જુગારધામની રેડ પર એકને ગોળ બીજાને ખોળ જેવી સ્થિતિ
અનેક રેડમાં થાણા અધિકારી પર કોઈ જ કાર્યવાહી નહિ તો આ રેડમાં થાણા અધિકારીનાં સસ્પેન્શન પાછળ રેન્જ આઈજી પોતે મેદાને કેમ ઉતર્યા??: પોલીસબેડામાં ચર્ચાતો પ્રશ્ન
પ્રથમ દિવસે જુગારધામ બેઠું અને એલસીબીની રેડે સુલતાનપુરનાં માનવતાવાડી પીએસઆઈનો ભોગ લીધો: સુત્રોની માહિતી
રાજકોટ,તા.૩૧ : ગોંડલ તાલુકાના અને નવા બનેલા સુલતાનપુર પોલીસ મથકની હદમાં આવતા કમરકોટડા ગામની સીમમાં મયુર છગનભાઈ જાગાણીના કબ્જા-ભોગવટાની વાડીમાં મોટાપાયે ધમધમતી ઘોડીપાસાની કલબ ઉપર આજે પરોઢિયે એલસીબીએ દરોડો પાડી કુલ ૨૮ શખ્સોને રૂ. ૫૩.૭૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. આ ક્લબ રાજકોટનાં જંગલેશ્વર વિસ્તારના ભવાની ચોકમાં રહેતો હબીબ અલીભાઈ ઠેબા (ઉ.વ.૪૪) અને સાધુ વાસવાણી રોડ પરના યોગીનગરમાં રહેતો અજીત ભીમભાઈ ભોજક (ઉ.વ.૪૧) ભાગીદારીમાં ચલાવતા હતાં.
રાજકોટ જિલ્લામાં પોલીસની મીઠી નજર હેઠળ ધમધમતા દારૂના વેપલા અને જુગારની ક્લબ પર એસએમસી અવારનવાર દરોડા પાડી ચૂકી છે. જેના કારણે ‘મંજૂરી’ થી ધંધા ચલાવનારા સાથે ‘મંજૂરી’ આપનારી પોલીસમાં પણ હવે એસએમસીનો ખોફ બેસી ગયો છે.
આ સ્થિતિ વચ્ચે એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા અને પીએસઆઈ એચ.સી. ગોહીલે મળેલી ચોક્કસ બાતમીના આધારે આજે પરોઢિયે કમરકોટડા ગામની સીમમાં મયુરના કબ્જા-ભોગવટાની વાડીમાં દરોડો પાડતા જુગારીઓ અને તેના સંચાલકો ડઘાઇ ગયા હતાં. સ્થળ પરથી એલસીબીએ વાડી માલિક મયુર (રહે. કમરકોટડા) અને જુગારની ક્લબના બે ભાગીદારો હબીબ ઉપરાંત અજીત સહિત કુલ ૨૮ આરોપીઓને ઝડપી લીધા હતાં.
આ સ્થળે મોટાપાયે જુગાર રમાતો હતો. જેની સાબિતીરૂપે રૂ. ૧૬.૩૪ લાખ રોકડા મળી આવ્યા હતા. આ ઉપરાંત ૨૫ મોબાઇલ ફોન, ૬ ફોર વ્હીલર વગેરે મળી એલસીબીએ કુલ રૂ. ૫૩.૭૧ લાખનો મુદ્દામાલ એલસીબીએ જપ્ત કર્યો હતો.
એલસીબીના સૂત્રોએ જણાવ્યું કે ગઇકાલે રાત્રે જ આ સ્થળે ક્લબ શરૂ કરાઇ હતી. વાડી માલિક મયુરને ત્રણ કલાક જુગાર રમવા દેવાના બદલામાં રૂ. ૫ હજાર આપવાનું નક્કી કરાયું હતું. એવી પણ માહિતી મળી છે કે આરોપીઓ આ પહેલા રાજકોટ આસપાસના વિસ્તારોમાં ટૂંકા સમય માટે જુગાર રમાડી લેતા હતાં. અત્યાર સુધી ક્યાં-ક્યાં જુગાર રમાડયો તે બાબતે તપાસ થઇ રહી છે.
જુગારની ક્લબમાંથી તેના સંચાલક અજીત સાથે તેનો ભાઈ નીલેશ ઉપરાંત પિતા ભીમભાઈ પણ ઝડપાઇ ગયા છે તેમ એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ કોટડાસાંગાણીના માણેકવાડા ગામની સીમમાં ધમધમતી જુગારની ક્લબ ઉપર એસએમસીએ દરોડો પાડયો હતો. જેના પગલે કોટડાસાંગાણીના પીએસઆઈ અને ત્રણ પોલીસમેનોને સસ્પેન્ડ કરી દેવાયા હતાં.આ પૂર્વે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અનેક વખત રાજકોટ ગ્રામ્યનાં આ વિસ્તારોમાં દારુ તથા જુગારની રેડો થયેલ છે પરંતુ ભૂતકાળમાં ક્યારેય પણ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ બાદ જીલ્લા પોલીસવડાની ખાસ બ્રાંચ એલસીબી કે એસઓજીનાં કોઈપણ અધિકારી કે પોલીસકર્મીને જવાબદાર ગણીને સસ્પેન્ડ કરવામાં આવેલ નથી.
પરંતુ કમરકોટડાની આ રેડમાં સુત્રોનું માનીએ તો,આ તમામ આરોપીઓ આયાતી છે મતલબ કે પોલીસ સ્ટેશન વિસ્તાર બહારના છે.ઉપરાંત એલસીબીની રેડ બાદ કોઈ થાણાઅધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવો કોઈ ભૂતકાળ નથી જ્યારે આ પ્રકરણમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પોતે કોઈ કારણસર અંગત રસ દાખવીને થાણાઅધિકારીને સસ્પેન્ડ કરેલ હોય તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.
બની શકે છે કે, ભૂતકાળમાં રાજકોટ ગ્રામ્યનાં માણેકવાડા ગામમાં ઝડપાયેલ જમ્બો જુગારકલબમાં સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીનાં આધારે રેન્જ આઈજી અથવા રાજકોટ જીલ્લા પોલીસવડા પોતાની ખાસ બ્રાંચ ગણાતી એલસીબી કે એસઓજીનાં કોઈ અધિકારી-કર્મચારીને સસ્પેન્ડ કરશે કે નહિ?? તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.
સસ્પેન્ડ થયેલ પીએસઆઈ ઝાલાની માનવતાનું એક ઉદાહરણ
કોરોનાની વિકટ પરિસ્થિતિ સમયે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સપેક્ટર ડી. પી. ઝાલા સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાયએ સુનિશ્ચીત કરવા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતે ફરજ પર હતા.વહેલી સવારે 4 વાગ્યે પોતે શાકભાજીની હરાજી દરમ્યાન નિયમોના પાલન થાય માટે પોલીસીંગ કરતા હતા. શાકભાજીની હરરાજી 7 વાગ્યે પુરી થઇ અને તમામ ખરીદદાર વેપારીઓ પણ જતા રહ્યા.
માર્કેટીંગ યાર્ડના પ્લેટ ફોર્મ સાવ ખાલી થયા, હરાજીના કારણે થતો શોરબકોર હવે અચાનક શાંતીમાં પરિવર્તીત થઇ ગયો. આ દરમ્યાન ત્યાં કોઇ એક ખેડૂત વૃધ્ધ હતા જે નિરાશ થઇ પ્લેટ ફોર્મ પર ઉભા હતા. જ્યારે લૉકડાઉન જેવી પરીસ્થિતી હોય અને ગરીબ ખેડૂતનું શાકભાજીનું વેચાણ ના થાય, એ વેદના દરેકને સમજાય એવી હોય છે. ખેડૂતને જોઇ તરત જ ફરજ બજાવતા ડી. પી. ઝાલા પરીસ્થિતીનો તાગ મેળવી લઇ વેદના સમજી ગયા.
ચિંતામાં ઉભેલા ગોમટા ગામના ખેડૂત કાંતીભાઇ ભાલોડીયા પાસે જઇ ડી. પી. ઝાલા વાત કરે છે અને કાંતીભાઇ તેમને જણાવે છે “કોબીજ લઇ ગોંડલ વેચાણ માટે આવ્યા પણ કોબીજની ખપત લૉકડોઉનમાં બંધ સામાજીક પ્રસંગ અને બંધ હોટલ્સને લીધે આછી છે તો કોણ ખરીદે, હવે માલ સંગ્રહ પણ ના થઇ શકે અને ગામડેથી લાવવા માટે વાહન ભાડું પણ ગયું. કોઇએ કોબીજના ખરીદી.” બસ આટલી વાત પી.એસ.આઇ. ડી. પી. ઝાલાએ સાંભળીને કહ્યું દાદા કેટલી કોબીજ છે, હું ખરીદીશ અને આ કોબીજને લોકોમાં તેમજ સેવા માટે ચાલતા રસોડામાં આપી દઇશ. બોલો દાદા બજાર ભાવ કેટલો છે હું એ ભાવ આપને ચુકવી આપુ, આમ પી.એસ.આઇ. ડી.પી.ઝાલાએ ખેડૂતની 100 બેગ કોબીજ ખરીદી લીધી અને સેવા માટે મોકલી આપી.
આસપાસ પી.એસ.આઇ.ના ઉપરી અધિકારી પણ ત્યાં હાજર હતા તેમને પણ આ ઘટનાની જાણ થઇ તો તેમણે ખેડૂત સાથે ફોટા પાડી પ્રેરણારૂપ કિસ્સાને બહાર લાવવા પ્રય્તન કરવાનું નક્કી કર્યું. છતાં ડી.પી. ઝાલા સાથે વાત કરતા જરા પણ મોટી વાત કર્યા વિના કહ્યું “મારૂ કામ હતું મેં કર્યું દરેકે યથાશક્તિ લોકસેવા કરતું રહેવું જોઇએ.” માનવતાનાં ઓટલે સ્વયંભૂ રીતે ખરા ઉતરતા ડી. પી. ઝાલા જેવા પોલીસ અધીકારીઓ કોઈપણ સરકારી વિભાગમાં જુજ જોવા મળે છે. ભલે લોકોને પોલીસ સાથેના ખરાબ અનુભવો થતા હોય અને પોલીસ બદનામ થતા હોય પણ આવા અધીકારીના અદના કામ પોલીસ બેડાને ફરી દીપાવી દે છે.