તેલંગાણામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ એક અધિકારીના ઠેકાણાંઓ પર દરોડા પાડીને 100 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. એસીબીએ તેલંગાણા રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (TSRERA) સચિવ શિવ બાલકૃષ્ણ અને તેમના સંબંધીઓના ઘરો અને ઓફિસો સહિત 20 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ દરમિયાન તેમની પાસેથી 40 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું, 60 મોંઘી ઘડિયાળો, 14 સ્માર્ટ ફોન, 10 લેપટોપ અને સ્થાવર સંપત્તિ સાથે સંબંધિત ઘણા દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. બાલકૃષ્ણના ઘરેથી નોટ ગણવાનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એસીબીએ બાલકૃષ્ણની ધરપકડ કરી છે. અધિકારીએ પદનો દુરુપયોગ કરીને અપ્રમાણસર સંપત્તિ ઊભી કરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
બાલકૃષ્ણ હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ડિરેક્ટર પણ રહી ચૂક્યા છે. એસીબીનો આરોપ છે કે બાલકૃષ્ણે આ પદ પર રહીને અઢળક સંપત્તિ બનાવી હતી. તેણે ઘણી રિયલ એસ્ટેટ કંપનીઓને પરમિટની સુવિધા આપીને કરોડો રૂપિયાની કમાણી કરી છે.
અહેવાલો અનુસાર, એસીબી અધિકારીઓને બાલકૃષ્ણ પાસેથી વધુ રોકડ અને મિલકત મળવાની આશા છે. તેના ઘરની તપાસ પૂરી થઈ ગઈ છે, પરંતુ હજુ ચાર જગ્યાએ તપાસ ચાલુ છે.
તેના નામે 4 બેંકોમાં લોકર મળી આવ્યા છે, જેને ખોલવામાં આવશે. એસીબીએ કહ્યું છે કે તેઓ બાલકૃષ્ણ સાથે સંકળાયેલા અધિકારીઓની પણ પૂછપરછ કરશે.