દિવાળીના તહેવાર પૂર્ણ થયા બાદ હવે લગ્નની સિઝન શરૂ થઈ છે. બદલાતા જમાનામાં હવે લોકો લગ્ન પણ અલગ અલગ રીતે યોજી રહ્યા છે. એક બાજુ અનેક લોકો મોંઘેરા લગ્ન કરી રહ્યા છે, તો સામે કેટલાક લોકો આજના યુગમાં પણ સાદાઈથી લગ્ન કરી રહ્યા છે. હાલ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં લગ્ન પ્રસંગમાં ખાસ અંદાજમાં વરરાજાની એન્ટ્રી જોવા મળે છે. પણ આ વચ્ચે આજે વાત કરવી છે એક એવા લગ્ન પ્રંસગની કે જ્યા વરરાજાએ એક અલગ અંદાજમાં એન્ટ્રી કરી હતી. બે ઘોડા ઉપર ઊભા રહી અને અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે વરરાજાએ એન્ટ્રી મારી હતી. જેને પગલે આ લગ્નોત્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ભરૂચથી જાન મુંજીયાસર ગામે આવી હતી
અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામમાં યોજાયેલા લગ્નોત્વમાં વરરાજાએ બે ઘોડા ઉપર પગ રાખીને અલગ અંદાજમાં એન્ટ્રી મારી હતી. પણ ખાસ વાત એ હતી કે, વરરાજાએ પોતાના હાથમાં એક પ્લે કાર્ડ રાખ્યું હતું. જેમાં અંગદાન જાગૃતિનો સંદેશ જોવા મળ્યો હતો. જેની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. ભરૂચથી પાર્થ જગદીશભાઈ વાડદોરીયાની જાન મોટા મુંજીયાસર ગામે આવી હતી. જાનમાં આવેલા જાનૈયાઓએ પણ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે રાખ્યા હતા.
આ લગ્ન મહોત્સવની ચારેકોર ચર્ચા
ગામમાં જ્યારે જાન પહોંચી ત્યારે વરરાજાનો આકર્ષણ સાથે વરઘોડો નીકળ્યો હતો. જેમાં વરરાજાએ અંગદાનના સંદેશ સાથે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસ કર્યો હતો સાથે જાનૈયાઓએ પણ અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ રાખ્યા હતા. જેને જોઈ તમામ ગામ લોકો પણ સ્તબંધ થઈ ગયા હતા અને ચારેકોર વરરાજા અને જાનૈયાઓના આ પ્રયાસને વખાણી રહ્યા હતા. ભરૂચના પાર્થ વાડદોરીયાના લગ્ન બગસરાના મુંજીયાસર ગામની અમીષા ગોંડલીયા સાથે થયા હતા.
લગ્નમાં હાજર તમામ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા
દિલ શેઈપમાં એક પ્લે કાર્ડ હતું, જેમાં સાત ફેરાના સાત સંકલ્પ લીધા હતા. ‘હા, હું ઓર્ગન ડોનર છું’ આ પ્રમાણેનું લખાણ લખીને જાનૈયાઓએ હાથમાં પ્લે કાર્ડ રાખ્યા હતા. તો વેવાઈ પક્ષમાં દ્વારા પણ આ પ્રકારના કાર્ડ રાખી જાનૈયાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. કન્યા પણ સ્વાગતમાં જોડાય હતી. સૌથી મહત્વની બાબત એ છે કે, વર-કન્યા અને તેમનો પરિવારની સાથે સાથે લગ્નમાં હાજર રહેલા તમામ લોકોએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા.
લગ્નની કંકોત્રીમાં પણ અંગદાન જાગૃતિનો મેસેજ
‘હું બચાવીશ 9 જીંદગીને એક પગલુ અંગદાન જાગૃતિ તરફ વાડદોરીયા પરિવાર.. ચાલો આપણે સૌ સાથે મળીને અંગદાન માટે સંકલ્પ કરીએ. મગજના મૃત્યુ પછી અંગદાન કરી 9 વ્યક્તિઓનું જીવન બચાવી શકાય છે, અંગદાન સર્વશ્રેષ્ઠ દાન છે’ આ પ્રકારનો મેસેજ વરરાજાની લગ્નની કંકોત્રીમાં લખેલો હતો. જેમાં પણ અંગદાન અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.
શું કહ્યું વરરાજાએ?
વરરાજા પાર્થ વાડદોરીયાએ જણાવ્યું હતું કે, અમે સમાજમાં જાગૃતિ લાવવા માટે અને મારા મેરેજમાં કઈક નવું કરવા માંગતા હતા, એટલા માટે અંગદાન અંગે જાગૃતિ માટે, વાડદોરીયા પરિવાર અને ગોંડલીયા પરિવાર બંને પરિવારે સંકલ્પ લીધો કે અમે અંગદાન કરીશું અને લોકોને પણ જાગૃત કરીશું.