મુંબઈના મલાડ વિસ્તારમાં એક મહિલાએ, ઓનલાઈન આઈસ્ક્રીમ ઓર્ડર કર્યો હતો. તેણે જેવો આઈસ્ક્રીમ ખાવાનું શરૂ કર્યું, કે તરત જ તેની નજર માનવીની કપાયેલી આંગળી પર પડી. આ જોતાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આઈસ્ક્રીમ કંપની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે મુંબઈ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
જરા કલ્પના કરો કે તમે કંઈક ખાઈ રહ્યા છો અને તે ખાદ્યપદાર્થમાં માનવ અવયવ જોવા મળે તો. ફક્ત આ વિશે વિચારીને તમને અરેરાટી આવવી કે ઉબકા જેવુ થવુ સ્વાભાવિક છે. પરંતુ વાસ્તવમાં મહારાષ્ટ્રના મુંબઈમાં આવો જ એક કિસ્સો બન્યો છે. એક મહિલાએ ઓનલાઈન એપ દ્વારા ખાવા માટે 3 આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી થતાં જ મહિલાએ આઈસ્ક્રીમનું પેકિંગ ખોલ્યું. એ મહિલા આઈસ્ક્રીમ ખાવા જતી હતી ત્યારે તેની નજર આઈસ્ક્રીમમાં રહેલ માનવ આંગળી પર પડી, અને ચે ચીસ પાડી ઉઠી.
આઈસ્ક્રીમમાં માનવ આંગળી જોઈને મહિલાના હોશકોશ ઉડી ગયા. તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. નર્વસ થઈને તેણે આઈસ્ક્રીમને તો પહેલા પડતો મૂક્યો. તેને લાગ્યું કે કદાચ તેની સાથે કોઈ બનાવટ તઈ છે. પરંતુ જ્યારે તેણે ફરીથી આઈસ્ક્રીમ તરફ જોયું ત્યારે તેને સમજાયું કે તે ખરેખર 2 સેન્ટિમીટરની માનવ આંગળી હતી.
મહિલાએ તરત જ તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ મલાડ પોલીસને પણ આઈસ્ક્રીમમમાંથી માનવ આંગળી નીકળ્યાની જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને માનવ આંગળીની સાથે આઈસ્ક્રીમને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે યામ્મો આઈસ્ક્રીમ કંપની સામે ગુનો નોંધ્યો છે. પોલીસે કહ્યું કે આઈસ્ક્રીમ અને માનવ આંગળીને હવે ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી છે. આ આંગળી પુરુષની છે કે સ્ત્રીની તે અંગે હજુ સુધી કંઈ જાણવા મળ્યું નથી. રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થશે.
જો કે આ ઘટના સમગ્ર મલાડ વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. અત્યાર સુધી ખાદ્ય ચીજોમાં ગરોળી, ઉંદરો અને અન્ય જીવ જંતુઓ જોવા મળતા હોવાના અહેવાલો છે. પરંતુ માનવ શરીરના અંગ પણ મળવા લાગ્યાની વાતે હલચલ મચાવી દીધી છે. દરેક જણ આશ્ચર્યમાં છે કે આ કેવી રીતે થઈ શકે છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુમ્મો આઇસક્રીમ એક જાણીતી બ્રાન્ડ છે. હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરે છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.