રાજકોટ મનપા દ્વારા ગંદકી કરતા લોકોને દંડ ફટકારવા તેમજ દુકાનોને સીલ કરવા સહિતના આકરા પગલાં લેવાઈ રહ્યા છે. તો બીજી તરફ મ્યુ. કમિશનર દ્વારા સફાઈ કામદારોને પ્રોત્સાહન આપવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સફાઈની કામગીરી સારી રીતે કરતા કર્મચારીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત કમિશ્નરે 40 બેસ્ટ સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપ્યા હતા અને કહ્યું કે, આપ જે કામગીરી કરી રહ્યા છો તેના થકી શહેર ઉજળું છે.
મળતી માહિતી અનુસાર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના ત્રણેય ઝોનના 18 વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ કામદારોની એપ્રિલ-2024ની સારી કામગીરીને ધ્યામાં રાખીને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. જેમાં દરેક વોર્ડમાંથી 1 સ્ત્રી અને 1 પુરુષ એમ કુલ 36 સફાઈ કામદાર તેમજ રાત્રિ અને ડ્રેનેજ સફાઈના 2-2 મળીને કુલ 40 સફાઈ કામદારોની સારી કામગીરી કરવા બદલ બેસ્ટ સફાઈ કામદાર તરીકે પસંદગી કરાઈ હતી. એટલું જ નહીં મ્યુ. કમિશનર આનંદ પટેલના હસ્તે આ તમામ બેસ્ટ સફાઈ કામદારોને પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.
આ તકે મ્યુ. કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે, આપ સૌ સફાઈ કામદારો જે કામગીરી કરી રહ્યા છો તેના થકી રાજકોટ શહેર ઉજળું છે અને આપની કામગીરી થકી રાજકોટ મહાનગરપાલિકા પણ ઉજળું છે. ભવિષ્યમાં પણ રાજકોટ શહેરને ખુબ સારું ચોખ્ખું બનાવવા માટે આપણે સૌ સાથે મળીને શહેરને પોતાના ઘરની જેમ ચોખ્ખું રાખીશુ. તેમજ અન્ય નાગરિકોને પણ જાહેરમાં ગંદકી નહીં કરવા પ્રેરણા આપીશુ. આપણા શહેરમાં બહારગામથી આવતા લોકો આપણા મહેમાન કહેવાય તેઓ પણ આપણી સ્વચ્છતાની કામગીરીની નોંધ લે છે. ત્યારે શહેરને સ્વચ્છ રાખવું તે આપણી જવાબદારી છે અને આ જવાબદારી આપ સારી રીતે નિભાવી રહ્યા છો.