ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશેલા લગભગ 97 હજાર ભારતીયની ધરપકડ કરવામાં આવી છે. આ ડેટા એક વર્ષનો છે, એટલે કે ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023.
યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન ડેટા અનુસાર, ધરપકડ કરાયેલા 96,917 ભારતીયમાંથી 30,010 યુએસ-કેનેડા બોર્ડર પર પકડાયા હતા. એ જ સમયે યુએસ-મેક્સિકો બોર્ડર પાર કરતી વખતે 41,770 ભારતીયની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકન સાંસદ જેમ્સ લેન્કફોર્ડે સંસદમાં કહ્યું- છેલ્લા એક વર્ષમાં લગભગ 45,000 ભારતીયે અમેરિકાની સાઉથ બોર્ડર ગેરકાયદે રીતે પાર કરી છે. આ ભારતીયો તેમના પોતાના દેશમાં – ભારતમાં ડર અનુભવે છે.
ધાર્મિક અત્યાચાર, નોકરીનો અભાવ મુખ્ય કારણો
અમેરિકન મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, ભારતમાં રાજકીય અને ધાર્મિક ઉત્પીડનને કારણે અમેરિકા આવનારા ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. આપણા દેશમાં આર્થિક તકોનો અભાવ એટલે કે નોકરીઓ પણ એક મોટું કારણ છે.
રિપોર્ટ અનુસાર, 2012થી 2022 વચ્ચે મેક્સિકો દ્વારા અમેરિકામાં પ્રવેશનારા ભારતીયોની સંખ્યામાં 100 ગણો વધારો થયો છે. 2012માં અમેરિકાની કસ્ટમ્સ અને બોર્ડર પેટ્રોલ પોલીસે આવા 642 કેસ નોંધ્યા હતા.
જ્યારે વર્ષ 2022માં આ સંખ્યા વધીને 63,927 થઈ ગઈ. એ જ સમયે થિંક ટેન્ક ન્યૂ અમેરિકન ઇકોનોમી અનુસાર, ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવામાં ભારતીયો ત્રીજા સ્થાને છે.
ભારતીયો પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે
અમેરિકન ડ્રીમને અનુસરવામાં ભારતીયો પોતાનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ગયા વર્ષે 21 જાન્યુઆરીએ અમેરિકાથી 30 માઈલ પૂર્વમાં કેનેડામાં એક ગુજરાતી પરિવારના ચાર લોકોના મૃતદેહ બરફમાં દટાયેલા મળ્યા હતા. આ પરિવાર ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવા માગતો હતો અને બરફના તોફાનમાં ફસાઈ ગયો.
એ જ રીતે ગયા વર્ષે જૂનમાં યુએસ બોર્ડર પેટ્રોલિંગ ટીમે 6 ભારતીયને ડૂબતી બોટમાંથી બચાવ્યા હતા. તેમની સામે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો.
ગયા વર્ષે ભારતીયોના ગેરકાયદે પ્રવેશમાં સંડોવાયેલી એક ગેંગનો પર્દાફાશ થયો હતો
2022માં યુએસ ફેડરલ એજન્સીએ કેનેડાની સરહદ દ્વારા ભારતીયોના ગેરકાયદે પ્રવેશમાં સામેલ એક ગેંગનો પર્દાફાશ કર્યો હતો. કેલિફોર્નિયાથી આ નેટવર્ક ચલાવનારી ગેંગના લીડર જસપાલ ગિલની ધરપકડ કરવામાં આવી હતી.
કેબ દ્વારા અમેરિકા પહોંચાડવામાં આવી હતી
તપાસમાં સામેલ એક ફેડરલ એજન્ટે જણાવ્યું હતું કે આ ટોળકીએ ઉબેર કેબ દ્વારા હજારો ભારતીયોને ગેરકાયદે રીતે અમેરિકા પહોંચાડ્યા હતા. ગિલે દરેક વ્યક્તિ પાસેથી રૂ. 23 લાખથી રૂ. 55 લાખ વસૂલ્યા હતા. આ લોકોને ટૂરિસ્ટ વિઝા પર કેનેડા લાવવામાં આવ્યા હતા, અહીંથી નકલી દસ્તાવેજો પર ઉબેર કેબ દ્વારા અમેરિકા લાવવામાં આવ્યા હતા.