ફિલ્મ ‘ટાઈટેનિક’માં કેપ્ટન એડવર્ડ સ્મિથની ભૂમિકા ભજવનાર અભિનેતા બર્નાર્ડ હિલનું નિધન થયું છે. જો કે, બર્નાર્ડના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. BBCના જણાવ્યા અનુસાર, અભિનેતાના એજન્ટ લૂ કોલસને પુષ્ટિ કરી કે તેમનું મૃત્યુ 5 મે, રવિવારની સવારે થયું હતું. તેમની અંતિમ ક્ષણોમાં તેની સાથે તેમની મંગેતર એલિસન હાજર હતી.
11 ઓસ્કર જીતનાર બે ફિલ્મોમાં અભિનય કરનાર બર્નાર્ડ એકમાત્ર ફિલ્મ સ્ટાર હતો. તેણે 1997માં રિલીઝ થયેલી ‘ટાઈટેનિક’ અને 2003માં રિલીઝ થયેલી ‘લોર્ડ ઑફ ધ રિંગ્સ’માં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ બંને ફિલ્મોએ 11-11 ઓસ્કર એવોર્ડ જીત્યા હતા.
અભિનેતાના નિધન પર તેની કો-સ્ટાર અભિનેત્રી બાર્બરા ડિક્સને તેમને યાદ કર્યા છે. અભિનેત્રીએ ટ્વીટમાં લખ્યું છે કે, ‘ખૂબ જ દુખ સાથે તમને જણાવું છું કે બર્નાર્ડ હિલનું નિધન થયું છે. અમે 1974માં વિલી રસેલના શો ‘જ્હોન પોલ જ્યોર્જ રિંગો એન્ડ બર્ટ’માં સાથે કામ કર્યું હતું. તે એક અદ્ભુત અભિનેતા હતા. તેમની સાથે મળવું અને કામ કરવું સન્માનની વાત હતી. ભગવાન તમારી આત્માને શાંતિ આપે.
‘ટાઈટેનિક’ અને ‘લોર્ડ ઓફ ધ રિંગ્સ’ સિવાય, હિલે તેની કારકિર્દીમાં ‘ગાંધી’ અને ‘ધ સ્કોર્પિયન કિંગ’ સહિત ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની 50 વર્ષની અભિનય કારકિર્દીમાં, ફિલ્મો સિવાય, હિલે ટીવી સિરિયલો અને થિયેટરમાં પણ કામ કર્યું હતું.