News Updates
ENTERTAINMENT

IPLનું ગણિત, ગુજરાત પ્લેઓફથી એક જીત દૂર:4 પોઝિશન માટે 10 ટીમ રેસમાં; KKR-SRH-DCએ તમામ મેચ જરૂરી

Spread the love

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં લીગ તબક્કાની 52 મેચ પૂરી થયા બાદ પણ કોઈ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકી નથી. તે જ સમયે, 10 ટીમમાંથી એક પણ ટીમ અત્યાર સુધી રેસમાંથી બહાર થઈ નથી. લીગની તમામ ટીમે 10થી વધુ મેચ રમી છે.

લીગ તબક્કામાં 18 મેચ બાકી છે. આ મેચ ટીમની પ્લેઓફ ક્વોલિફિકેશનને કન્ફર્મ કરશે. આગળની કહાનીમાં, આપણે તમામ ટીમનું પોઈન્ટ ટેબલમાં સ્થાન જોઈશું, તેમજ પ્લેઓફમાં પહોંચવા માટે કેટલી મેચ જીતવી પડશે તે પણ જાણીશું.

કેટલી મેચ જીત્યા પછી ટીમ ક્વોલિફાય થશે?
આઈપીએલમાં ગત સિઝનથી 10 ટીમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એક ટીમ લીગ તબક્કામાં વધુમાં વધુ 14 મેચ જ રમશે. જે ટીમ 16થી વધુ પોઈન્ટ મેળવે છે તે ક્વોલિફાય થશે. આ સાથે જ 14થી ઓછા પોઈન્ટ ધરાવતી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

ગુજરાત જીત સાથે પ્લેઓફમાં પહોંચી જશે
ગુજરાત ટાઇટન્સે રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સને તેના હોમ ગ્રાઉન્ડ પર 56 રનથી હરાવ્યું હતું. ટીમે 11 મેચમાં તેની 8મી જીત નોંધાવી છે અને હાલમાં તે 16 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચ પર છે. ટીમ પ્લેઓફમાં પહોંચશે તે લગભગ નિશ્ચિત છે, જો કે હજુ સુધી તે કન્ફર્મ થયું નથી. ટાઇટન્સની 3 મેચ બાકી છે, જે મુંબઈ, હૈદરાબાદ અને બેંગલુરુ સામે થશે. જો ટીમ આમાંથી એક પણ મેચ જીતે છે તો તે 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં જગ્યા બનાવી લેશે. ત્રણેય મેચ હારવાના કિસ્સામાં તેણે અન્ય ટીમ્સના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બીજી તરફ તમામ મેચ જીતીને ટીમ નંબર વન પર રહીને ક્વોલિફાયર-1માં પહોંચી શકે છે.

LSGએ તમામ મેચ જીતવી આવશ્યક છે
ગુજરાત સામે 56 રનથી હાર્યા બાદ લખનઉ સુપરજાયન્ટ્સના 11 મેચમાં 11 પોઈન્ટ છે. ટીમે 5 મેચ જીતી હતી, જ્યારે ચેન્નાઈ સામેની એક મેચ પરિણામ વગરની રહી હતી. આવી સ્થિતિમાં ટીમ ચેન્નાઈ પછી ત્રીજા નંબર પર છે.

લખનઉમાં હૈદરાબાદ, મુંબઈ અને કોલકાતા સામે 3 મેચ રમાશે. ત્રણેય મેચ જીતવા પર ટીમ 17 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ જશે. એક મેચ પણ હારવાથી ટીમે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. સાથે જ જો ટીમ 2 કે તેથી વધુ મેચ હારે છે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

6 મેચમાં 5 હારથી રાજસ્થાનનું ગણિત બગાડ્યું
હૈદરાબાદ સામે રવિવારે રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાનનો 4 વિકેટે પરાજય થયો હતો. જેના કારણે ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશાને ફટકો પડ્યો છે. ટીમે 5માંથી 4 મેચ જીતીને ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેમને છેલ્લી 6 મેચમાંથી 5માં હારનો સામનો કરવો પડ્યો હતો.

રોયલ્સની કોલકાતા, બેંગ્લોરુ અને પંજાબ સામે 3 મેચ બાકી છે. જો તે ત્રણેય મેચ જીતી જશે તો ટીમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવાની આશા જાળવી રાખશે, પરંતુ આ માટે તેણે પોતાનો રન રેટ બાકીની ટીમ કરતા સારો રાખવો પડશે. મેચ હાર્યા બાદ ટીમે રન રેટની સાથે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. સાથે જ જો ટીમ 2 કે તેથી વધુ મેચ હારે છે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

રોમાંચક જીત બાદ હૈદરાબાદની આશા જીવંત
રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને જીત મેળવી હતી. આ જીત બાદ, ટીમ 10 મેચમાં 4 જીત અને 8 પોઈન્ટ સાથે દિલ્હીથી એક સ્થાન ઉપર પોઈન્ટ ટેબલમાં 9માં નંબર પર પહોંચી ગઈ છે.

સનરાઇઝર્સ લખનઉ, ગુજરાત, બેંગ્લોરુ અને મુંબઈ સામે 4 મેચ રમશે. ચારેય મેચ જીતવા અને બાકીની ટીમ કરતા સારો રન રેટ રાખવાથી ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા જળવાઈ રહેશે. મેચ હારવા પર ટીમે રન રેટની સાથે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

કોલકાતાએ પણ તમામ મેચ જીતવી પડશે
IPLમાં આજે લીગ તબક્કાની 53મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાશે. કોલકાતા હાલમાં 10 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં હૈદરાબાદની ઉપર 8માં નંબરે છે.

પંજાબને વધુ સારા રન રેટથી હરાવીને ટીમ રાજસ્થાનને પછાડી ચોથા નંબર પર પહોંચી શકે છે. પંજાબ ઉપરાંત ટીમની રાજસ્થાન, ચેન્નાઈ અને લખનઉ સામે પણ 3 મેચ છે. તમામ મેચ જીતીને અને સારો રન રેટ રાખીને, ટીમ 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ શકે છે.

પંજાબ તમામ મેચ જીતીને સીધી ક્વોલિફાય કરી શકે છે
પંજાબ કિંગ્સ આજે કોલકાતા સામે ટકરાશે. ટીમ અત્યારે 10 મેચમાં 5 જીત અને 5 હાર બાદ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7માં નંબર પર છે. આજની મેચ મોટા અંતરથી જીતીને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી શકે છે.

કોલકાતા બાદ ટીમની 3 મેચ બાકી છે. આમાં તેણે એક વખત રાજસ્થાન સામે અને બે વખત દિલ્હી સામે રમવાનું છે. જો ટીમ તમામ 4 મેચ જીતી જાય છે તો તે 18 પોઈન્ટ સાથે સીધી ક્વોલિફાઈ થઈ જશે. મેચ હારવા પર ટીમે તેનો રન રેટ બાકીની ટીમ કરતા સારો રાખવો પડશે.

પંજાબ 2 મેચ હાર્યા પછી પણ ક્વોલિફાય કરી શકે છે, પરંતુ તેણે પોતાનો રન રેટ સારો રાખવાની સાથે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.

મુંબઈ-બેંગ્લોરની સ્થિતિ પણ આવી જ છે
6 ટીમ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ પણ પ્લેઓફની રેસમાં છે.

  • ચેન્નાઈ 11 મેચમાં 13 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. તેની 3 મેચ બાકી છે, ટીમ 2 મેચ જીતતાની સાથે જ ક્વોલિફાય થઈ જશે. જો ટીમ ત્રણેય હારશે તો ટીમ બહાર થઈ જશે, જ્યારે માત્ર એક જ મેચ જીતવાથી ટીમે અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
  • બેંગ્લોર અને મુંબઈ 10 મેચમાં 5 જીત અને 5 હાર બાદ 10 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા અને છઠ્ઠા સ્થાને છે. બંનેની સ્થિતિ પંજાબ જેવી છે. બધી મેચ જીતવા પર સીધી ક્વોલિફાય, એક મેચ હારવા પર સારો રન રેટ. 2 મેચ હારવી એ અન્ય ટીમના પરિણામો પર નિર્ભર રહેશે, જ્યારે 3 કે તેથી વધુ મેચ હારવાથી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
  • દિલ્હી 10 મેચમાં 4 જીત બાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટીમની સ્થિતિ હૈદરાબાદ અને કોલકાતા જેવી છે. જો ટીમ બધી મેચ જીતે છે અને બાકીની ટીમ કરતા સારો રન રેટ ધરાવે છે તો તે ક્વોલિફાય થશે. જો ટીમ એક મેચ હારી જશે તો ટીમે બાકીના પરિણામો જોવા પડશે, જ્યારે 2 કે તેથી વધુ મેચ હારશે તો ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

Spread the love

Related posts

કોટન સાડીમાં મૌની રોયનો કિલર લુક, તસવીરો જોઈને ફેન્સ થયા દિવાના

Team News Updates

આ ગીત સાંભળીને સ્ટુડિયોમાં બધા રડી પડ્યા’,ઈમ્તિયાઝે કહ્યું, ‘ઈર્શાદે માત્ર 45 મિનિટમાં ગીત લખ્યું હતું,’મેનુ વિદા કરો’ રાત્રે 2:30 વાગ્યે કંપોઝ કરવામાં આવ્યું હતું

Team News Updates

રવિન્દ્ર જાડેજાને ટક્કર મારવા આવી રહ્યો છે તેના જ ગામનો ક્રિકેટર, રણજી ટ્રોફીમાં 1-2 નહિ પરંતુ 10 વિકેટ લીધી

Team News Updates