આ વર્ષે ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહુર્ત છે. આજે લગ્નનું મુહુર્ત છે ત્યારે હવે 21, 26 અને 28 એપ્રિલના લગ્નનું મુહૂર્ત છે. બાદમાં ગુરુ-શુક્રના અસ્તને કારણે આગામી 2 માસ સુધી લગ્નનું એક પણ મુહૂર્ત નથી. જેથી આ 4 દિવસો દરમિયાન રાજકોટમાં 1,600થી વધુ લગ્ન થવાના છે. બાદમાં જુલાઇ માસમાં વરસાદી સીઝનમાં લગ્નનાં 6 મુહૂર્ત છે. જે પછી પણ ત્રણ માસ સુધી લગ્નના મુહૂર્ત ન હોવાથી લગ્ન માટે હોલ, પાર્ટી પ્લોટ બુકિંગમાં વેઇટિંગની અસર પણ જોવા મળે તેવું લાગી રહ્યું છે.
રાજકોટમાં જ્યોતિષાચાર્ય શાસ્ત્રી રાજદીપ જોષીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે 14 એપ્રિલ આસપાસ મિનરલ કમુરતા પૂર્ણ થાય છે અને ચૈત્ર માસમાં 4થી 5 મુહૂર્ત હોય જ છે. તે રીતે આ વખતે પણ 18, 21, 26 અને 28 એપ્રિલના લગ્નના મુહૂર્ત છે. પરંતુ બાદમાં મે અને જૂન માસમાં ગુરુ-શુક્રનો અસ્ત છે. પંચાંગ, જ્યોતિષ અને શાસ્ત્રના નિયમ પ્રમાણે ગુરુ-શુક્રનો અસ્ત હોય તો લગ્ન થઈ શકતા નથી. જેથી આગામી 2 માસ લગ્નના એક પણ મુહૂર્ત નથી. જેને કારણે ઓછા દિવસોમાં વધુ લગ્ન થતાં જોવા મળશે. લગ્નના મુહૂર્ત ન હોવાથી લોકોને પણ લગ્નનો હોલ કે પાર્ટી પ્લોટ શોધવામાં મુશ્કેલી પડી છે.
સામાન્ય રીતે ઉનાળામાં લગ્નના 35થી 40 મુહૂર્ત હોય છે પરંતુ આ વર્ષે ઉનાળામાં લગ્નના માત્ર 4 મુહૂર્ત જ છે. જે દરમિયાન 4 દિવસમાં રાજકોટમાં અંદાજે 1,500 થી 1,700 જેટલા લગ્ન થવાના છે. જે બાદ ગુરુ – શુક્રનો અસ્ત પૂર્ણ થયા પછી જુલાઈમાં પણ લગ્નના 6 જ મુહૂર્ત છે. કારણ કે દેવ પોઢી જાય એટલે લગ્ન થઈ શકતા નથી. 17 જુલાઈના દેવપોઢી એકાદશી છે. જે બાદ લગ્નના મુહૂર્ત નથી. જેથી બાદમાં દિવાળી પછી જ લગ્નના મુહૂર્ત આવશે. જેને કારણે લોકોએ મુહૂર્ત સાચવવા ઉનાળા દરમિયાન એપ્રિલ માસના ઉપરોક્ત 4 દિવસો દરમિયાન જ લગ્ન ગોઠવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
જુલાઈ માસમાં 9, 11, 12, 13, 14 અને 15 એમ 6 જ લગ્નના મુહુર્ત છે. જે બાદ પણ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં લગ્નના મુહૂર્ત નથી. દિવાળી વખતે નવેમ્બરમાં 17, 22, 23, 25 અને 26 તો ડિસેમ્બર માસમાં 3, 5, 6, 7 અને 14 તારીખના લગ્નના મુહૂર્ત છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે 10 મે ના અખાત્રીજ છે, પરંતું ત્યારે જ લગ્નનના મુહૂર્ત નથી. સામાન્ય રીતે અખાત્રીજનો દિવસ લગ્ન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ આ વર્ષે અખાત્રીજના દિવસે લગ્નના મુહૂર્ત નહીં હોવાથી લગ્ન નહીં થઈ શકે. ઉનાળામાં લગ્નના ઓછા મુહુર્તથી લગ્ન કરવા માંગતા યુવક-યુવતીઓને વિઘ્ન આવશે. જેથી અમુક લગ્નો પાછા પણ ઠેલાયા હોવાનુ જાણવા મળી રહ્યું છે.