યુપીના શાહજહાંપુરમાં સ્કૂલમાં ભણતી 10-12 વર્ષની 13 છોકરી સાથે યૌનશોષણનો મામલો સામે આવ્યો છે. આ માટે છોકરીઓએ કોમ્પ્યુટર શિક્ષક પર આરોપ લગાવ્યા છે. એક આસિસ્ટન્ટ ટીચર અને પ્રિન્સિપાલ પર પણ મામલો દબાવવાનો આરોપ છે. મામલો સામે આવ્યા બાદ છોકરીઓના સંબંધીઓએ શનિવારે સ્કૂલમાં આરોપી શિક્ષકને માર માર્યો હતો. આ પછી પોલીસને જાણ કરી હતી.
મામલો તિલહર પોલીસ સ્ટેશન વિસ્તારની જુનિયર હાઈસ્કૂલનો છે. પોલીસે આચાર્ય સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. આરોપી કોમ્પ્યુટર શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. 13 છોકરીને મેડિકલ માટે મોકલવામાં આવી છે.
અશ્લીલ હરકતો કર્યા બાદ છોકરીઓઓને ધમકાવતો હતો
જુનિયર હાઈસ્કૂલના જુદા જુદા વર્ગમાં અભ્યાસ કરતી 10થી 12 વર્ષની છોકરીઓ સાથે શિક્ષક અશ્લીલ કૃત્ય કરતો હતો. કોમ્પ્યુટર શિક્ષક મોહમ્મદ અલી છોકરીઓ સાથે ખોટું કામ કરીને તેમને ધમકાવતો હતો. તે કોઈને કંઈ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
સ્કૂલના બાથરૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છોકરીઓની ફરિયાદ બાદ શનિવારે ગામના લોકો સ્કૂલે પહોંચ્યા હતા. તેમણે સ્કૂલના બાથરૂમમાં તપાસ કરી. આ દરમિયાન ઘણી વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી હતી. આ પછી ગામલોકો નારાજ થયા હતા. તેમણે પહેલા તો શેતાન શિક્ષકની ધોલાઈ કરી હતી. આ પછી પોલીસને સ્થળ પર બોલાવવામાં આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
હવે વાંચો કેવી રીતે મામલો પ્રકાશમાં આવ્યો…
શાળામાં ભણાવતાં સહાયક શિક્ષિકાએ બે-ત્રણ દિવસથી કેટલીક છોકરીઓના વર્તનમાં ફેરફાર જોયા. તે ઉદાસ અને ભયભીત રહેતી હતી. શુક્રવારે શિક્ષિકાએ તેમને પ્રેમથી બોલાવીને પૂછ્યું તો તેમણે રડતાં રડતાં કોમ્પ્યુટર શિક્ષકનાં તમામ કરતૂતો જણાવ્યાં. છોકરીઓએ પહેલા તેમની શિક્ષિકાને જાતીય શોષણ વિશે જણાવ્યું. આ પછી જ્યારે શિક્ષિકાએ કોમ્પ્યુટર ટીચર પર નજર રાખી તો તેમણે પણ તેને બેડ ટચ કરતા જોયો હતો.
શિક્ષકાએ આ બાબતની જાણ છોકરીઓનાં માતા-પિતાને કરી હતી. આ પછી છોકરીઓએ તેમનાં માતા-પિતાને પણ કહ્યું. શનિવારે શિક્ષિકાએ પરિવારના સભ્યોને શાળામાં બોલાવ્યા અને આરોપી શિક્ષક મોહમ્મદ અલીની ધરપકડ કરાવી હતી. શિક્ષિકાએ આક્ષેપ કર્યો હતો કે કોમ્પ્યુટર શિક્ષક દરરોજ વિદ્યાર્થિનીઓ સાથે ગેરવર્તન કરતો હતો.
આચાર્ય અને મદદનીશ શિક્ષિકાને સસ્પેન્ડ કરાયાં
BSA કુમાર ગૌરવે જણાવ્યું, “શાળામાં કોન્ટ્રેક્ટ પર ભણાવતા શિક્ષક પર સ્કૂલમાં છોકરીઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે તેમજ સમગ્ર મામલાને દબાવવાનો આરોપ આસિસ્ટન્ટ ટીચર શાઝિયા ખાન અને પ્રિન્સિપાલ અનિલ કુમાર પર લગાવવામાં આવ્યો છે.
આચાર્ય અને મદદનીશ શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. શિક્ષકની સેવા સમાપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અંગે તપાસ કરવામાં આવી રહી છે કે જ્યારે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફને આવી ઘટનાની જાણ થઈ ત્યારે તેને કેમ દબાવવામાં આવ્યો? મામલો દબાવવામાં જેમની ભૂમિકા સામે આવશે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
યુપી સરકારના મંત્રીએ કહ્યું- આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે
કૃષિ શિક્ષણ અને સંશોધન રાજ્યમંત્રી બલદેવ સિંહ ઔલખે આ મામલે કહ્યું હતું કે જેણે પણ આવું કર્યું છે તેની સામે કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જો શિક્ષકો આ પ્રકારની બાબતમાં સંડોવાયેલા હશે તો તેમને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે.
POCSO સહિત અનેક કલમો હેઠળ કેસ દાખલ
તિલહરના સીઓ પ્રિયાંશ જૈને જણાવ્યું હતું કે શાળાનાં એક સહાયક શિક્ષિકાએ શાળાના કોમ્પ્યુટર શિક્ષક પર 13 છોકરી સાથે અભદ્ર વર્તન કરવાના આરોપ લગાવ્યા છે. છોકરીઓનાં નિવેદનમાં આ વાતની પુષ્ટિ થઈ છે. પ્રિન્સિપાલ અને એક આસિસ્ટન્ટ ટીચર પર આરોપીને મદદ કરવાનો આરોપ છે.
આરોપોના આધારે આરોપી કોમ્પ્યુટર શિક્ષક મોહમ્મદ અલી, સહાયક શિક્ષિકા શાઝિયા ખાન અને આચાર્ય અનિલ કુમાર વિરુદ્ધ કલમ 354, પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. છોકરીઓને રવિવારે મેડિકલ માટે પણ મોકલવામાં આવી હતી.
એસપી દેહત શાહજહાંપુર સંજીવ બાજપાઈએ જણાવ્યું હતું કે શિક્ષક મોહમ્મદ અલી 45 વર્ષનો છે. તમામ પીડિત વિદ્યાર્થિનીઓનાં નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.