હાલમાં જ ઈન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરી કરનાર એક મુસાફરે દાવો કર્યો હતો કે ફ્લાઇટમાં તેને આપવામાં આવેલી સેન્ડવિચની અંદર એક સ્ક્રૂ હતો. પેસેન્જરે સોમવારે (13 ફેબ્રુઆરી) સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને કહ્યું કે એરલાઈન્સે આ માટે માફી માંગવાનો પણ ઈન્કાર કરી દીધો છે.
હકીકતમાં પેસેન્જરે Reddit પર લખ્યું હતું કે 1 ફેબ્રુઆરીએ તે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા બેંગલુરુથી ચેન્નાઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેને ફ્લાઈટમાં ખાવા માટે કોર્ન સેન્ડવિચ આપવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ તેણે સેન્ડવીચનું પેકેટ ખોલ્યું તો તે આશ્ચર્ય પામ્યો હતો. તેણે એરલાઈન્સને સેન્ડવીચમાં સ્ક્રૂ શોધવા બદલ માફી માંગવા કહ્યું. પરંતુ એરલાઇન્સે માફી માગવાની ના પાડી.
એરલાઈન્સે પેસેન્જરને કહ્યું કે ફ્લાઈટ લેન્ડ થયા પછી તેણે પેકેટ ખોલ્યું, તેથી તે હવે તેના માટે જવાબદાર નથી. જો પેસેન્જરે ફ્લાઈટમાં જ સેન્ડવીચ અંગે ફરિયાદ કરી હોત તો ઈન્ડિગો કાર્યવાહી કરી શકી હોત.
છેલ્લા 3 મહિનામાં ફ્લાઇટમાં અરાજકતાને લગતી 5 મોટી ઘટનાઓ…
1. 31 જાન્યુઆરી: સ્પાઇસજેટની ફ્લાઇટમાં છોકરીની છેડતી
31 જાન્યુઆરીએ સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-592 કોલકાતાથી બાગડોગરા જઈ રહી હતી. આ દરમિયાન એક મુસાફર દ્વારા 26 વર્ષની યુવતીની છેડતી કરવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે આરોપી મુસાફર તેની બાજુમાં બેઠો હતો ત્યારે તેને અયોગ્ય રીતે સ્પર્શ કરી રહ્યો હતો. તેણે જાણીજોઈને આવું કર્યું હતુ.
2. 14 જાન્યુઆરી: દિલ્હી-ગોવા ફ્લાઇટ 13 કલાક મોડી, પેસેન્જરે પાયલટને લાફો માર્યો
14 જાન્યુઆરીએ દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોની ગોવાની ફ્લાઈટ (6E-2175) 13 કલાક મોડી પડી હતી. આનાથી એક મુસાફર ગુસ્સે થયો અને તેણે પાયલટને લાફો મારી દીધી. તે સીટ પરથી ઉભો થયો અને પાયલટ પાસે ગયો અને લાફો માર્યા બાદ કહ્યું- જો તમારે ફ્લાઇટ ટેકઓફ કરવી હોય તો કરો નહીંતર ગેટ ખોલો
3. 14 જાન્યુઆરીઃ ફ્લાઈટ ગોવાના બદલે મુંબઈ પહોંચી, પેસેન્જર્સે રનવે પર બેસીને ડીનર કર્યું
14 જાન્યુઆરીએ ગોવાથી દિલ્હી જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E2195ને 12 કલાક મોડી ઉપડ્યા બાદ મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. જેના કારણે મુસાફરો રોષે ભરાયા હતા. તેઓ રનવે પર બેસીને જમવા લાગ્યા. આ પછી ઈન્ડિગો પર 1.80 કરોડ રૂપિયા અને મુંબઈ એરપોર્ટ પર 60 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
4. 13 જાન્યુઆરીઃ મુંબઈ-ગુવાહાટી ફ્લાઈટનું બાંગ્લાદેશમાં લેન્ડિંગ, મુસાફરો 12 કલાક સુધી પ્લેનમાં બેઠા રહ્યા
13 જાન્યુઆરી, 2024ના રોજ, મુંબઈથી ગુવાહાટી જતી ઈન્ડિગોની ફ્લાઈટ બાંગ્લાદેશના ઢાકામાં ઉતરી હતી. ગુવાહાટીમાં ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ લેન્ડ થઈ શકી ન હતી અને તેને ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 178 મુસાફરો હતા. પાસપોર્ટના અભાવે મુસાફરોને 12 કલાક સુધી ફ્લાઈટની અંદર બેસી રહેવું પડ્યું હતું.
5. 26 નવેમ્બર: ઈન્ડિગો પેસેન્જરની સીટ પર કોઈ ગાદી ન હતી, ફરિયાદ કરવા પર કેબિન ક્રૂએ કહ્યું- જાતે શોધો
26 નવેમ્બરે ઈન્ડિગોની ફ્લાઈટ 6E 6798 પુણેથી નાગપુર જઈ રહી હતી. જેમાં એક મહિલા પેસેન્જર સાગરિકા પટનાયકે આરોપ લગાવ્યો હતો કે તેની સીટ પર ગાદી ન હતી. જ્યારે તેણે ક્રૂ મેમ્બરને આ અંગે ફરિયાદ કરી તો તેને પોતાની આસપાસ શોધવાનું કહેવામાં આવ્યું. જોકે બાદમાં તેને બીજી સીટ આપવામાં આવી હતી.