1 થી 3 માર્ચ દરમિયાન જામનગરમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાણી પરિવારના આંગણે ખુશીના આ પ્રસંગમાં રિલાયન્સ આસપાસના ગ્રામજનો પણ સામેલ થઈ શકે તે માટે અંબાણી પરિવાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ અનંત અંબાણી પણ સહભાગી થયા હતા. ગાગવા ગામના લોકો દ્વારા અનંત અંબાણીનું હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રિલાયન્સ આસપાસનાં ગામોમાં કાર્યક્રમનું આયોજન
જામનગરના ખાવડી પાસે આવેલી રિલાયન્સ રિફાઈનરી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અંબાણી પરિવાર દ્વારા અનંત અને રાધિકાના લગ્નપ્રસંગે લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાંક ગામોમાં અનંત અંબાણીએ હાજરી આપી હતી. અનંત અંબાણીનું ગ્રામજનો દ્વારા ઢોલ-શરણાઈ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલારના લોકોએ ખાસ અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો દ્વારા લોકડાયરાની રંગત જમાવી હતી.
ગામેગામ જશ્નનો માહોલ
અંબાણી પરિવાર તેમના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગની ઉજવણી જામનગરની રિલાયન્સ રિફાઈનરી પાસે આવેલા રિલાયન્સ ગ્રીન્સમાં કરી રહ્યો છે. ત્યારે આ ઉજવણી પૂર્વે રિલાયન્સ રિફાઈનરી આસપાસ આવેલાં ગામડાઓમાં પણ અંબાણી પરિવાર દ્વારા આનંદના પ્રસંગની ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગામોમાં લોકડાયરા અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે કેટલાક ગામોમાં ખુદ અનંત અંબાણી પણ પહોંચ્યા હતા અને ગ્રામજનો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા હતા.
નવાણિયા ગામમાં ભોજન સમારંભમાં પણ હાજરી આપી
નવાણિયા ગામમાં અંબાણી પરિવાર દ્વારા યોજવામાં આવેલા ભોજન સમારંભમાં પણ અનંત અંબાણીએ હાજરી આપી હતી. ગામની મહિલાઓ દ્વારા અનંત અંબાણીની આરતી ઉતારી ઓવારણાં લેવામાં આવ્યાં હતાં. ગ્રામજનોએ આહીરાણી મહારાસની તસવીર પણ અનંત અંબાણીને ભેટમાં આપી હતી.
1 થી 3 માર્ચ દરમિયાન પ્રી-વેડિંગ ફંક્શન યોજાશે
જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં આગામી 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. જેને લઈ હાલ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ-વિદેશની અનેક હસ્તીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મહેમાનોને આવકારવા માટે જામનગરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
થોડા દિવસ પહેલાં નીતા અંબાણીએ પણ લાલપુરની મુલાકાત લીધી હતી
અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનને લઈ અંબાણી પરિવારના સભ્યો છેલ્લા કેટલાક દિવસથી જામનગરમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ નીતા અંબાણીએ જામનગર જિલ્લાના લાલપુરના બાંધણી કેન્દ્રની મુલાકાત કરી હતી. બાંધણી કેન્દ્રમાં કામ કરતી મહિલાઓ સાથે મુલાકાત કરી બાંધણી મેકિંગ અંગે જાણકારી મેળવી હતી.