ગાંધીનગર કર્મયોગી ભવનના બ્લોક-2માં પ્રથમ માળે આગ લાગવાની ઘટના બની હતી. ગૌણ સેવા પસંદગી બોર્ડની ઓફિસમાં આગ લાગતા અફરાતફરી મચી હતી. ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ ઘટનાને પગલે બહાર નીકળી ગયા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, સ્ટ્રોંગ રૂમમાં કોઈ તકલીફ નથી, પેપર વગેરે સલામત છે. જે રૂમમાં આગ લાગી હતી ત્યાં ફર્નિચર બળ્યું છે.
આ અંગે ચીફ ફાયર ઓફિસર કૈઝાદ દસ્તૂરે જણાવ્યું હતું કે, ACમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આગ લાગતા રૂમનું ફર્નિચર તેમજ વીસ ટકા રેકોર્ડ પણ આગમાં બળી ગયાં હતાં. જો કે, બે ટેન્કર થકી 14 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.