વડોદરામાં ફરી એકવાર પોલીસથી બચવા માટે બુટલેગરે દારૂની હેરાફેરી માટે અનોખો નુસ્કો અપનાવ્યો હતો, પરંતુ PCB ની ટીમે તેનો પર્દાફાશ કર્યો છે. પીસીબીની ટીમે બાતમીના આધારે વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રેડ કરી હતી. જેમાં કાર સાથે બે લોકો મળી આવ્યા હતાં. કારમાં દારૂની તપાસ કરતા બુટલેગરે કારના એન્જિન અને બોડી પાર્ટ્સમાંથી એક પછી એક દારૂની બોટલો કાઢવાનું શરૂ કર્યું હતું. જેથી PBC ની ટીમ આશ્ચર્યમાં મુકાઇ હતી. પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.
વડોદરા પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલને ચોક્કસ બાતમી મળી હતી કે, વડોદરાના કરોડિયા રોડ પર રહેતો મોહનસિંગ રણવિરસિંગ શેખાવત કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરે છે. રામા કાકાની ડેરી સામે ખેતર પાસે ખુલ્લી જગ્યામાં મોહનસિંગ શેખાવત અને તેનો માણસ ચિરાગ ઉર્ફે વિષ્ણું રાવળ ગાડીમાંથી દારૂનો જથ્થો કાઢીને પ્લાસ્ટીકની થેલીઓમાં સગેવગે કરનાવા છે. આ બાતમીની આધારે પીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
પોલીસે સ્થળ પર પહોંચીને એક કાર જપ્ત કરી હતી અને દારૂ છુપાવવા અંગે બુટલેગરની પૂછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન તેણે એસયુવી કારના એન્જિન તથા વિવિધ બોડી પાર્ટસમાં છુપાવેલી વિદેશી દારૂની બોટલો એક પછી એક કાઢવાનું શરૂ કર્યું હતું. આ જોતા પીસીબીની ટીમ આશ્ચર્યમાં મુકાઈ ગઇ હતી. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી અને જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે છાણી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પીસીબીની ટીમે રૂ. 1.37 લાખની વ્હીસ્કી અને બિયર સહિત કુલ મળી રૂ. 7.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પીસીબીની ટીમે આરોપી મોહનસિંગ રણવીરસિંગ શેખાવત (રહે. અમરનાથ ટેનામેન્ટ, કરોડિયા-બાજવા રોડ, વડોદરા) અને ચિરાગ ઉર્ફે વિષ્ણુ શૈલેષભાઇ રાવળ (રહે. વ્રજભૂમી સોસાયટી, લક્ષ્મીપુરા રોડ, ગોરવા, વડોદરા) સામે ફરિયાદ દાખલ કરી છે. જ્યારે સોની (રહે. રાણાપુર, જાંબુઆ, મધ્યપ્રદેશ)ને વોન્ટેડ જાહેર કર્યો છે. મોહનસિંગ સામે 12 પોલીસ મથકમાં ગુના નોંધાઇ ચુક્યા છે. જે પૈકી મોટા ભાગના પ્રોહિબિશનના છે.