17 મેના રોજ વિશ્વ ટેલિકોમ દિવસના અવસરે સરકાર મોબાઈલ બ્લોકિંગ અને ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરશે. સમાચાર એજન્સી અનુસાર, કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવ ઓફિશિયલ રીતે સંચાર સાથી પોર્ટલ (CEIR) લોન્ચ કરશે. જેના દ્વારા લોકો ચોરાયેલા કે ખોવાયેલા ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે.
સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીમેટિક્સ (C-DOT) હાલમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને નોર્થ ઈસ્ટ રિજનની કેટલીક ટેલિકોમ ઓફિસોમાં આ સિસ્ટમનો પાઈલટ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે, જે હવે સમગ્ર ભારતમાં શરૂ કરવા માટે તૈયાર છે.
સંચાર સાથી પોર્ટલ મોબાઈલ સ્મગલિંગની પણ તપાસ કરશે
C-DOTના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ‘મોબાઈલ બ્લોકિંગ અને ટ્રેકિંગ સિસ્ટમ સમગ્ર ભારતમાં શરૂ કરવા માટે તૈયાર છે. આ ક્વાર્ટરમાં તેને સમગ્ર ભારતમાં રજૂ કરવામાં આવશે. આનાથી લોકો તેમના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે.’
આ સાથે તેમણે કહ્યું કે ‘સિસ્ટમમાં એક ઇન-બિલ્ટ મિકેનિઝમ છે જે મોબાઇલની દાણચોરીને પણ ચેક કરશે’. જો કે, તે ક્યારે શરૂ થશે તેની તેણે પુષ્ટિ કરી નથી.
IMEI નંબર બદલ્યા પછી પણ ફોનને ટ્રેક કરી શકાય છે
હાલમાં, ગુનેગારો મોટે ભાગે મોબાઇલ ચોરી કર્યા પછી ડિવાઇસનો IMEI નંબર બદલી નાખે છે, જેના કારણે મોબાઇલને ટ્રેક અથવા બ્લોક કરી શકાતો નથી. રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું કે આ પોર્ટલ IMEI નંબર બદલ્યા પછી પણ ડિવાઇસને ટ્રેક અને બ્લોક કરી શકશે.
પોર્ટલની મદદથી 8000 ફોન રિકવર કરાયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં 4.70 લાખ ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે. આ સાથે 2.40 લાખથી વધુ મોબાઈલ ટ્રેક કરવામાં આવ્યા છે. જ્યારે પોર્ટલની મદદથી 8000 ફોન પણ રિકવર કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ કર્ણાટક પોલીસે પોર્ટલની મદદથી 2500થી વધુ ખોવાયેલા મોબાઈલ પરત મેળવ્યા છે અને તેમને માલિકને સોંપ્યા છે.