બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના ડેટા અનુસાર વિશ્વના અબજોપતિઓની યાદીમાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. ડેટા અનુસાર આ બંનેની સંપત્તિમાં 1.46 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
ચૂંટણીના પરિણામો પહેલા ભારત માટે સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર વિશ્વના અબજોપતિઓની યાદીમાંથી આવ્યા છે. જ્યાં ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીના નામ ટોપ પર આવ્યા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે બંને અબજપતિઓની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો હતો. આ યાદીમાં ગૌતમ અદાણી ટોપ પર જોવા મળે છે. ત્યારપછી નંબર મુકેશ અંબાણીનો છે. બંનેએ સંયુક્ત રીતે 1.46 લાખ કરોડ રૂપિયાથી વધુ પોતાના ખિસ્સામાં મૂક્યા છે.
વાસ્તવમાં સોમવારે શેરબજારમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી ગ્રુપના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં બંને અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે. ચાલો જોઈએ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં બંને અબજપતિઓની સંપત્તિમાં કેટલો વધારો જોવા મળ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીની સંપત્તિમાં 11.3 બિલિયન ડોલર એટલે કે લગભગ 94 હજાર કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જે બાદ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ 122 અબજ ડોલર થઈ ગઈ છે. ચાલુ વર્ષમાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં 38 અબજ ડોલરનો વધારો થયો છે.
ગૌતમ અદાણીની સંપત્તિ દોઢ વર્ષમાં સૌથી વધુ જોવા મળી છે. 15 જાન્યુઆરી 2023ના રોજ ગૌતમ અદાણીની કુલ નેટવર્થ $121 બિલિયન હતી. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રૂપના શેર ગગડી ગયા હતા. 27 ફેબ્રુઆરીએ અદાણીની નેટવર્થ $37.7 બિલિયન થઈ હતી. અત્યારે અદાણી વિશ્વના 11મા સૌથી ધનિક બિઝનેસમેન છે.
બીજી તરફ સંપત્તિ વધારવાના મામલે મુકેશ અંબાણી પણ કોઈથી ઓછા નથી. વિશ્વના અબજોપતિઓમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં સૌથી વધુ વધારો થયો છે, ગૌતમ અદાણી પછી બીજા ક્રમે છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર સોમવારે મુકેશ અંબાણીની સંપત્તિમાં 6.28 અબજ ડોલર એટલે કે 52 હજાર કરોડ રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે.
આ વધારા બાદ તેમની કુલ સંપત્તિમાં 115 અબજ ડોલરનો વધારો થયો છે. ચાલુ વર્ષમાં અંબાણીની કુલ સંપત્તિમાં 19 અબજ ડોલરનો વધારો થયો છે. તાજેતરમાં જ ગૌતમ અદાણીએ મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિનું સ્થાન હાંસલ કર્યું હતું. મુકેશ અંબાણી હાલમાં વિશ્વના 12મા સૌથી ધનિક બિઝનેસમેન છે.
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બાદ સાવિત્રી જિંદાલની સંપત્તિમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. સોમવારે તેમની કુલ સંપત્તિમાં 1.48 બિલિયન ડૉલરનો વધારો જોવા મળ્યો છે અને તેમની કુલ સંપત્તિ 34.1 બિલિયન ડૉલર પર પહોંચી ગઈ છે. કેપી સિંહની નેટવર્થમાં $1.25 બિલિયનનો વધારો જોવા મળ્યો છે અને કુલ નેટવર્થ $19.2 બિલિયન પર પહોંચી ગઈ છે. શાહપુર મિસ્ત્રીની સંપત્તિમાં 621 મિલિયન ડોલર, મંગલ પ્રભાત લોઢાની 530 મિલિયન ડોલર, કુમાર મંગલમ બિરલાની 499 મિલિયન ડોલર, સાયરસ પૂનાવાલાની સંપત્તિમાં 432 મિલિયન ડોલર, રવિ જયપુરિયાની 411 મિલિયન ડોલર, સુનિલ મિત્તલની સંપત્તિમાં 410 મિલિયન ડોલરનો વધારો થયો છે.
અઝીમ પ્રેમજી $341 મિલિયન, પંકજ પટેલ $ 321 મિલિયન, રાધાકિશન દામાણી $ 301 મિલિયન, લક્ષ્મી મિત્તલ $ 288 મિલિયન, ઉદય કોટક $ 273 મિલિયન, રાહુલ ભાટિયા $ 219 મિલિયન, બેનુ બાંગર $ 196 મિલિયન, રાકેશ ગંગવાલ $ 137 મિલિયન, નુસ્લી $ 69 મિલિયનનો વધારો જોવા મળ્યો છે. મુરલી દિવી $51.7 મિલિયન, દિલીપ સંઘવી $50.7 મિલિયન, સુધીર મહેતા $35.7 મિલિયન, સમીર મહેતા $35.7 મિલિયનનો વધારો જોવા મળ્યો છે.