સૃષ્ટિના રંગમંચ પર જન્મતા લોકો અને પ્રારબ્ધ પૂર્ણ કરી વિદાય લેતાં દરેક મનુષ્યોને કલાનો વારસો નથી મળતો, કોઈ પણ પ્રકારની કળા તો કુદરતની બેનમૂન ભેટ છે અને સંસારનાં કોઈ કોઈ વિરલાઓ પર જ્યારે કુદરત રીઝે ત્યારે એકાદ કળાની બક્ષિસ પ્રદાન કરે છે. ભાવનગર એક એવું શહેર છે કે જેને કલાનું પિયર ગણવામાં આવે છે. અહીં કલાકાર જન્મે છે અને વિશ્વના સર્વશ્રેષ્ઠ રંગમંચ પર પોતાના કૌતુકનું સફળતાપૂર્વક પદાર્તપણ કરી પોતાની જાત સાથે જન્મ ભૂમિ ભાવેણાનુ નામ રોશન કરે છે. ત્યારે ભાવેણાની 6 વર્ષિય આરિયા સાકરીયાએ ફેમસ સિરિયલ ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ સહિત અનેક ટીવી શો, બોલિવૂડ ફિલ્મો અને એડમાં અભિનય કરી રહી છે.
એક વર્ષની હતી ત્યારથી જ આરિયા એક્ટિંગ કરે છે
મોટા થઇને અભિનેત્રી, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બનવું છે અને હોરર ફિલ્મો બનાવવી છે. તેને આલિયા ભટ્ટ બહું ગમે છે. આરિયા જણાવે છે કે, આલિયા અને આરિયા સેમ નામ જ થાય છે. અત્યારે ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ શોમાં કામ કરે છે. તેના કરિયર વિષે વાત કરતાં આરિયા જણાવે છે કે, તેને બાળપણથી જ તેની મમ્મીએ અભિનય પ્રત્યે પ્રેરણાં આપી છે. તે એક વર્ષની હતી ત્યારથી જ તે એક્ટિંગ કરે છે.
આરિયાએ ગોહિલવાડનું નામ ઝળહળતું કર્યું
ભાવેણાએ વિશ્વ ફલક પર અનેક પ્રકારના એકથી એક ચડીયાતા કલાકારોની બેનમૂન ભેટ આપી છે, ત્યારે મૂળ ભાવનગરના વતની અને અભિનય ક્ષેત્રે માદરે વતનથી દુર માયાનગરી મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર ભાવનગરી પરીવારની માત્ર છ વર્ષિય દીકરીએ કલાના કસબમા આગવી મહારત હાંસલ કરી છે અને ગરવા ગોહિલવાડનું નામ નાની ઉંમરે ઝળહળતું કર્યું છે.
કલાક્ષેત્રના વારસાને ખુબ નાની ઉંમરે અંકે કર્યો
ભાવનગરના વતની અને વર્ષે પૂર્વે અનેક લોકપ્રિય ગુજરાતી ચલચિત્રોની ભેટ આપનાર ગોવિંદભાઈ સાકરીયાના પુત્ર એક્ટર માનવ સાકરીયા અનેમોડેલ નિતી સાકરીયાની 6 વર્ષિય પુત્રી આરિયાએ દાદા-પિતા અને માતાના અભિનયના વારસાને ખુબ નાની ઉંમરે અંકે કર્યો છે. આરિયા એક વર્ષની હતી, ત્યારથી માતા પિતાએ તેનામાં રહેલા અભિનયના જન્મજાત ગુણને પારખી લીધો હતો. દીકરીને યોગ્ય પ્રોત્સાહન સાથે યોગ્ય પ્લેટફોર્મ પૂરૂં પાડતાં માત્ર 6 વર્ષની વયે આરિયાએ કઠિન ગણાતા અદાની ઝાકમઝોળ દુનિયામાં પોતાનો પગરવ સફળતા પૂર્વક રાખી દીધો છે.
આરિયાએ 6 વર્ષની ઉમરમાં જ બે એવોર્ડ મેળવ્યા
આરિયા ટીવી સિરીયલોમાં બાળ કલાકાર તરીકે દમદાર રોલ ભજવી રહી છે. આરિયાએ અભિનેત્રી આલીયા ભટ્ટથી લઈને અનેક મોટા ગજાના કલાકારો સાથે ફિલ્મો અને એડમાં કામ કર્યું છે. આરિયા હાલમાં ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ સિરિયલમાં કામ કરી રહી છે. 5 વર્ષના અભિનયના કેરીયરમાં આરિયાએ 2 મોટા એવોર્ડ સાથે અન્ય કિર્તિમાન પણ અંકે કર્યાં છે. મહત્વનું છે કે, ડાયરેક્ટર બનવાના સોનેરી શમણાં જોતી આરિયા મહિનામાં 25 દિવસ વિવિધ સિરિયલોના શૂટિંગ માટે ફાળવે છે. અભિનય સાથે અભ્યાસ સહિતની બાબતો માતા નિતીબેન સાકરીયા મેનેજ કરે છે.
અભિનય ક્ષેત્રે સફળતાનાં અનેક શિખરો સર કર્યા
ડ્રોઈંગ અને ડાન્સનો શોખ ધરાવતી આરિયા તાજેતરમાં માદરે વતન ભાવેણાની મુલાકાતે આવી હતી. ત્યારે લોકોના મન મોહી લીધા હતા. સ્પેશ્યિલ સ્પીચ અને આગવી અદા બાળાનુ આગવું જમાપાસુ છે. ત્યારે આગામી સમયમાં આરિયા અભિનય ક્ષેત્રે સફળતાનાં અનેક શિખરો સર કરી ગોહિલવાડ સાથે સાકરીયા પરિવારનું ગૌરવ વધારશે તેવો આશાવાદ તેની માતા નિતીબેન સાકરીયાએ વ્યક્ત કર્યો હતો.
આરિયાએ કરેલી ટીવી સિરિયલ
- હમારીવાલી ગુડ ન્યૂઝ (ઝી ટીવી)
- ચીકુ કી મમ્મી દૂર કી (સ્ટારપ્લસ)
- સિર્ફ તુમ (કલર્સ)
- નીમા ડેન્ઝોંગપા (કલર્સ)
- ‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ (સ્ટાર-પ્લસ પર હાલમાં ચાલે છે)
આરિયાએ કરેલી ફિલ્મો
- અ થર્સ ડે (યામી ગૌતમ સાથે)
- સડક 2 (આલિયા ભટ્ટના બાળપણની ભૂમિકા)
વેબસીરીઝ
- બ્રોકન બટ બ્યૂટીફૂલ (વિક્રાંત મેસી સાથે)
આરિયાએ કરેલી એડ
- ટાટા સ્કાય
- સ્વિગી
- SBI લાઇફ
- નીયો સાબુ
- મેજિક બ્રિક્સ
- સોની BBC