા કેસમાં ફસાવી દઈશ જેવું કહેતો હતો. આ વાત મુકેશની માતાએ તેમના બીજા દીકરા ઉપેન્દ્રને કરી હતી. એ બાબતે ઉપેન્દ્રએ કડી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આપી હતી અને પોલીસે લાશનું પોસ્ટમોર્ટમ કરાવી લાશને પરિવારજનોને સોંપી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
ગત જાન્યુઆરી મહિનામાં ઘટના આ બની હતી, જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન ગત 28 જૂન 2023ના દિવસે મુકેશની માતા જશીબેન ઇરાણા ગામ ખાતે હાજર હતાં અને મૃતક મુકેશના દીકરો રોહનનો કોટ ધોવા માટે કાઢ્યો હતો. જ્યાં જશીબેને કોટના ખિસ્સા તપાસતાં મૃતક મુકેશના હસ્તાક્ષરથી લખેલી ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં પણ મુકેશે પત્નીના આડાસંબંધનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે કડી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે મૃતકની પત્ની પ્રિયંકા, ધવલ પ્રજાપતિ તેમજ તેની પત્નીના ભાઈ અને પિતા વિરુદ્ઘ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.