રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર હાલ એક મોટી દુર્ઘટના બની છે. રવિવારનાં રોજ આ રોડ પર ફૂડ બજાર ભરાય છે અને મોટી સંખ્યામાં લોકો અહી ખાવાપીવા માટે આવે છે. શહેરનાં સર્વેશ્વર ચોકમાં સંતોષ ભેલ પાસેનો સ્લેબ તૂટી જતાં અનેક લોકો નીચે પટકાયા તો અમુક ઘાયલ થયા. આ ઘટના ઘટતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ગાડી અને એમ્બ્યુલન્સ પહોંચી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ જારી છે. જોકે, હજુ સુધી ઘટનાના કારણે મોતનો કોઈ આંકડો સામે આવ્યો નથી. સર્વેશ્વર ચોકમાં બનેલી ઘટનામાં વોકળા ઉપરનો સ્લેબ તૂટી પડતા 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાનાં અનેક વોર્ડમાં રાજકીય રહેમનજર હેઠળ ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ મેયર આ મામલે સદંતર નિષ્ફળ રહ્યા હોય તેવા દ્રશ્યો હાલમાં જોવા મળ્યા છે. માફિયાઓ અનેક જગ્યાએ દબાણ કરીને પોતાની રોકડી કમાણી કરી લેવા તંત્રનાં નિયમોનો ઉલાળિયો કરતા જરા પણ અચકાતા નથી અને કાયદાની ઐસી-તૈસી કરીને નિયમ વિરુદ્ધ બાંધકામ કરવામાં ખુબ નિષ્ણાંત બની ચુક્યા છે.
શહેરનાં પ્લાનિંગની જવાબદારી જેમના શિરે છે તે, રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા આડકતરી રીતે આ માફિયાઓ સાથે સંડોવાયેલ હોય તે વાત સ્પષ્ટપણે સાબિત થાય છે. કેમ કે, રોડ માર્જીનમાં મકાન અથવા કોમર્શીયલ બાંધકામ કરતા માફિયાઓ રાજકીય વગ સાથે ટાઉન પ્લાનિંગ શાખાને જાણ કરીને જ પોતાના ગોરખધંધાની શરૂઆત કરે છે.ત્યારબાદ સુત્રોનું માનીએ તો, ટાઉન પ્લાનિંગ વિભાગ ગેરકાયદે બાંધકામ કરનારાને એક નોટીસ ઇસ્યુ કરે છે અને કામગીરી કર્યાનો ડહોળ કરે છે. પરંતુ જ્યાં સુધી આ ગેરકાયદે બાંધકામ તૈયાર ન થઇ જાય ત્યાં સુધી કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી અને ટાઉન પ્લાનિંગ વિભાગ આ તમામ કામગીરીથી અજાણ હોય તેવું બાહ સ્વરૂપ બતાવે છે મતલબ કે, ટાઉન પ્લાનિંગ વિભાગનાં દાંત ચાવવાના જુદા અને દેખાડવાના પણ જુદા જેવી સ્થિતિ સાબિત થાય છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ મેયર પ્રદીપ ડવે પોતાના ઉચ્ચ અભ્યાસ અને કોઠાસૂઝ અને ટેકનોલોજીનાં સમન્વય દ્વારા રાજકોટને સ્માર્ટ સીટીનાં સ્વપ્નને સાકાર કરવા માટે કાબીલેદાદ પ્રયત્નો કર્યા જે માટે રાજકોટની પ્રજા તેમને કાયમ યાદ રાખશે પરંતુ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અંગે તેઓ પણ મહદઅંશે જ સફળ રહ્યા હતા.
હવે વાત રહી નવનિયુકત મનપા મેયર નયનાબેન પેઢડીયાની, તો આ ગેરકાયદેસર બાંધકામ તેઓના ભવિષ્યનાં મેયર તરીકેનાં કાર્યકાળ દરમ્યાન સૌથી મોટો અને વિકટ પ્રશ્ન હશે…ગેરકાયદે બાંધકામ….. કેમ કે, ગઈકાલની યાગ્નિક રોડ પર વોંકળા પર સ્લેબ ધારાશાયી થવાની ઘટના કોઈ નાની ઘટના નથી. રાજકોટનાં દરેક ખૂણે થઇ રહેલ ગેરકાયદેસર બાંધકામ આવી ઘટનાઓને નોતરશે તે વાતમાં શંકાને સ્થાન નથી.
હવે જોવું એ રહ્યું કે, આ કાર્યમાં મેયર કેટલા અંશે સફળ રહે છે. તે આવનારો સમય બતાવશે.