સુરતમાં ચાંદની પડવો(ચંડી પડવો)ના દિવસે ઘારી ખાવાની પરંપરા છે. વિશ્વમાં એકમાત્ર સુરત એવું શહેર છે, જે ચાંદની પડવોના દિવસે સૌથી અલગ એવી મીઠાઈ ઘારી બનાવે છે અને એનું વેચાણ કરતા હોય છે. ઘારીની શોધ સુરતથી દાયકાઓ પહેલાં થઈ છે, જોકે આજે વિશ્વભરની વ્યક્તિઓ માટે આ ઘારી પહેલી પસંદ બની છે.
સોનાની ઘારીનો ટેન્ડ શરૂ થયો
સુરત શહેરમાં ડ્રાયફ્રૂટ્સ અને શુદ્ધ ઘીની ઘારી ખાવા માટે સુરતીઓ જાણીતા છે. સુરત ઔદ્યોગિક નગરી છે અને એને કારણે સુરતમાં કોર્પોરેટ કલ્ચર પણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. સુરતમાં મોટા કોર્પોરેટજગત સાથે જોડાયેલા લોકોને સોનાની ઘારી આપવાની અનોખી પરંપરા પણ શરૂ થઈ છે. એક બોક્સમાં માત્ર 3 ઘારીના પીસ મૂકવામાં આવતા હોય છે. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી આ ઘારીના ક્રેઝમાં વધારો થયો છે.
શુદ્ધ ઘી, માવો અને ડ્રાયફ્રૂટ્સનું કોમ્બિનેશન
સુરતમાં બનતી ઘારી વિશ્વભરમાં પ્રખ્યાત છે. જેમણે વિદેશમાં પોતાની કર્મભૂમિ બનાવી છે તેઓ પણ ચાંદની પડવો પહેલાં જ વિદેશથી અહીં ઓર્ડર આપીને ઘારી મગાવી લેતા હોય છે અને અચૂક ખાતા હોય છે. શુદ્ધ ઘી, અલગ-અલગ પ્રકારનાં બદામ-પિસ્તાં સહિતના ડ્રાયફ્રૂટ્સ, ઇલાયચીનું મિશ્રણ એ અલગ જ પ્રકારનો સ્વાદ આપે છે. શિયાળાની શરૂઆત પહેલાં જ ઘારી ખાવાનું ચલણ છે, જેથી કરીને શરીરમાં ગરમી જળવાઈ રહે અને બદલાતી આબોહવાની અસર શરીર પર વધુપડતી ન થાય.
અમારે ત્યાં સોનાની ઘારી તૈયાર કરવામાં આવી
સુરતના ઘારીના વેપારી હિમાંશુભાઈએ જણાવ્યું હતું કે શહેરમાં દર વર્ષે ઘારીના વેચાણમાં સતત વધારો થતો રહ્યો છે. અમારી પાંચમી પેઢી આ ઘારી બનાવવા માટે કામ કરી છે. દર વખતે કંઈક ને કંઈક અવનવું ઘારીમાં બદલાવ લાવવાનો અને સુરતીઓને નવો સ્વાદ આપવાનો અમે પ્રયાસ કરીએ છીએ. વિદેશમાં પણ અમારા ત્યાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઘારી એક્સપોર્ટ કરવામાં આવે છે. ગોલ્ડન ઘારીનું વેચાણ અમારે ત્યાં થાય છે, જેમાં ઘારી ઉપર સોનાનો વરખ લગાડવામાં આવે છે. કોર્પોરેટ કલ્ચરમાં આ ઘારીની ડિમાન્ડ વધુ જોવા મળે છે.
ઘારીના ભાવમાં નજીવો વધારો નોંધાયો
સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગમાંથી વિપુલ ઉવાએ જણાવ્યું હતું કે સુમુલ ડેરી દર વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘારી બનાવીને એનું વેચાણ કરે છે. સુમુલ ડેરીનું પોતાનું ઘી અને માવો હોવાને કારણે કોઈપણ જાતના ભેળસેળ વગર જ આ ઘારી બને છે તેમજ અન્ય ચીજવસ્તુઓ પણ અમે જે લાવ્યા છીએ એનું પરીક્ષણ અમારી લેબોરેટરીમાં જ કરી લઈએ છીએ. આ વખતે ઘારી અને ભૂંસાના ભાવમાં નજીવો વધારો થયો છે. સુરતીઓને સ્વાસ્થ્યવર્ધક ઘારી ખવડાવવાનો અમે પ્રયાસ દર વર્ષે કરીએ છીએ.