News Updates
NATIONAL

ફેસબુકથી મળેલા એજન્ટે 16 લાખનું ફુલેકું ફેરવ્યું:એક કરોડમાં અમેરિકા લઈ જવાનું કહી બે કપલને જકારતામાં ત્રણ મહિના રખડાવ્યું, પૈસા ખૂટી જતાં ભૂખ્યા-તરસ્યા દિવસો કાઢવા પડ્યા

Spread the love

અમેરિકા મોકલવાની લાલચ આપી કલોલ અને કડીના બે કપલને કોલંબોથી જકારતા લઈ જઈ ત્રણ મહિના સુધી રઝળપાટ કરાવી રૂ. 16.22 લાખની છેતરપિંડી આચરનાર મુખ્ય સૂત્રધાર કમલેશ જયંતrભાઈ બારોટની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.

યુરોપના વિઝા ન મળતાં અમેરિકા જવાનું નક્કી થયું
કલોલમાં રહેતા જિજ્ઞેશ હર્ષદભાઈ બારોટનો પરિવાર મધ્યમવર્ગનો હોવાથી તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું હતું. ત્યારે તેમને ફેસબુકના માધ્યમથી જાણવા મળ્યું હતું કે સમાજના કમલેશ જયંતીભાઈ બારોટ (રહે. ખુશ્બૂ એપાર્ટમેન્ટ દૂધ સાગર ડેરીની પાછળ મહેસાણા) વિદેશ મોકલવાનું કામ કરે છે. આથી તેની સાથે મહેસાણા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સામે એસ.કે. ઇન્ટરનેશનલ નામની ઓફિસમાં મિટિંગ કરી હતી. બાદમાં 20 લાખમાં યુરોપના વિઝાનુ નક્કી કરી મુંબઈમાં આવેલી એમ્બેસીમાં અરજી કરતાં એનો રિપોર્ટ નેગેટિવ આવતા એ કામ પડતું મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ દંપતીને એક કરોડમાં અમેરિકા મોકલી આપવાની લાલચ કમલેશ બારોટે આપી હતી.

મુંબઈથી કોલંબો અને ત્યાંથી જકારતા લઇ જવાયા
આમ જિજ્ઞેશભાઇ તેમનાં પત્ની સાથે અમેરિકા જવા ઘરેથી ગત તા. 10મી એપ્રિલના રોજ નીકળ્યા હતા અને મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં તેમની મુલાકાત અન્ય એક કડીના કપલ જયેશભાઈ ગુણવંતભાઈ પટેલ તથા તેમનાં પત્ની સાથે થઈ હતી. જેમને પણ એજન્ટ કમલેશ બારોટે અમેરિકા મોકલવાનો હતો. બાદમાં બંને કપલ ફ્લાઈટમાં બેસીને મુંબઈથી કોલંબો એરપોર્ટ ઊતર્યાં હતાં અને કોલંબોથી જકારતા જવાની ફ્લાઈટમાં બેઠાં હતાં, જ્યાં ઇમિગ્રેશન ક્લિયર કરાવીને કમલેશે તેમને જણાવ્યું હતું કે તમારા કેનેડાના વિઝા મંજૂર ન થાય ત્યાં સુધી તમારે અહીં રહેવાનું છે અને તેમને ટેક્સી કરીને પ્રાઇવેટ વિલામાં રહેવા માટે મોકલી આપ્યા હતા અને બંને કપલના પાસપોર્ટ લઈ લીધા હતા.

જકારતા લઇ જઇ અન્ય એજન્ટ સાથે મુલાકાત કરાવી
એજન્ટ કમલેશ બારોટે ત્યાંના એજન્ટ રાજેશકુમાર વીરા ઉર્ફે છગન સાથે મુલાકાત કરાવી કહ્યું હતું કે તમારા આગળના વિઝાનુ કામ છગન કરશે. ત્યાર બાદ છગને તેમને અલગ અલગ એમ્બેસીમાં લઈ જઈને પરમિટ માટે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન તેમની પાસે પૈસા ખૂટી ગયા હતા. બીજી તરફ એજન્ટ છગન વિઝાના કામ માટે પૈસા માગી માનસિક ત્રાસ આપતો હતો. એજન્ટ કમલેશે જિજ્ઞેશભાઈ પાસેથી રૂ. 8.90 લાખ અને જયેશભાઈ પાસેથી રૂ. 7.32 લાખ લઈ લીધા હતા.

એક તો પૈસા ખૂટી ગયા, બીજી બાજુ એજન્ટોની ધમકી
ત્રણ મહિના સુધી અમેરિકાના વિઝાનો કોઈ મેળ પડ્યો ન હતો, જેમાં બંને કપલ પાસે ખાવાના અને પાણી પીવાના પણ પૈસ બચ્ચા નહોતા, જેથી ત્રણ દિવસ તેમણે ભૂખ્યા-તરસ્યાં વિતાવ્યાં હતાં. ત્યાર બાદ તેમણે એજન્ટ કમલેશનો સંપર્ક કરી પરત કલોલ મોકલી દેવા જિજ્ઞેશભાઇએ કહ્યું હતું, જોકે એજન્ટ કમલેશે હાથ અધ્ધર કરીને કહ્યું હતું કે, પરત આવવા તમારે જાતે જ ખર્ચ કરવો પડશે. જિજ્ઞેશભાઇએ દલીલ કરતાં કમલેશે ‘જકારતા ક્યાંય ખોવાઇ જશો’ એવી ધમકી આપી હતી. જેથી જિજ્ઞેશભાઇ અને જયેશભાઇ સ્વ ખર્ચે પરત આવ્યા હતા. કલોલ આવીને તેમણે આ લેભાગુ એજન્ટો સામે કલોલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

એજન્ટ પાંચ દિવસના રિમાન્ડ પર
આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે લેભાગુ એજન્ટ કમલેશની ધરપકડ કરી લેવામાં આવી છે અને કોર્ટમાંથી પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, જેની આગળની તપાસ ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2ના પીએસઆઇ બી.એચ. ઝાલા કરી રહ્યા છે.


Spread the love

Related posts

ચાર બોગી પાટા પરથી ઉતરી,માલગાડી સાથે ટક્કર,સાબરમતી આગ્રા સુપર ફાસ્ટ ટ્રેન અકસ્માતનો શિકાર

Team News Updates

આવી છે ભારતના રાષ્ટ્રપતિની લક્ઝરી લાઈફ:15-એકરનો બગીચો, સુરક્ષા માટે 252 વર્ષ જૂનું આર્મી યુનિટ; સાંચીના બૌદ્ધ સ્તૂપ જેવો દેખાતો સેન્ટ્રલ ડોમ

Team News Updates

રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ, 5 જવાન શહીદ:સેનાએ પૂંછ હુમલામાં સામેલ આતંકવાદીને ઘેરી લીધા, 9 કલાક સુધી એન્કાઉન્ટર ચાલુ

Team News Updates