ઇ.વી.એમ, વી.વી.પેટ, મોકપોલ, વેબકાસ્ટીંગ સહિતની કામગીરી વિષે વિસ્તૃત સમજણ અપાઈ
RAJKOT, તા.૨૯ માર્ચ – રાજકોટ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આગામી ૭ મેના રોજ મતદાન યોજાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સુચારૂરૂપે પરિપૂર્ણ કરી શકાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ વિવિધ મતવિસ્તારમાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલ સ્ટાફને તાલીમ આપવામાં આવી રહી છે. જે અંતર્ગત પી.ડી. માલવીયા કોલેજ ખાતે ૭૦ રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારનાં લગભગ ૪૦૨ જેટલા પ્રીસાઈડિંગ ઓફિસરોને બે તબક્કામાં માસ્ટર ટ્રેનર શ્રી અરૂણભાઇ દવે દ્વારા ઇ.વી.એમ, વી.વી.પેટ, પોસ્ટલ બેલેટ તેમજ બૂથ લેવલ સહિત સમગ્ર ચૂંટણી કામગીરી વિષે તાલીમ આપવામાં આવી હતી.
તાલીમમાં સૌપ્રથમ પ્રિસાઈડીંગ ઓફિસરોએ ભારતના ચૂંટણી પંચ દ્વારા નિર્મિત પ્રિ-ટેસ્ટ આપી હતી. પ્રિસાઈડીંગ ઓફિસરોને મતદાનના દિવસે બજાવવાની થતી ફરજ કે જેમાં મોકપોલ, વેબકાસ્ટીંગ જેવી કામગીરી માટે રાખવાની તકેદારીઓ વગેરે અંગે રાજકોટ દક્ષિણ વિધાનસભા મતવિસ્તારનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ડો. સી.એમ.પરમાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત, મામલતદારશ્રી જે.વી.કાકડીયાએ મતદાનના આગલા દિવસે કરવાની થતી પૂર્વતૈયારી અને મતદાનના દિવસે કરવાની થતી તમામ વહીવટી પ્રક્રિયાઓ વિષે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને ઈ.વી.એમ. મશીનના નિદર્શન સાથે આઇ.ટી.આઈ.ના કર્મચારીઓ દ્વારા પ્રેક્ટીકલ તાલીમ અને વોટર હેલ્પલાઇન થકી કામગીરી વિશે પણ સમજણ આપવામાં આવી હતી.
(સંકલન: દિવ્ય જોશી,માહિતી સહાયક-રાજકોટ)