ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ ઘણા વર્ષોથી ગાય આધારીત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર અને જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ ખોરાક આપવાના એકમાત્ર ઉદ્દેશ્ય સાથે કુદરતી ખેતીમાં અન્ય ખેડૂતોને સામેલ કરવા પ્રેરિત કરે છે. રવજીભાઈ એક ટ્રેનર પણ છે અને યુવા ખેડૂતોને તાલીમ આપવા અને પ્રાકૃતિક ખેતી વિશેની ગેરસમજ દૂર કરવા માટે તેમના વિસ્તારમાં આવતા ગામોની અવારનવાર મુલાકાત લે છે.
રવજીભાઈ ખેડૂત પરિવારમાંથી આવે છે અને નિવૃત્તિ પછી ખેતીમાં જોતરાયા છે. વાઘોડિયાના અલવા ગામમાં 11.5 વીઘા જમીનમાં છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. લોકોને પણ આ પ્રકારની ખેતી તરફ વાળવા તાલીમ આપે છે. રાજ્ય સરકારના ATMA પ્રોજેક્ટ હેઠળ ગાય આધારિત કુદરતી ખેતીમાં પણ તેમને સહાય મળી છે.
રવજીભાઈએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું 17 વર્ષ સુધી ટેરિટોરિયલ આર્મીના (TA) આગ્રાના યુનિટમાં સેવા આપી વર્ષ 2014માં નિવૃત્ત થઈ ખેતી તરફ વળ્યો છું. હું ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યો જેનાથી ખેતી ખર્ચમાં તો ઘટાડો થયો પણ દર વર્ષે મને વધુ ઉત્પાદન પણ મળવવાનું શરૂ થયું. શરૂઆતમાં મેં કેરીની ખેતી કરવાનું નક્કી કર્યું કારણ કે આ વિસ્તારમાં કોઈ આવી ખેતી કરતું ન હતું. મારી 5 વીઘા જમીનમાં 5 પ્રકારની કેરીની ખેતી કરી છે. જેમાં મોંઘી મિયાઝાકી જાતનો સમાવેશ થાય છે. કેરી સિવાય સાપોડિલા (ચીકુ), લીંબુ અને જામફળની ખેતી કરી છે. આ ઉપરાંત 6.5 વીઘા જમીનમાં ડાંગર અને ઘઉં થતા અન્ય ખેતીમાંથી વર્ષે 6 લાખ જેટલી કમાણી કરું છું. આ વર્ષે હળદર, આદુ અને દાળ (અરહર) ઉગાડવાનું આયોજન કર્યું છે.
રવજીભાઈ કહે છે કે, ખેતરમાં તેમની જરૂરિયાતો માટે ટકાઉ વ્યવસ્થાઓ ઉભી કરી છે. વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે 5 હોર્સ પાવરની સોલાર પેનલ લગાવવા સાથે વોટર સોફ્ટનર પણ લગાવ્યું છે. મારી પાસે ત્રણ ગાય છે જે તેને છાણ, મૂત્ર અને ખાતર બનાવવા માટેની અન્ય સામગ્રી પૂરી પાડે છે. આ ઉપરાંત પાકને પાણી આપવા માટે ટપક સિંચાઈનો ઉપયોગ કરું છું. રવજીભાઈએ તેમના વિસ્તારમાં કુદરતી ખેતી દ્વારા કેરીની ખેતી કરવાનો સફળ પ્રયાસ કર્યો જેનો આર્થિક લાભ તેમને મળ્યો છે. એટલું જ નહીં આ પંથકના અન્ય ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ ફેલાવવા કામ એક ટ્રેનર તરીકે તેઓ કરી રહ્યા છે.
રવજીભાઈ ખેડૂતોને ગાય આધારિત કુદરતી ખેતીના ફાયદા અને સ્વસ્થ જીવન માટે સ્વસ્થ આહારના મહત્વ વિશે જાગૃત કરવા માટે સેમિનાર અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવા સાથે સખી મંડળોને પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ આપવાનું પણ શરૂ કર્યુ છે. FPOમાં ડિરેક્ટર તરીકે તેઓ વડોદરામાં પ્રાકૃતિક ખેત પેદાશ ખરીદ વેચાણ કેન્દ્ર દ્વારા ખેડૂતોને તેમના પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો સીધા જ લોકોને વેચવામાં મદદરૂપ બની રહ્યા છે.