નરેશ પટેલે જણાવ્યું કે, પ્રેમ લગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે 20,21 વર્ષના થયા છીએ તેમને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી
- ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પહોંચ્યા સુરત
- ખોડલધામની ઓફિસનું કર્યું લોકાર્પણ
- લોકાર્પણ બાદ લવ મેરેજ એક્ટ વિષે આપ્યું નિવેદન
ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ આજે સુરતના કામરેજ ખાતે ખોડલધામ નવનિર્મત કાર્યાલયનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યલયમાં ખોડલધામ પ્રકલ્પો, કોમ્પિટિટિવ કલાસીસ, સમાધાન પંચ, મહિલા સશક્તિકરણ, સરકારી યોજનાનું માર્ગદર્શન આપવામાં આવશે. આ લોકાર્પણ પ્રસંગે નવરાત્રી તેમજ લવ મેરેજના કાયદા વિશે નરેશ પટેલે વાત કરી હતી.
‘આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ’
નરેશ પટેલે નવરાત્રી પર્વને લઈને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, નવરાત્રીની તૈયારી ત્રણ મહિના પહેલાથી થઈ રહી છે, તમામ જગ્યાએ ગરબાના પ્રોટોકોલ, સિસ્ટમ પ્રમાણે ચલાવવામાં આવશે. સ્થળ પર સેફટીએ પ્રથમ પ્રાયોરિટી રહેશે તેમજ હેલ્થ સેકેન્ડ પ્રાયોરિટી રહેશે. ખાસ યુવાનામાં હાર્ટ એટેકના કિસ્સા વધુ સામે આવી રહ્યા છે, ત્યારે ડોકટર અને એમ્બ્યુલન્સ હાજર રાખવામાં આવશે. નવરાત્રીમાં સ્વયં સેવકો હાજર રહીને લોકોના આધારકાર્ડ અને ફોટાની ચકાસણી કર્યા બાદ પ્રવેશ આપવામાં આવશે.
‘મા બાપની મહદઅંશે મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ’
ગતરોજ પ્રેમ લગ્ન કાયદા સંદર્ભે લાલજી પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી સર્વે સમાજની ચિંતત બેઠક અંગે પણ નરેશ પટેલે પ્રતિક્રિયા આપી હતી કે, પ્રેમ લગ્ન એ કોઈ ખરાબ વસ્તુ નથી પણ ચોક્કસ પણે એવું માનું છું, કે જેના નીચે આપણે 20,21 વર્ષના થયા છીએ. જેના ધાવણથી 25 વર્ષના થયા છીએ. તેમને અંધારામાં રાખી લગ્ન કરવા યોગ્ય નથી. પ્રેમ કરવો સહજ છે, પ્રેમ થવો જોઈએ, મા બાપની મહદઅંશે મંજૂરી હોય તો લગ્ન કરવા જોઈએ. કાયદામાં સુધારા એક પ્રક્રિયા છે. પ્રક્રિયા રોજેરોજ ચાલતી રહેશેસ તેમજ ફેરબદલ થતી રહેશે તેમજ આ સરકારી મુદ્દો છે તેમ જણાવ્યું હતું.
લગ્ન મુદ્દે કેટલાક કાયદાઓ તપાસીએ…
હિંદુ મેરેજ એક્ટ શું કહે છે?
હિંદુ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન ન કરી શકે. તેમજ કન્યાની ઉમર 18 વર્ષ, પુરુષની ઉમર 21 વર્ષની જરૂરી છે. ત્યારે જો આ શરતોનું પાલન ન થાય તો લગ્ન અમાન્ય ઠરતા નથી. પરંતું લગ્ન અમાન્ય ઠરવાને બદલે ફોજદારી કાયદા હેઠળ શિક્ષા થાય છે. વ્યક્તિ માનસિક અસ્વસ્થ હોય તો લગ્ન રદ થઈ શકે છે. શારીરિક અસ્વસ્થ વ્યક્તિ હોય તો પણ લગ્ન રદ થઈ શકે છે. કપટ કરીને લગ્ન કર્યા હોય તો પણ લગ્ન રદ થઈ શકે છે. હિંદુ મેરેજ એક્ટ જૈન, બૌદ્ધ અને શીખને પણ લાગુ પડે છે.
સ્પેશિયલ મેરેજ એક્ટ શું છે?
ધર્મનિરપેક્ષ લગ્ન થઈ શકે તે હેતુથી સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડાયો છે. આ કાયદામાં લગ્નની વિધી ધર્મ આધારિત હોતી નથી. દેશમાં ધર્મ,જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર લગ્ન થઈ શકે છે. એક ધર્મની વ્યક્તિ અન્ય ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરી શકે છે. આ કાયદા હેઠળ મેરેજ રજિસ્ટ્રારમાં નોંધણી કરીને લગ્ન કરી શકાય છે.
NCRBના 2021ના આંકડા ચોંકાવનારા
પ્રેમસંબંધમાં હત્યાના મામલે ટોચના પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થાય છે. 2021માં પ્રેમસંબંધમાં દેશમાં 1 હજાર 566 હત્યા થઈ હતી. તો સૌથી વધુ 334 હત્યા સાથે ઉત્તરપ્રદેશ મોખરે છે. ઉત્તરપ્રદેશ બાદ પ્રેમસંબંધમાં સૌથી વધુ હત્યા ગુજરાતમાં થઈ છે. 2021માં ગુજરાતમાં પ્રેમસંબંધમાં 179 હત્યા થઈ હતી. ગુજરાત પછી બિહાર, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે. 2021માં પ્રેમસંબંધમાં થયેલી હત્યાઓમાં 62% હત્યા પાંચ રાજ્યમાં થઈ છે.