માર્ચ મહિનાને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી સંસ્થા દ્વારા વર્ષ 2024-25નાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પણ ચેરમેન જયેશ બોઘરાનાં અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુલ રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ બજેટમાં રાજકોટ યાર્ડમાં પેટ્રોલ પંપ, ઓર્ગેનિક વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કરવા તેમજ સોલાર ઈન્સ્ટોલેશન ડ્રેનેજ લાઈન, સિમેન્ટ રોડ, ડામર રોડ, મેદાનમાં પેવિંગ બ્લોક સહિતના વિકાસકામોને લીલીઝંડી આપવામાં આવી હતી.
જણસીઓનું ગ્રેડિંગ કરવા મશીનની ખરીદી કરાશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં સેક્રેટરી બી. આર. તેજાણીએ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બોઘરાના અધ્યક્ષસ્થાને મળેલી બજેટ બોર્ડ મિટિંગમાં રૂ.34.92 કરોડનું બજેટ મંજૂર કરાયું હતું. આગામી નાણાકીય વર્ષના બજેટમાં યાર્ડના સંકુલમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો પેટ્રોલ પંપ બનાવવા તેમજ વિવિધ જણસીઓનું ગ્રેડિંગ થઇ શકે તે માટે ગ્રેડિંગ મશીન ખરીદવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.
દરેક દુકાને નળ કનેકશન અપાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, માર્કેટ યાર્ડમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરવા, નવા સિમેન્ટ રોડ બનાવવા, નવા ડામર રોડ બનાવવા, પાણીની નવી લાઈન નાખવા અને દરેક દુકાને નળ કનેકશન આપવા સહિત ડ્રેનેજની નવી લાઈન નાખવા તેમજ દરેક દુકાને ડ્રેનેજ કનેક્શન આપવા, નવા પ્લેટફોર્મ બનાવવા, શાકભાજી વિભાગમાં વેજીટેબલ વેસ્ટમાંથી ખાતર બનાવવા માટે ઓર્ગેનિક વેસ્ટનો પ્લાન્ટ નાખવા સહિતના કામો પણ મંજૂર કરવામાં આવ્યા છે. આ તમામ કામો મંજૂર થવાથી યાર્ડમાં પોતાની જણસી વેચવા આવતા ખેડૂતોને મોટો લાભ મળશે.
સંકુલમાં જ પેટ્રોલપંપ ઉભો કરવાની દરખાસ્ત મંજૂર
ઉલ્લેખનીય છે કે, રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં રોડ-રસ્તા ઠેર-ઠેર તૂટી ગયા છે. જેને લઈ ઘણીવાર વાહનમાં રહેલ જણસી રસ્તા ઉપર વેરાતી હોય છે. તેમજ દૂર-દૂરથી આવતા ખેડૂતોને વાહનમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે દૂર જવું પડે છે. જેને ધ્યાનમાં રાખીને ખાસ રોડ-રસ્તા તેમજ યાર્ડ સંકુલમાં જ એક પેટ્રોલપંપ ઉભો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. શાકભાજીનાં વિભાગમાં થતા વેજીટેબલ વેસ્ટનો ઉપયોગ કરી તેમાંથી ખાતર બનાવવાની મહત્વની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.