24 જાન્યુઆરી, 2023ના હિંડનબર્ગ રિસર્ચના અહેવાલે અદાણી જૂથને હચમચાવી નાખ્યું હતું. રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. આ અહેવાલને આજે એક વર્ષ પછી અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે કહ્યું કે આ અનુભવે કંપનીને મહત્ત્વનો પાઠ ભણાવ્યો છે.
અદાણીએ લખ્યું છે અમારા પર ખોટા અને પાયાવિહોણા આરોપો કોઈ નવી વાત નથી. તેથી વિગતવાર જવાબ જાહેર કર્યા પછી મેં તેના વિશે વધુ કંઈ વિચાર્યું નથી. અદાણીએ એમ પણ કહ્યું કે અમારી કંપનીઓની કામગીરી દર્શાવે છે કે આરોપો પાયાવિહોણા હતા.
ગૌતમ અદાણીના લેટરની 5 ખાસ વાત
- મીડિયાના કેટલાક લોકોની મદદથી અમારી સામેનાં જૂઠાણા એટલા મજબૂત હતા કે અમારા પોર્ટફોલિયોના માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો થયો. મને વધુ ચિંતા એ હતી કે હજારો નાના રોકાણકારોએ તેમની બચત ગુમાવી દીધી. જો અમારા વિરોધીઓની યોજના સંપૂર્ણ રીતે સફળ રહી હોત તો તેનાથી મોટી સમસ્યા ઉભી થઈ શકી હોત.
- આ કટોકટીનો સામનો કરવાનો કોઈ રોડમેપ નહોતો. અમારા વ્યવસાયમાં વિશ્વાસે અમને એક અલગ રસ્તો અપનાવવાની હિંમત આપી. સૌ પ્રથમ તો અમે 20,000 કરોડ રૂપિયાનો FPO લાવ્યા પછી, અમે તે રકમ પરત કરવાનું નક્કી કર્યું. કોર્પોરેટ ઇતિહાસમાં આ એક નવું પગલું હતું, જે દર્શાવે છે કે અમે રોકાણકારોના હિત અને નૈતિક વ્યવસાય વિશે કેટલા ગંભીર છીએ.
- અમે તથ્યને પારદર્શી રીતે રજૂ કર્યા અને કહાનીનો અમારો પક્ષ જણાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આનાથી અમારા જૂથ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા નકારાત્મક અભિયાનની અસર ઓછી થઈ.
- ગયા વર્ષની મુશ્કેલીઓએ અમને મહત્ત્વપૂર્ણ પાઠ ભણાવ્યો અને અમને મજબૂત બનાવ્યા. જોકે, અમારા પરનો આ હુમલો અને અમારા મજબૂત જવાબી પગલાં નિઃશંકપણે કેસ સ્ટડી બની જશે. મને મારો આ અનુભવ વ્યક્ત કરવા માટે મજબૂર થવું પડ્યું, કેમ કે આજે અમે છીએ, કાલે કોઈ અન્ય હોઈ શકે છે.
- હું કોઈ ભ્રમમાં નથી કે આ આવા હુમલાઓનો અંત છે. હું માનું છું કે અમે આ અનુભવમાંથી વધુ મજબૂત બન્યા છીએ અને ભારતની વિકાસગાથામાં અમારું નમ્ર યોગદાન ચાલુ રાખવાના અમારા સંકલ્પમાં વધુ મક્કમ છીએ.
સેબી આ મામલાની તપાસ કરી રહી છે
24 જાન્યુઆરી, 2023ના રોજ હિંડનબર્ગ રિસર્ચએ અદાણી ગ્રૂપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરની હેરાફેરી સુધીના આરોપો મૂક્યા હતા. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી હતી. આ સિવાય માર્કેટ રેગ્યુલેટર સેબી (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)ને પણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું.
સેબીની તપાસમાં અત્યાર સુધી શું થયું?
- 2 માર્ચે સુપ્રીમ કોર્ટે આ મામલે એક કમિટીની રચના કરી હતી અને સેબીને તપાસ માટે બે મહિનાનો સમય પણ આપ્યો હતો.
- સેબીએ તેનો રિપોર્ટ 2 મે સુધીમાં સોંપવાનો હતો, પરંતુ સુનાવણી દરમિયાન સેબીએ તપાસ માટે 6 મહિનાનો સમય માંગ્યો હતો.
- બેન્ચે તેને ઓગસ્ટ સુધી લંબાવી હતી. એટલે કે સેબીને તેની તપાસ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે કુલ 5 મહિનાનો સમય મળ્યો.
- 14 ઓગસ્ટે સેબીએ તેની તપાસ પૂર્ણ કરવા અને રિપોર્ટ સબમિટ કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ 15 દિવસનો સમય માંગ્યો હતો.
- 25 ઓગસ્ટે સેબીએ સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો. જણાવ્યું કે 22 તપાસને આખરી ઓપ આપવામાં આવ્યો છે અને 2 અધૂરી છે.
- 24 નવેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે હિંડનબર્ગના અહેવાલને સાચો માનવાની જરૂર નથી.