સાત્વિક સાઈરાજ અને ચિરાગ શેટ્ટીની ભારતીય મેન્સ ડબલ્સ જોડીને ચાઈના માસ્ટર્સ 750 ટુર્નામેન્ટની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચીનના શેનઝેન શહેરમાં 26 નવેમ્બર, રવિવારે રમાયેલી ફાઈનલમાં ભારતીય જોડીને ચીનની લિયાંગ વેઈ કેંગ અને વાંગ ચાંગની જોડીએ હાર આપી હતી.
સાત્વિક અને ચિરાગની એશિયન ગેમ્સની ચેમ્પિયન જોડીને એક કલાક અને 11 મિનિટ સુધી ચાલેલી ફાઈનલમાં વિશ્વની નંબર 1 જોડી સામે 19-21 21-18 19-21થી હારનો સામનો કરવો પડ્યો હતો.
સાત્વિક-ચિરાગની જોડી આ વર્ષે BWF વર્લ્ડ ટૂરની ચોથી ફાઈનલ રમી રહી હતી. આ જોડીએ આ વર્ષે ઈન્ડોનેશિયા સુપર 1000, કોરિયા સુપર 500 અને સ્વિસ સુપર 300નો ખિતાબ જીત્યો છે.
સેમિફાઈનલમાં જી ટિંગ અને રેન જિયાંગ યુને હરાવ્યા હતા
ભારતીય જોડીએ ચીનના શેનઝેન શહેરમાં હે જી ટિંગ અને રેન જિઆંગ યુની ચીનની જોડીને સીધી ગેમમાં 21-15, 22-20થી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.
ચાઇના માસ્ટર્સ 700 શા માટે જરૂરી હતું?
બેડમિન્ટનમાં, સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ દેશોમાં ટુર્નામેન્ટ યોજાય છે અને આ ટુર્નામેન્ટના પોઈન્ટ વ્યક્તિગત રેન્કિંગમાં ઉમેરવામાં આવે છે. ચાઇના માસ્ટર્સ BWF વર્લ્ડ ટૂરનો ભાગ છે અને તે લેવલ 3 ટુર્નામેન્ટ છે. આમાં, વિજેતાને 11,000 પોઈન્ટ્સ મળે છે જે રેન્કિંગમાં ઉમેરવામાં આવે છે.