રાજકોટમાં છાત્રાઓએ મતદાન કરવાનો સચોટ સંદેશો પાઠવતી નાટ્યાત્મક કૃતિ રજૂ કરી
રાજકોટ, ૨૯ માર્ચ – ભારતના ચૂંટણી આયોગે લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ની જાહેરાત કરતાની સાથે રાજકોટ જિલ્લામાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષી તથા અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન. કે. મુછારના માર્ગદર્શનમાં લોકશાહીના પર્વ ચૂંટણીમાં મહત્તમ મતદારોને સહભાગી બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. જેના પગલે ઠેર-ઠેર જાગૃતિ કાર્યક્રમ, સેલ્ફી પોઇન્ટ, કોલેજ કેમ્પસ એમ્બેસેડર, ફ્લેશ મોબ, વિવિધ સ્પર્ધાઓ, પોસ્ટર-પેમ્ફલેટનું વિતરણ, સ્ટીકર-બેનર લગાવવા સહિતની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ એક પ્રયોગરૂપે શાળાની વિદ્યાર્થીનીઓએ મતદાન કરવાનો સચોટ સંદેશો પાઠવતી કૃતિ રજૂ કરી હતી.
રાજકોટ અધિક જિલ્લા કલેક્ટર અને નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના દિશાનિર્દેશ મુજબ સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) અભિયાન અંતર્ગત ચુનાવી પાઠશાળા પ્રવૃત્તિ હેઠળ સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ મતદાનની અગત્યતા દર્શાવતી નાટ્યાત્મક કૃતિ રજૂ કરી હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ બી.એલ.ઓ. (બુથ લેવલ ઓફિસર), મતદાતા સહિતના પાત્રોની ભૂમિકા ભજવી હતી. તેમજ કોલેજની પરીક્ષા હોય કે ઘરનું કામ હોય, આવી તમામ બાબતોની પહેલા મતદાન કરવાના કાર્યને પ્રાથમિકતા આપવા પર ભાર મૂક્યો હતો. સાથેસાથે “મતદાન કરીને જરૂર દેશભક્તિ અદા કરવી જોઈએ. હું અચૂક મતદાન કરીશ.” – કહીને મતાધિકારનો ઉપયોગ કરવાનો પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો. એટલું જ નહીં, મતદાર કાર્ડ ઉપરાંત આધાર કાર્ડથી પણ મત આપી શકાય છે, આ બાબતને નાટકમાં વણી લઈને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. આ તકે અન્ય વિદ્યાર્થિનીઓએ પણ મતદાન કરવાનો ઉત્સાહ દર્શાવ્યો હતો.
આ કાર્યક્રમ માટે આચાર્યશ્રી ડો. સોનલબેન ફળદુ, શ્રી મિતલબેન ભુવા, શ્રી સમીરભાઈ પાઠક, શ્રી ધ્રુતીબેન, શ્રી હિમાબેન, શ્રી અમૃતભાઈ, શ્રી ભાનુબેન સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આમ, મતદાન જાગૃતિ અભિયાનમાં છાત્રાઓએ ભાગ લઈ પોતાનું યોગદાન આપ્યું હતું.
(સંકલન: માર્ગી મહેતા,માહિતી સહાયક-રાજકોટ)