દેશના દિગ્ગજ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડ્રસ્ટીઝના માલિક મુકેશ અંબાણીને એક વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી અને 20 રૂપિયાની માંગણી કરી છે. ત્યારે જાણો કે મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થા કેવી છે, તેમાં કેટલા કમાન્ડો અને સિક્યોરિટી ગાર્ડ સામેલ છે અને તેની પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે.
દેશના સૌથી અમીર વ્યક્તિ અને બિઝનેસમેન મુકેશ અંબાણીને ફરી વખત જાનથી મારી નાખવાની અને 20 કરોડ રૂપિયા આપવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું છે કે પૈસા ચૂકવવામાં નહીં આવે તો મુકેશ અંબાણીને જાનથી મારી નાખવામાં આવશે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીને ઈમેઈલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. પોલીસે આ મામલે આરોપીની શોધખોળ શરૂ કરી છે અને ધમકી આપનાર વ્યક્તિ સામે ગુનો પણ નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિનાઓ પહેલા પણ આ પ્રકારની ધમકી મુકેશ અંબાણીને આપવામાં આવી ચૂકી છે. આ પહેલા ફોન કોલ દ્વારા મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, તે પહેલા પણ તેમના ઘર એન્ટીલિયાની બહાર પણ એક સંદિગ્ધ પદાર્થ ભરેલી ગાડી પણ મળી આવી હતી.
કેવી છે અંબાણીની સુરક્ષા વ્યવસ્થા?
મુકેશ અંબાણીની સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક છે. જેમાં CRPFના આશરે 50થી વધારે કમાન્ડો 24 કલાક અંબાણી પરિવારની સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત હોય છે. કમાન્ડો પાસે જર્મનીમાં બનેલી હેકલર અને કોચ એમપી 5 સબ મશીનગન સહિત ઘણા અતિઆધુનિક હથિયારો હોય છે. આ ગન દ્વારા એક જ મિનિટની અંદર 800 રાઉન્ડ ગોળી ફાયર થઈ શકે છે. મુકેશ અંબાણીની સુરક્ષામાં 6 રાઉન્ડ ધ ક્લોક તૈયાર કરેલા ડ્રાઈવરો પણ છે.
મુકેશ અંબાણીની પાસે છે પર્સનલ સિક્યોરિટી ગાર્ડ
આ સિવાય મુકેશ અંબાણીની પાસે 15થી 20 જેટલા પોતાના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ પણ તૈનાત હોય છે. તેમની પાસે હથિયાર હોતા નથી. આ પર્સનલ સિક્યોરિટી ગાર્ડને ઈઝરાયેલની સુરક્ષા કંપની દ્વારા તાલીમ આપવામાં આવેલી છે. આ સિક્યોરિટી ગાર્ડમાં ભારતીય સેનાના નિવૃત જવાનો અને NSG જવાનોનો પણ સમાવેશ થાય છે.
નીતા અંબાણીને પણ આપવામાં આવી છે Y પ્લસ સુરક્ષા વ્યવસ્થા
વર્ષ 2013માં મુકેશ અંબાણીને મનમોહન સિંહ સરકાર દ્વારા Z પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી. તે સમયે હિઝબુલ મુજાહિદ્દી દ્વારા ઉદ્યોગપતિને સતત ધમકીઓ મળી રહી હતી. ત્યારબાદ મનમોહનસિંહ સરકારે આ સુરક્ષા વ્યવસ્થા આપી હતી. આ સિવાય વર્ષ 2016માં મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીને પણ Y પ્લસ સુરક્ષા વ્યવસ્થા આપવામાં આવી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મુકેશ અંબાણીના ત્રણેય બાળકોને ગ્રેડ સિક્યોરિટી આપવામાં આવે છે.
આ સિવાય અગાઉ 8 મહિના પહેલા પણ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે મુકેશ અંબાણી અને તેમના પરિવારને ભારતમાં અને વિદેશમાં પણ Z પ્લસ લેવલની સુરક્ષા આપવામાં આવશે. જો કે તેનો ખર્ચ અંબાણી પરિવાર જ ઉઠાવશે. આ પહેલા તેનો ખર્ચ કેન્દ્રીય ગૃહ મંત્રાલય ઉઠાવતુ હતું. તમને જણાવી દઈએ ઝેડ પ્લસ સુરક્ષાનો ખર્ચ 40થી 45 લાખ રૂપિયા દર મહિને થાય છે.