અબુધાબીની “અલ વાકબા” નામની જગ્યા પર બીએપીએસનું સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યુ છે. જે 108 ફૂટ ઊંચાઈ અને સાત શિખરો સાથેનું હિન્દુ મંદિર છે. જેનું 14 ફેબ્રુઆરીના રોજ ઉદ્ધાટન કરવામાં આવેશ. ઉદ્ધાટન પહેલા વિશ્વ સંવાદિતા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અબુ ધાબીમાં 14 ફેબ્રુઆરીના રોજ ઐતિહાસિક ઉદ્દઘાટન નિમિત્તે આયોજિત પ્રેરણાદાયી કાર્યક્રમોની વિશિષ્ટ શૃંખલા – ‘ફેસ્ટિવલ ઓફ હાર્મની’ અંતર્ગત વિશ્વ સંવાદિતા યજ્ઞનું 11 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 980 કરતાં વધુ ભક્તો આ યજ્ઞમાં જોડાયા હતા.
પ્રાચીન હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે યજ્ઞવિધિને શક્તિશાળી ભક્તિ અર્ધ્ય ગણવામાં આવે છે.મધ્ય પૂર્વના દેશોમાં સૌપ્રથમ કહી શકાય તેવા આ યજ્ઞમાં અનેકવિધ મહાનુભાવો, આધ્યાત્મિક ગુરુઓ અને સ્થાનિક કોમ્યુનિટીના અગ્રણીઓએ જોડાઈને યુ. એ. ઇ અને સમગ્ર વિશ્વમાં સૌની શાંતિ, સંવાદિતા અને સફળતા માટે પ્રાર્થના વ્યકત કરી હતી.
ભક્તો-ભાવિકો આજના યજ્ઞ વિધિ પ્રસંગે યજમાન પદે માંગલિક વસ્ત્રોમાં સજ્જ થયા હતા. ભારતથી આવેલા સાત નિષ્ણાત પુજારીઓએ આ યજ્ઞમાં પ્રાચીન વૈદિક વિધિ વિધાન દ્વારા સર્વે યજમાનોને આહુતિ અને વેદમંત્રો દ્વારા પવિત્ર વિચારો અને સદગુણી જીવન માટે પ્રતિબદ્ધ કર્યા હતા અને અનોખા ઐતિહાસિક વાતાવરણનું સર્જન થયું હતું. પૂજારીઓની સાથે સાથે 200 જેટલાં સ્વયંસેવકો યજ્ઞવિધિનું સંચાલન કરવામાં સહભાગી થયા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ આ મંદિરના નિર્માણકાર્યનું સંચાલન કરી રહેલાં સંત પૂ. બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું હતું, “ભારતની બહાર આ પ્રકારનો વિશિષ્ટ મહત્વ ધરાવતો યજ્ઞ ભાગ્યે જ યોજાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેને વારંવાર દ્રઢ કરાવે છે, તેવા વૈશ્વિક એકતાના સંદેશને યજ્ઞ દ્વારા અપાયેલી આ વિશિષ્ટ અંજલિ છે.
યજ્ઞની પવિત્ર જ્વાળાઓ અંધકારને દૂર કરતા આધ્યાત્મિક પ્રકાશનું પ્રતીક છે. યજ્ઞ દરમિયાન વરસી રહેલાં વરસાદે કુદરતના પંચમહાભૂતની એકતાનું અનેરું વાતાવરણ સર્જી દીધું હતું. વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ આવી ન હતી. ખાસ આ યજ્ઞમાં સંમિલિત થવા લંડનથી આવેલ હરિભક્ત જયશ્રી ઇનામદારે જણાવ્યું, ” વરસાદે આ કાર્યક્રમને વધારે યાદગાર અને ઐતિહાસિક બનાવી દીધો છે. વરસાદમાં પણ યજ્ઞ વણથંભ્યો ચાલી રહ્યો હોય, તેવું મેં પહેલી વાર નિહાળ્યું. ઉલટું વાતાવરણ જાણે વધુ માંગલિક બની ગયું હોય તેવું અનુભવાયું.”