News Updates
AHMEDABAD

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની જાહેરાત:નડિયાદ અને પોરબંદર-છાયા નગરપાલિકાને અપાશે મહાનગરપાલિકાનો દરજ્જો, હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકા

Spread the love

ગુજરાતમાં વધુ બે મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર-છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો. પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો.

રાજ્યમાં હાલમાં 8 મહાનગરપાલિકા અસ્તિત્વમાં છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાતનું નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું હતં, જેમાં વધુ 7 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. એમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણનો સમાવેશ હતો. જ્યારે આજે વધુ બે નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હાલમાં કાર્યરત મહાનગરપાલિકાઓનું લિસ્ટ

 • અમદાવાદ
 • સુરત
 • વડોદરા
 • રાજકોટ
 • જામનગર
 • જૂનાગઢ
 • ગાંધીનગર
 • ભાવનગર

બજેટમાં જાહેર થયેલી મહાનગરપાલિકાઓનું લિસ્ટ

 • નવસારી
 • ગાંધીધામ
 • મોરબી
 • વાપી
 • આણંદ
 • મહેસાણા
 • સુરેન્દ્રનગર-વઢવાણ

આજે જાહેર થયેલી મહાનગરપાલિકાઓનું લિસ્ટ

 • પોરબંદર-છાયા
 • નડિયાદ

‘શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે’
નાણામંત્રી કનુ દેસાઇએ અગાઉના બજેટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે. રાજ્યની અંદાજે 50 ટકા વસતિ અત્યારે શહેરોમાં વસવાટ કરે છે, જે વર્ષ 2047 સુધીમાં વધીને 75 ટકા સુધી પહોંચી શકે છે. શહેર લોકોના વસવાટ માટે જ નહીં, પરંતું આર્થિક વિકાસનું કેન્દ્ર પણ છે. શહેરોના આયોજનબદ્ધ વિકાસ દ્વારા ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરવા સરકાર દૃઢ છે. સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા અને સુરેન્દ્રનગર-વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતર કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. આ નિર્ણયથી આ શહેરોના વિકાસને ગતિ મળશે અને નાગરિકોની સુખાકારી વધશે. જોકે આજે વિધાનસભા ગૃહમાં વધુ બે નગરપાલિકાને મહામગરપાલિકો દરજ્જો આપવોનો નિર્ણય લેવાયો છે.

‘સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરાશે’
નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરી વિકાસ માટે પાણી, રસ્તાઓ, સુએઝ જેવી માળખાકીય સગવડો સાથે પર્યાવરણની જાળવણી પણ જરૂરી છે. અમારી સરકાર શહેરામાં પ્રદૂષણ નિયંત્રણ અને પ્રાકૃતિક આપદાઓના પડકારો ઝીલી સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં આગળ વધે છે. શહેરોમાં સાંસ્કૃતિક ધરોહર અને લોકોના આમોદપ્રમોદ માટે પણ અગત્યના સ્થાને હોઈ, સાંસ્કૃતિક વારસાને જાળવી રાખી નવતર કામો હાથ ધરવામાં આવશે. સુશાસન થકી શહેરી વ્યવસ્થાપનમાં ટેક્નોલોજીથી પરિવર્તન લાવી ભવિષ્ય માટે સક્ષમ શહેરોની રચના માટે અમારી સરકાર પગલાં લેશે.

3 લાખથી વધારે વસતિ થાય તો મહાનગરપાલિકા બને
કાયદાના પ્રોવિઝન પ્રમાણે 3 લાખથી વધારે વસતિ થાય તેને સરકાર નોટિફિકેશન ઇસ્યુ કરી મહાનગરપાલિકા બનાવી શકે છે, કેટલાક કિસ્સામાં આસપાસનાં ગામ જોડીને પણ મહાનગરપાલિકા બનાવી શકે છે. અત્યારે એન્ટિટી નગરપાલિકા એ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 પ્રમાણે સંચાલિત થતી નગરપાલિકા છે. પંચાયત ધારો 1963ની નીચે ગ્રામપંચાયત હોય છે. જીપીએમસી(ગુજરાત પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન) એક્ટ હેઠળ વહીવટ થાય. પ્રમુખને બદલે મેયર, ચીફ ઓફિસરની જગ્યાએ કમિશનર અને સાથે-સાથે મેયર, ડેપ્યુટી મેયર સહિતની જગ્યાઓ વધે. ચીફ ઓફિસર કક્ષાએ ટેક્નિકલ મહેકમ નથી હોતી, પણ કમિશનરના તાબા હેઠળ ટેક્નિકલ મહેકમ હોય છે, જેથી વહીવટ સારી રીતે થઈ શકે. કોર્પોરેશન થવાથી પ્લાન્ડ ડેવલપમેન્ટ, શહેરોનો વિકાસ અને ગટર-પાણી-રસ્તાની સારી સુવિધા મળે છે.

કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં ટેક્સ વધુ હોય છે
કોર્પોરેશનમાં નગરપાલિકા કરતાં વેરા વધારે હોય છે. આવક માટેના મુખ્ય સ્ત્રોત ઘરવેરો, પાણીવેરો, સફાઈવેરો હોય છે. આ ઉપરાંત ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવી વેચાણપાત્ર પ્લોટનું વેચાણ કરી ટીપી સ્કીમ ડેવલપ કરાય છે. આ સિવાય રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મળે છે. મનપાએ આવી ગ્રાન્ટમાં 30 ટકા જ રકમ રોકવી પડે છે. આમ, 30 ટકા બજેટમાં 100 ટકા કામ થાય છે. અમુક પ્રોજેક્ટમાં તો સરકાર 100 ટકા રકમ આપે છે. આમ, કેટેગરી બદલાય અને કેન્દ્ર તથા રાજ્ય સરકારના લાભ મળતા શરૂ થાય છે. મહેકમ વધે એટલે એનો ખર્ચ પણ વધે. જેટલી મોટી કોર્પોરેશન એટલું મોટું બજેટ. વ્યાપ વધે છે, આવકના સ્ત્રોત વધે છે. કોઈ આઈએએસ ઓફિસર બેસે તો સરકાર સાથે પણ એ પ્રકારનો રેપો હોય છે. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય તો સરકારમાં સીધી રજૂઆત કરી પોતાના પ્રોજેક્ટ મંજૂર કરાવે છે. નુકસાનમાં તો વેરો વધારે ભરવો પડે, કેમ કે બંનેના ક્રાઈટેરિયા અલગ છે. ફાયદો એ છે કે સારી સુવિધા મળે, જુદા જુદા રિઝર્વેશનને કારણે સુવિધા સારી મળે. મોટાં શહેરોમાં પહોળા રસ્તા, તમામ સુવિધા અને ગામતળ વિસ્તારમાં પણ લાઈનદોરીમાં લઈ કઈ રીતે સારી સુવિધા આપી શકાય એવા પ્રયાસ કોર્પોરેશન કરે છે.

કોર્પોરેશન બનાવવા પાછળ ખર્ચ થાય?
કોર્પોરેશન બનાવવા ખર્ચ નથી હોતો. સરકાર મંજૂરી આપે, એરિયા નોટિફાય કરે અને જીપીએમસી એક્ટ નીચે જાહેરાત થાય. એ જ પ્રમાણે બીજા બધા તંત્રમાં પણ મહાનગરને જે લાભ મળે, જેમ કે રીજનલ ઓફિસ ખોલવી, ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી વગેરે જેવી સુવિધા મળે. આમ, કોર્પોરેશન બનાવવાથી નાગરિકોને સુવિધા વધારે મળે છે. વેરામાંથી મુક્તિ આપવાનો કોઈ નિયમ નથી, પણ વધારો ન કરવો હોય તો ન કરે. આ સાથે અમુક રાહત આપે, જેમ કે ઈન્ડસ્ટ્રી અને કોમર્શિયલમાં વેરો વધારો કરી શકે અને રહેણાક, ભાડૂઆતના વેરા ઓછા રાખે. નીતિ બનાવવાની સત્તા છે. કોર્પોરેશન પાસે પાવર વધારે હોય છે એટલે ઝડપી નિર્ણય લેવાય છે.

પ્રતીકાત્મક તસવીર.

નગરપાલિકા કરતાં મનપા પાસે વધારે પાવર
નગરપાલિકા અને કોર્પોરેશન પાસે અધિકાર છે અને જો પાવર ન હોય તો વહીવટ અઘરો થઈ જાય. પહેલા માગણું રજૂ કરવામાં આવે, જેમાં બીજો વધારાનો ચાર્જ ન હોય એ પછી નોટિસ આપવામાં આવે. તેમ છતાં વેરા નથી ભરતા તો વ્યાજ શરૂ થાય. તેમ છતાં જો ડિફોલ્ટર થાય તો મિલકત સીલ કરવામાં આવે છે. એ પછી પણ જો વેરો ન ભરે તો રેવન્યુ રાહે વસૂલાત, એટલે કે કલેક્ટરને દરખાસ્ત મોકલી મામલતદારની રૂબરૂમાં મિલકતની હરાજી કરી વેરો વસૂલ કરવામાં આવે છે એટલો પાવર કોર્પોરેશન પાસે હોય છે. છેલ્લે, રેડ કોર્નર નોટિસ આપે. દરેક નગરપાલિકા કે મનપા ક્રાઈટેરિયા આધારે વેરો અને વ્યાજ ગણતા હોય છે. કોર્પોરેશન અને નગરપાલિકામાં કાયદાકીય પ્રોવિઝન ઘણા સરખા છે, પણ કોર્પોરેશન પાસે થોડા વધારે પાવર છે.


Spread the love

Related posts

SVPI Airport:એક કલાકમાં 13 હજાર સ્ક્વેર ફીટને કરશે ચોખ્ખુ,SVPI એરપોર્ટ પર ઈન્ટેલિજન્ટ ક્લિનિંગ રોબોટ તહેનાત

Team News Updates

જુનાગઢ બિલ્ડિંગ ધરાશાયી કેસ:એક મહિના પહેલા બિલ્ડિંગ પડવાથી બે બાળક અને પિતાનું મૃત્યુ થતા પત્નીએ પણ આપઘાત કર્યો હતો, ન્યાય માટે પરિવારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા

Team News Updates

પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણવાનુ આયોજન કરી રહ્યા છો? અમદાવાદ એરપોર્ટથી આ સ્થળો માટે સીધી ફ્લાઈટ! જાણો

Team News Updates