News Updates
GUJARAT

પૂલનું કામ સમયસર પૂર્ણ ન થતા પરેશાની:બનાસ નદીમાં પાણી આવી જતા સાંતલપુરના 8 ગામોનો સંપર્ક તૂટ્યો, જીવના જોખમે નદીના ધસમસતા પાણીમાં ઉતરી રહ્યા છે લોકો

Spread the love

થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અબીયાણા ગામ પાસેથી પસાર થતી બનાસનદીમાં પાણીનો પ્રવાહ વધતા તાલુકાના 8 ગામોની મુશ્કેલીમાં વધારો થયો છે. પેદાશપુરથી અબીયાણા ગામ વચ્ચેથી પસાર થતી નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા અહીં બ્રિજની કામગીરીના કારણે બનાવવામાં આવેલું ડાઈવર્જન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેથી આ ગામના લોકોએ રાધનપુર જવું હોય તો 70 કિમીનો ચકરાવો લેવો પડે તેમ છે. આ ચકરાવો લેવો ન પડે તે માટે મોટાભાગના લોકો અહીં જોખમી રીતે નદી પાર કરતા જોવા મળી રહ્યા છે.

પૂલની ગોકળગતિએ ચાલતી કામગીરીના કારણે પરેશાની
સોશિયલ મીડિયામાં જોખમી રીતે નદી પાર કરતા લોકોનો જે વીડિયો વાઈરલ થયો છે. તે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પેદાશપુર અને અબીયાણા ગામ વચ્ચેથી પસાર થતી બનાસ નદીનો છે. આ સ્થળ પર છેલ્લા છ વર્ષથી પૂલનું કામ ચાલી રહ્યું છે. જેથી અહીં ડાઈવર્જન બનાવવામાં આવ્યું છે. પરંતુ, ચોમાસા દરમિયાન બનાસ નદીમાં પાણી આવતા ડાઈવર્જન પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેથી ઉપરવાસમાં આવેલા આઠ ગામના લોકોની મુશ્કેલી વધી જાય છે.

રાધનપુર જવું હોય તો 70 કિમીનો ચકરાવો લેવો પડે
અબીયાણા પાસેથી પસાર થતી બનાસનદીમાં પાણી આવી જવાના કારણે સાંતલપુરના પેદાશપુરા, અગીચાણા, ગડસઈ, બિસ્લિમલ્લાગંજ, કરશનગઢ, જોરાવરગંજ, વાદળીથર અને હરિપુરા ગામડી સહિતના ગામોનો તાલુકા મથકથી સંપર્ક તૂટી જાય છે. આઠ ગામના લોકોને રાધનપુર આવવું હોય તો સમી તાલુાકના અમરાપુર થઈને 70 કિમીનું અંતર કાપીને આવવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ચકરાવો લેવો ન પડે તે જીવના જોખમે નદી પાર કરતા લોકો
70 કિમીનો ચકરાવો લેવો ન પડે તે માટે કેટલાક લોકો નદીના ધમસસતા પાણીની વચ્ચે દોરડાની મદદથી રસ્તો પાર કરતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. તો કેટલાક લોકો હાલ જે બ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યાં જેસીબીની મદદથી પણ રસ્તો પાર કરતા જોવા મળી રહ્યા છે.

અહીં 6 વર્ષથી ચાલી રહી છે બ્રિજની કામગીરી
પેદાશપુરા ગામના પૂર્વ સરપંચ લાધુજી ઠાકોરના જણાવ્યા મુજબ સોમવારથી બનાસ નદીમાં પાણી આવતાં રસ્તો બંધ થઇ જવા પામ્યો છે. ડાયવર્ઝન ઉપરથી પાણી વહી રહ્યા છે.હાલમાં તાલુકા મથક રાધનપુર જવું હોય તો સમી તાલુકાના અમરાપુર,બાસ્પા થઈને 70 કિલોમીટરનું અંતર કાપવું પડે તેમ છે.
અબીયાણા નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે રૂ.22 કરોડ મંજૂર કર્યા હતા. પુલની કામગીરી 2018માં રાધે કન્સ્ટ્રકશન નામની કંપની દ્વારા શરૂ કરી હતી. પરંતુ 6 વર્ષ બાદ પણ કામગીરી પૂર્ણ થઈ નથી.પુલની કામગીરી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં આ વિસ્તારમાં 3 ધારાસભ્યો બદલાયા છતાં પણ પુલની કામગીરી પૂર્ણ થઈ નથી. ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવે ત્યારે ગામલોકોને વારાહી આવવા માટે લાબું અંતર કાપવું પડતું હોવાનું અબીયાણાના પૂર્વ સરપંચ વીરાભાઈ આહીરે જણાવ્યું હતું.


Spread the love

Related posts

મનપાની સ્ટે. કમિટીની બેઠક મળી:જામનગરમાં રૂા.7.80 કરોડના વિકાસ કાર્યોની મંજૂરી, અંધાશ્રમ પાસે 1404 આવાસો ફરીથી બનાવવા સ્ટે.કમિટીનો સૈદ્ધાંતિક સ્વીકાર

Team News Updates

Navsari:છાપરે દીપડાનું બચ્ચું જઈ બેઠું:ચીખલીમાં દીપડાની લટાર બાદ રાનકુવા ગામમાં પતરાવાળા મકાનની ઉપર દીપડાનું બચ્ચું જઈ બેઠું

Team News Updates

હૃદયની બીમારીઓથી બચવા માંગતા હોવ તો આ 3 બાબતોનું રાખો ધ્યાન, જાણો હેલ્થ એક્સપર્ટ પાસેથી

Team News Updates